Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

હવે ૧૦ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર સ્પર્ધા યોજાશે

ગીરનાર આરોહ-અવરોહણ સ્પર્ધા : મોરબી મહિલા પોલીસ ભૂમિકાબેન ઝળહળી ઉઠ્યા : વિજેતા સ્પર્ધકોને લાખેણા ઈનામો એનાયત : સ્પર્ધકોની સાહસિકતાને બિરદાવતા ગિરીશભાઈ કોટેચા - ભીખાભાઈ જોષી

  જૂનાગઢ : જુનાગઢના ગગનચુંબી ગિરનાર પર્વત પર  રાજયના ૨૦ જિલ્લાના ૯૮૦ યુવા ભાઇ બહેનોએ આકાશી ઉડાન ભરી  હતી. રાજય સરકારશ્રીનાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ૩૪મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જૂનાગઢના ૨૧ વર્ષીય યુવાન અમિત  રાઠોડે ૫૮ મીનીટ મીનીટ અને ૧૬ સેકન્ડમાં અંબાજી શિખર થઇ નીચે ઉતરી જઇ  સીનીયર ભાઇઓના વિભાગમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જયારે જૂનીયર ભાઇઓમાં જૂનાગઢના પરમાર લાલા ચિમનભાઇએ ૬૧મીનીટ ૪૩ સેકન્ડમાં તથા માળી પરબ સુધી જવાના બહેનોના સીનીયર વિભાગમાં મોરબી પોલીસમાં ફરજ બજાવતા ભૂત ભૂમિકાબેન દુર્લભજીભાઇએ ૪૪ મીનીટ ૮  સેકન્ડ અને  જુનીયર વિભાગમાં કેશોદના ખીરસરા ગામના સાયરા ઇબ્રાહિમભાઇ કથુરીયાએ પણ ૪૦ મિનિટ ૧૦ સેકન્ડમાં સ્પર્ધા પુર્ણ કરી પ્રથમ વિજેતાનું બિરૂદ મેળવ્યું  હતું.

 ભાઇઓના વિભાગની દસ સભ્યોની ટીમોને સવારે ૭ કલાકે જૂનાગઢના ધારાસભ્ય શ્રી ભીખાભાઇ જોશી અને મ્યુ. કમિશનર શ્રી પ્રકાશ સોલંકી કોંગ્રેસના ધારાસભ્ય શ્રી જવાહરભાઇ ચાવડા, શ્રી જયોતીબેન વાછાણી, શ્રી સંજયભાઇ કોરડીયા અને કોર્પોર્રેટરોશ્રીઓની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપી હતી. બહેનોની ટુકડીઓને પણ શ્રી જયોતીબેન વાછાણીએ ફલેગ ઓફ આપી હતી.

હવે નેશનલ કક્ષાની સ્પર્ધા તા.૧૦ ફેબ્રુઆરીના રોજ યોજાશે. બપોરે મંગલનાથજીની જગ્યામાં યોજાયેલા ઇનામ વિતરણ સમારંભમાં ચારેય વિભાગના પ્રથમ દશ એમ ૪૦ વિજેતાઓને રૂ.૧.૬૬ લાખના રોકડ ઇનામ અને ટ્રોફી મહાનુભાવોના હસ્તે  ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઇ કોટેચાના અધ્યક્ષસ્થાને એનાયત કરવામાં આવ્યા હતા. રાજય સરકાર દ્વારા રૂ.૬૬૦૦૦, મહાનગર પાલિકા દ્વારા રૂ.૧ લાખના ઉપરાંત  ધારાસભ્ય શ્રી જવાહભાઇ ચાવડા દ્વારા કુલ રૂ. ૨૬૮૦૦ના પુરસ્કાર વિજેતાઓને આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડોળી મંડળના શ્રી રમેશભાઇ અને શ્રી મહેશભાઇ વ્યાસ દ્વારા રોકડ તેમજ શ્રી મુંબઇના કારખાનેદાર શ્રી હસમુખભાઇએ તેના કારખાનામાં વિજેતાઓને નોકરીમાં અગ્રતા આપવામાં આવશે તેવો સંદેશો મોકલાવી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.

   આ પ્રસંગે ડે.મેયરશ્રી ગીરીશભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે ગિરનારની આ સ્પર્ધા જોમ અને જુસ્સાની સ્પર્ધા છે.ડે.મેયરે ભાગ લેનાર તમામને બિરદાવેલ.

પુર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ મશરૂએ  પર્વત પર સેવાભાવી યુવાનોની ટીમ સાથે સેવા આપી હતી.વર્ષોથી સંયોજક તરીકે કામ કરતા મામલતદાર શ્રી દેવકુમાર આંબલીયાએ સ્પર્ધાના સંકલનમાં કામગીરી કરી સ્પર્ધા અંગેની વિશેષ માહિતી આપી હતી. રમત ગમત અધિકારી શ્રી વિશાલ દીહોરાએ સ્વાગત કર્યું હતુ. કાર્યક્રમનું સંચાલન શ્રી હારૂન વિહળે કર્યું હતું.

આ કાર્યક્રમમાં ડીડીઓ શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લાના આગેવાન શ્રી વિનુભાઇ અમીપરા, શ્રી હિમાંશુભાઇ પંડયા, શ્રી ચંદ્રીકાબેન રાખશીયા, શ્રી યોગેન્દ્રભાઇ પઢીયાર, શ્રી નટુભાઇ પોંકીયા,  એનઆઇસી અધિકારી શ્રી બાદી  તેમજ નાયબ કલેકટર શ્રી રાવલ અને શ્રી જેઠવા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.(૩૭.૧૨)

૮૦ વર્ષનાં રેવતુભા જાડેજા અને ૭૮ વર્ષનાં હિરાલક્ષ્મીબેન વાસણે યુવાનોને હાથમાં મોબાઇલનાં બદલે રમતનાં સાધનો થી સજ્જ બની ગ્રાઉન્ડ પર રહેવા શીખ આપી

જૂનાગઢ : ભવનાથ ક્ષેત્રમાં ગિરનારને આંબવા નવયુવાનોનાં પગમાં થનગનાટ જોવા મળતો હતો ત્યારે આ યુવાનોને પ્રોત્સાહિત કરવા યુવાનોની સ્ફુર્તીને છાજે તેવી શરીર સૈાષ્ઠવ તરવરાટી તાજગી સાથે ૮૦ વર્ષિય (યુવાન)બુઝર્ગ શ્રી રેવતુભા જાડેજા સ્પોર્ટમેનને છાજે તેવી તાજગી સાથે ગિરનાર આરોહણ સ્પર્ધાનાં સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. બાજુમાં ૭૮ વર્ષિય હીરાલક્ષ્મીબેન વાસણે પણ દિકરીઓને ગિરનાર સર કરવા પ્રોત્સાહિત કરતા હતા.

રેવતુભા જાડેજા અને હિરાલક્ષ્મીબેન વાસણ અખીલ ભારતીય સિનીયર સિટીઝન રમતોમાં ઈનામને પાત્ર બન્યા છે, તેનો શ્રેય રમતનાં મેદાનને આપતા જણાવ્યુ કે તાજા ફળફળાદી અને પૈાષ્ટીક આહાર સાથે રમતનાં મેદાનને કદી છોડ્યુ નથી, આજેય યુવાનોને પાછળ રાખી રમતમાં કૈાવત દેખાડવાની હામ ધરાવતા આ રમતવિરો કહે છે કે અત્યારે મહત્ત્।મ યુવાઓ મોબાઇલનાં ક્રેજમાં પોતાની આંખોને નુકશાન તો પહોંચાડે છે સાથે  શરીરને પણ કસરતથી દુર કરતા જાય છે. યુવાનો તો મેદાનમાં જ શોભે, આવી વાતને દોહરાવતા હીરાલક્ષ્મીબેન કહે છે કે આજે હું ૭૮ વર્ષની ઉમર ધરાવુ છુ છતાં દરરોજ એક કલાક યોગ અને પાંચ કીલોમીટરનું મોર્નિંગવોક નિયમિત કરુ છુ. સારો આહાર અને નિયમિત કસરત એ જીવનની તંદુરસ્તીની ચાવી છે. ગુજરાત સરકાર યુવાનોને રમત પરત્વે રૂચિ કેળવાય તે માટે ગિરનાર આરોહણ અવરોહણ જેવી અનેક સ્પર્ધાઓ અને સારા પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરે છે સાથે શાળા કક્ષાએ ખેલમહાકુંભ અને શાળા રમતોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં રમત ગમત પરત્વે રૂચિ કેળવાય તે દિશામાં અનેક આયામો ખુલ્લા મુકયા છે ત્યારે આપણને તો પ્રકૃતિ અને ગીરીવર ગિરનારની અણમોલ ભેટ ઈશ્વરે ધરી છે તો આવો યુવાનો સાથે મળી ગિરનારને સર કરીએ આવી હાકલ ભવનાથ તળેટીમાં એક સાડા સાત દાયકાને ગડથોલીયા ખવડાવનાર યુવાઓની સાંભળવા મળી હતી.

 આરોહણ અવરોહણ દરમ્યાન ઉડીને આંખે વળગે તેવી તરવરાટ ભરી સ્ફુર્તિ સાથે આ સ્પર્ધામાં વર્ષો સુધી જેના નામે રેકોર્ડ કાયમ રહ્યો હતો તેવા દેવકુમાર આંબલીયા પોતાની ફરજમાંથી સમય કાઢીને યુવાનોને પ્રોત્સહિત કરતા જોવા મળ્યા હતા.

(11:58 am IST)