Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

પૂ. મોરારીબાપુની નિશ્રામાં

આવતીકાલે તલગાજરડા ખાતે સેક્સ વર્કર બહેનોના પુનઃવસન માટે સહાય વિતરણ થશે

રાજકોટ તા. ૧પ : ગત તારીખ રર થી ૩૦ ડીસેમ્બર દરમ્યાન અયોધ્યાજી ખાતે પૂજ્ય મોરારિબાપુ દ્વારા 'માનસ-ગણિકા' રામકથા યોજાઇ હતી. આ કથા કેવળ વચાનાત્મક ન બને પરંતુ રચનાત્મક પણ બને એવી હૃદયપૂર્વકની ભાવના અને સ્પષ્ટ સમજણ સાથે પરિસ્થિતિ વશ સંજોગોને કારણે કે અન્ય મર્યાદાઓને લીધે જે વંચિત છે. ઉપેક્ષિત છે. તિરસ્કૃત છે તેવી ગણિકા બહેનો સુધી પહોંચવામાં આ ઐતિહાસિક રામકથા સેતુ બની હતી. ગણિકાઓને પણ સન્માન મળે. તેમના પ્રશ્નોને સમાજ સમજી શકે. એ બહેનોના પરિવારજનો અને ખાસ તો બાળકોના પુનઃસવન માટે કશુંક રચનાત્મક કાર્ય થાય તેવા હેતુ સાથે જેનો આરંભ થયો હતો તે રામકથામાં ગુજરાત મહારાષ્ટ્ર,દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશના અનેક પ્રાંતોમાંથી ૩૦૦ ઉપરાંત સેકસ વર્કર બહેનો ઉપસ્થિત રહી હતી. આ બહેનોના પુનઃવસન માટે વ્યાસપીઠ પરથી બાપુએ અનુદાન આપવા અપીલ કરી હતી. શ્રી ચિત્રકુટધામ-તલગાજરડા દ્વારા સૌ પ્રથમ ૧૧ લાખ રૂપિયાનો સહયોગ કરવામાં આવ્યો હતો. અને એ પછી દેશ-વિદેશના અનેક લોકોએ રૂપિયા ૬ કરોડથી પણ વધુ રકમનો સહયોગ કર્યો છ.ે

આવતીકાલે તારીખ ૧૬/૧/૧૯ના દિવસે શ્રી ચિત્રકુટધામ-તલગાજરડા ખાતે સવારે દસ વાગ્યે આવી બહેનો માટે કાર્યરત સંસ્થાઓ સેવાભાવી સંગઠનોના લોકો તેમજ પ્રતિનિધિરૂપ સેકસ વર્કર બહેનોને સાથે રાખી પૂજ્ય મોરારિબાપુની સન્નિધિમાં આ રકમ સેકસ વર્કર બહેનોના પુનઃવસન માટે વિતરિત કરવામાં આવશે આવી ઐતિહાસિક અને સંવેદના સભર ઘટના અચૂક જોવા-જાણવા સમજવા જેવી છે.

આલેખનઃ જયદેવભાઇ ૯૮રપર ૭રપ૦૧ અને ૮૭પ૮૮ ૦૮૦પપ (મુકેશભાઇ તલગાજરડા)(૬.૬)

(9:55 am IST)