Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વાંકાનેરમાં ફળેશ્વર મહાદેવ મંદિરમાં 'સુંદરકાંડ'ના પાઠ તેમજ ભજનોનો કાર્યક્રમ યોજાયો

જોડીયાવાળા અલ્કેશભાઇ સોની તથા ભોલેબાબા ગ્રુપે રંગત જમાવીઃ મહાઆરતી યોજાઇઃ વિશાળ સંખ્યામાં ભાવિકોએ ધર્મ લાભ લીધો

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર તા. પ :.. વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી ઐતીહાસીક મુનિબાવાની જગ્યા ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી ફળેશ્વર મહાદેવદાદા રામચંદ્ર ભગવાન એવમૂ પ.પૂ. સંત શિરોમણી જલારામબાપા તેમજ પ.પૂ. સદ્ગુરૂદેવ રામકિશોરદાસજી મહારાજશ્રીની અસીમ કૃપાથી ફળેશ્વર દાદાના પટાંગણમાં સંગીતમય સુંદરકાંડના પાઠ, શ્રી હનુમાન ચાલીસા, ધુન, સંકિર્તન તેમજ સંતવાણી, ભજનનો ભવ્ય કાર્યક્રમ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે જલારામબાપાના પાવન સન્મુખ યોજાયેલ હતો. જે કાર્યક્રમમાં જોડીયાવાળા સુપ્રસિધ્ધ કલાકાર ભજનના આરાધક અલ્કેશભાઇ સોની તેમજ શિવરામ ત્રિવેદીભાઇ, સમીરભાઇ લાખાણી (ભોલેબાબા ગ્રુપ) ના સર્વે સાથીદારોએ અનેરા સંગીતની શૈલી સાથે સુંદરકાંડ ના પાઠ-ધુન તેમજ ભજનોની રંગત જમાવી હતી.

કાર્યક્રમનો શુભ પ્રારંભ મંગલમય દીપ પ્રાગટીયવિધી ફળેશ્વર મંદિરના પટેલ બાપુ તેમજ ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઇ રાવલ તથા ફળેશ્વર મહાદેવ સેવા સમિતિના સર્વે સભ્યો હસ્તે કરવામાં આવેલ હતો. આ પ્રસંગે શ્રી ગાયત્રી મંદિરનાં અશ્વિનભાઇ રાવલ તેમજ શ્રી પટેલબાપુએ પ્રાસંગીક પ્રવચન આપેલ હતું. તેમજ જોડીયાવાળા કલાકાર અલ્કેશભાઇ સોનીને સાલ ઓઢાડી પુષ્પહારથી સન્માન, અશ્વિનભાઇ રાવલે કરેલ હતું. તેમજ શિવરામ ત્રિવેદીભાઇ, સમીરભાઇ લાખાણી સર્વેનું સાલ ઓઢાડી સન્માન શ્રી પટેલબાપુ તથા પરીમલભાઇ, અજીતભાઇએ કરેલ હતું. કાર્યક્રમનું સંચાલન હીતેશ રાચ્છે કરેલ હતું.

આ પ્રસંગે વાંકાનેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સર્વે ભાવિક-ભાઇઓ-બહેનો બહોળી સંખ્યામાં હાજર રહીને પાઠનું ગાન કરેલ હતું તેમજ સદ્ગુરૂ આશ્રમ તથા સર્વે ધુન મંડળના ભાવિકોએ લાભ લીધેલ હતો.

આ પ્રસંગે સાંજના મહાઆરતી કરવામાં આવેલ હતી. તેમજ નીજ મંદિરોને પુષ્પહારોથી સુશોભીત કરવામાં આવેલ તથા મંદિર શીવલીંગને મહાકાલનો પુષ્પશૃંગાર કરવામાં આવેલ તેમજ સર્વે ભાવિક ભકતજનોએ મહાપ્રસાદ લીધેલ હતો.

ફળેશ્વર મંદિરમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ વર્ષોથી ચાલુ છે. જેમાં ગૌશાળા પક્ષીઓને ચણ, સાધુ-સંતો તેમજ ગરીબોને કાયમ માટે ભોજન કોઇપણ આફત સંકટ સમયે અનોખો સેવા પ્રવૃતિ તેમજ દર મહિનાની ૪ તા. પ્રાર્થના હોલમાં રાત્રે ૯ વાગ્યાથી ધુન-સંકિર્તન યોજાય છે. (પ-ર૭)

(11:56 am IST)