Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ભરત ટાંક સામે ફરિયાદ દાખલ કરીશઃ નરેન્દ્રબાપુ

સમાજનું વિભાજન કર્યુ, ગુમરાહ કર્યો, ૪૬૨, ૪૬૭, ૪૨૦ અને ૧૨૦બી ફરિયાદ દાખલ કરાશેઃ અમારા સામે ફરિયાદ કરવા અમુક લોકો જ શા માટે ગયા, અમે કોઈને છરી કે બંદૂક દેખાડી હોય તો તેના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર નથી કરતા?: અમારી પાસે તમામ પુરાવા છે, જે પોલીસને રજૂ કરીશું: વિરોધીઓએ એક રૂમમાં બેસી મનઘડત સ્ટોરી ઉભી કરી

રાજકોટ,તા.૧૫: તાજેતરમાં અમરેલીમાં મળેલ કડીયા સમાજના સંમેલનનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં બે દિવસ અગાઉ સાવરકુંડલામાં મળેલ ઓલ ઈન્ડિયા ક્ષત્રિય કડિયા સમાજની બેઠકમાં ભારે ધમાલ મચી ગઈ હતી. ખુરશીઓ ઉલાળ્યાનો બનાવ, છરી, રીવોલ્વર કાઢવાના બનાવ બન્યાના આક્ષેપો સાથે સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાઈ છે જો કે આ સમગ્ર બનાવ અંગે નરેન્દ્રબાપુએ કહ્યું છે કે આ ઘટના સંપૂર્ણ રીતે મનઘડત રીતે ઉભી કરવામાં આવી છે. ભરત ટાંકે સમાજનું વિભાજન કર્યુ છેે, સમાજને ગુમરાહ કર્યો છે હું તેની વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરીશ. તેઓએ કહેલ કે અમે કોઈને છરી કે રીવોલ્વર દેખાડી હોય તો તેના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર કરતાં નથી, અમારી સામે ફરીયાદ કરવા અમુક લોકો જ શા માટે ગયા હતા. અમારી પાસે તમામ પુરાવા છે જે હું પોલીસ સમક્ષ રજૂ કરીશ.

નરેન્દ્રબાપુએ જણાવેલ કે ઓલ ઈન્ડિયા ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખપદે વરણી કરવા માટે સાવર કુંડલા કડિયા સમાજના પ્રમુખ ગોવિંદભાઈએ બેઠક બોલાવી હતી. આ બેઠક અંગે તમામને વોટસએપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના અનુસંધાને રાજકોટ કડીયા સમાજના પ્રમુખ તરીકે હું ત્યાં ગયો હતો. આ બેઠકમાં અમાદાવાદના નિલેશભાઈ ચૌહાણ, રાજકોટ શ્યામવાડીના મનસુખભાઈ ટાંક, વાસાવડ, બરોડા, જેતપુર સહિત ગામોમાંથી પ્રમુખો હાજર હતા.  દરેકને એન્ટ્રી આપવામાં આવી હતી. અમે આ બેઠકમાં હાજરી આપવા ગયા તો અમને રોકવામાં આવ્યા અને ધકકે ચડાવવામાં આવ્યા.

આ બેઠકમાં અમુક લોકો દ્વારા ખુરશીઓના ઘા થવા લાગ્યા હતા. પરંતુ અમે બે હાથ જોડી શાંતિથી અપિલ કરી હતી. પ્રમુખપદ માટેની બહુમતી સાબીત થાય એમ ન હતી, જેથી મીટીંગને બરખાસ્ત જાહેર કરી દેવામાં આવી. અમે (નરેન્દ્રબાપુ) ત્યાંથી નિકળી વાડીની બાજુમાં જ આવેલ કાનજીબાપુની જગ્યાએ અમે બેઠા હતા અને ત્યાંથી રાજકોટ પરત આવી ગયા હતા.

નરેન્દ્રબાપુ વધુમાં જણાવે છે કે  સમગ્ર ઘટના સવારે ૯:૩૦ વાગ્યાની હતી તો ફરીયાદ કેમ સાંજે ૪ વાગ્યે થઈ ? ફરીયાદ કરવા માત્ર ચાલીસેક લોકો શા માટે ગયા ? અન્ય સમાજના પ્રમુખો ફરીયાદ કરવા કેમ ન ગયા. અમે અમારી સાથે પ્રેસ મીડિયા અને ઈલેકટ્રીક મીડિયાને સાથે લઈ ગયા હતા. જો અમારે માથાકૂટ કરવી હોય તો મીડિયાને કેમ અમારી સાથે લઈ જઈએ. માથાકૂટમાં છરી કે બંદુક દેખાડનારાનું નામ ન આવડતું હોય તો તેના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર કરવામાં આવતા નથી. ફરીયાદમાં જે લોકોના નામ આપ્યાએ લોકોએ કોઈને ખુરશી મારી કે ખુરશીઓ તોડી હોય તો તેના ફોટાઓ ફરીયાદમાં કેમ ન મુકવામાં આવ્યા? ભરત ટાંકે જશ ખાટવા માટે અમરેલીમાં સંમેલન બોલાવેલું. તો પછી ઓલ ઈન્ડિયા કડીયા સમાજની મીટીંગ સાવરકુંડલામાં કેમ બોલવી ? નરેન્દ્રબાપુ કહે છે કે અમારી બેઠકમાં હાજરીથી બહાર નિકળ્યા ત્યાં સુધીના વિડીયોગ્રાફી સહિતના પુરાવાઓ છે જે અમે પોલીસને રજૂ કરીશું.

અમરેલીના એસ.પી.શ્રી નિર્લીપ રાય પ્રમાણિક નિડર અને નિષ્પક્ષ વ્યકિત છે અમોને તેઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. ફરિયાદમાં કોઈપણ  વ્યકિત લખાવી શકે છે. પરંતુ તેના માટે તમામ પુરાવા પોલીસને આપવા જોઈએ. જો મેં મારામારી કરી હોય તો મારા ફોટા પોલીસ સમક્ષ પુરાવારૂપે રજૂ કરવા જોઈએ. સમગ્ર બનાવ અંગે મનઘડત સ્ટોરી ઘડી કાઢવામાં આવી છે અને ભરત ટાંકના દબાણવશ થઈ ગોવિંદભાઈ પરમારે ફરીયાદ દાખલ કરવામાં આવશે. તેમ અંતમાં જણાવ્યું હતું.(૩૦.૯)

ભરત ટાંક વિરૂદ્ધ ગુનો દાખલ :  પોલીસ મધરાતે ધરપકડ કરવા ગઇ પણ...

સાવરકુંડલામાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની મળેલ બેઠકમાં ભારે હંગામો થયો હતો આ મામલે ભરત ટાંક વિરૂદ્ધ અમદાવાદના કમલેશ ચૌહાણે ફરીયાદ દાખલ કરી છે. અમદાવાદ પોલીસ મધરાતે ૪ વાગ્યે ભરત ટાંકના નિવાસે ધરપકડ કરવા પહોંચી હતી પણ ભરત ટાંક મળ્યા ન હોવાનું જાણવા મળે છે. પોલીસે વધુ તપાસ આદરી હોવાનું પૂ. નરેન્દ્રબાપુ સોલંકીએ જણાવ્યું છે

 

(11:41 am IST)