Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ચોટીલાના પાંચવડાની સીમમાં દીપડાના પગલા જોવા મળતા ભયનો માહોલ

વન વિભાગે પણ દિપડાના પંજા હોવાનું કબુલ્યુઃ હવે ઝડપથી પાંજરે પુરવા કવાયત હાથ ધરી

વઢવાણ,તા.૧૪: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સિંહોના આગમન બાદ વન વિભાગે થોડા દિવસો પહેલા સિંહોને ઝડપી પાડી રેડીયો કોલર લગાવી ફરી સીમમાં છુટ્ટા મુકી દેવામાં આવતાં ચોટીલા તાલુકાના લોકોએ સિંહોના ભયથી રાહત અનુભવી હતી પરંતુ સિંહ બાદ ચોટીલા તાલુકામાં દિપડાએ દેખા દેતાં ફરી દોડધામ મચી જવા પામી હતી અને ગ્રામજનોએ સ્થાનિક વન વિભાગને જાણ કરતાં વન વિભાગનાં અધિકારીઓ દ્યટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને વધુ તપાસ હાથધરી હતી.

ચોટીલા તાલુકામાં છેલ્લા એક મહિનાથી એશીયાઈ સિંહોનું આગમન થયું છે અને ત્યારબાદ સ્થાનિક વન વિભાગ સહિત અન્ય જિલ્લાની ચારથી પાંચ વન વિભાગની ટીમોએ ચોટીલા તાલુકામાં ધામા નાંખ્યા હતાં અને સિંહોનું લોકેશન મેળવવા તજવીજ હાથધરી હતી જેમાં તાજેતરમાં ચોટીલા તાલુકામાંથી બે સિંહોને ઝડપી પાડી રેડીયો કોલરીંગ કરી ફરી ચોટીલા તાલુકાની સીમમાં છુટ્ટા મુકી દેવામાં આવ્યા છે અને સિંહોના લોકેશન પરઙ્ગ નજર રાખવામાં આવી રહી છે ત્યારે સિંહ બાદ ચોટીલા તાલુકામાં દિપડાએ દેખા દેતાં ફરી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

જેમાં ચોટીલા તાલુકાના પાંચવડા ગામની સીમમાં ગ્રામજનોએ દિપડાના પંજાના નિશાન જોતા સ્થાનિક વન વિભાગની ટીમને જાણ કરી હતી આથી વન વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્યટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને નિશાનને આધારે તપાસ હાથધરી હતી જેમાં મળી આવેલ નિશાન દિપડાના હોવાની વન વિભાગે પુષ્ટી પણ કરી હતી અને દિપડાને ઝડપી પાડવા પીંજરૃં મુકવા સહિતની કામગીરી કરવાની પણ ખાત્રી આપતાં ગ્રામજનોમાં રાહત થઈ હતી. જો કે દિપડાના નિશાન મળી આવ્યાં બાદ હજુ સુધી દિપડા દ્વારા કોઈ પશુનું મારણ કરવામાં ન આવ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું.

(12:07 pm IST)