Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

નિરક્ષરતા - નિર્ધનતા - વિસમતાને દૂર કરી ગાંધીજીના સ્વપ્નના ગ્રામ સ્વરાજને સાકાર કરીએ : કોહલીજી

અમરેલી : રાજયપાલશ્રી ઓ. પી. કોહલીએ મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણી નિમિત્ત્।ે સમાજમાંથી નિરક્ષરતા – નિર્ધનતા અને વિસમતા દૂર થાય અને ગાંધીજીના સ્વપ્નનું ગ્રામ સ્વરાજ ધરતી ઉપર સાચા અર્થમાં સાકાર થાય તે માટે કટીબધ્ધ બનવા અનુરોધ કર્યો હતો.

અમરેલી જિલ્લાના ખડસલી ખાતે આજે ગ્રામ સેવા કેન્દ્ર – લોકશાળા ખડસલી દ્વારા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિના ઉપલક્ષમાં ગાંધીજન મિલન – વાલી સંમેલન અને વાર્ષિક મેળાવડાના યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં રાજયપાલશ્રીએ જણાવ્યું હતુ કે, વિજ્ઞાન અને ટેકનોલોજીના આજના યુગમાં પણ ગાંધીજી અને તેના વિચારો એટલા જ પ્રસ્તુત છે. આ વિચારોને આચરણમાં મૂકી આપણે સૌએ ગાંધીજીના રચનાત્મક કાર્યોને જીવનમાં ઉતારી સમાજમાં સાર્થક પરિવર્તન લાવવા સંકલ્પબધ્ધ બનવું જોઈએ. 

 આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના રજીસ્ટાર ડો. રાજેન્દ્ર ખીમાણીએ ગાંધીજીના ગ્રામ સ્વરાજની કલ્પના સાકાર કરવા સ્વાવલંબી ખેતી અને ગ્રામ વિકાસની પણ વિગતે વાત કરી હતી.

રાજકોટથી આવેલા શ્રી બળવંતભાઈ દેસાઈએ ગાંધીજીના 'ગોડ ઈઝ ટ્રુથ'ને બદલે 'ટ્રુથ ઈઝ ગોડ'ના વિચારોને અનુસરવા જણાવ્યુ હતુ.

ગ્રામ સેવા કેન્દ્રના સંચાલકશ્રી મનુભાઈ મહેતાએ શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યુ હતુ.

આજના કાર્યક્રમમાં રૂ.૨૭ લાખના જળસંચયના કામો માટે પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી પ્રાપ્ત થયેલ જે.સી.બી. મશીનનું અને ગ્રામ વિકાસ કેન્દ્રનું રાજયપાલશ્રી કોહલીએ લોકાર્પણ કર્યુ હતુ. આ તકે રાજયપાલશ્રીએ ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા.

આજના પ્રસંગે પૂર્વ કૃષિ મંત્રીશ્રી વી.વી.વઘાસીયા, કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એમ.પાડલીયા, પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝના સીનીયર મેનેજરશ્રી જાદવ, ગાંધીજનો, શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:55 am IST)