Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સૌરાષ્ટ્રમાં દિપડાના આતંકનો મુદો દિલ્હી દરબારમાં

વિસાવદરના કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયા, ભીખાભાઇ જોષી, બાબુભાઇ વાજાની કેન્દ્રના વન મંત્રાલયમાં રૂબરૂ રજૂઆત

વિસાવદર, તા.૧૪: સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બગસરા, જુનાગઢ જિલ્લાના વિસાવદર સહિતના વિસ્તારોમાં દીપડાના વધતા જતાં હુમલાઓના મામલે ગુજરાત વિધાનસભામાં ઉગ્ર રજૂઆતો બાદ હવે આ મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે.

દીપડાનો મામલો ગુજરાત વિધાનસભામાં ઉગ્ર રજૂઆતો બાદ હવે દિલ્હી પહોંચ્યો.સૌરાષ્ટ્રના આ વિસ્તારોને દીપડાની રંજાડમાંથી મુકત કરવાં તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

એક માનવભક્ષી દીપડાને વન વિભાગે ઠાર કર્યો.વિસાવદર રેવન્યુ વિસ્તારમાં દીપડાના હુમલાના મામલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રજૂઆત કરી છે. તેઓ દિલ્હી કેન્દ્રીય વનમંત્રાલયને રજુઆત કરવા પહોંચ્યા છે. કેન્દ્રીય વનમંત્રી અને ડાયરેકટર જનરલ ઓફ ફોરેસ્ટને તેમણે આવેદનપત્ર આપ્યું છે.

વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા સહિતનું એક પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય વન અને પયાર્વરણ પ્રધાનને રૂબરૂ આવેદન પત્ર આપી સૌરાષ્ટ્રના આ વિસ્તારોને દીપડાની રંજાડમાંથી મુકત કરવાં તાત્કાલિક પગલાં ભરવા માંગણી કરી છે.આમ જોઇએ તો ૧૭ લોકોના મોત થયા છે અને ૬૭ લોકો ઉપર દીપડાએ હુમલો કર્યો છે. આ અંગે જૂનાગઢ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હર્ષદભાઇ રિબડીયા (વિસાવદર), ભીખાભાઇ જોષી(જૂનાગઢ),બાબુભાઇ વાજા (માંગરોળ)એ રજુઆત કરી છે.

અત્રે એ યાદ અપાવીએ કે ગત તા. ૧૧ ના રોજ બગસરા નજીક એક માનવભક્ષી દીપડાને વન વિભાગે ઠાર કર્યો છે. જોકે આમ છતાં હજુ આ વિસ્તાર માં ભય યથાવત છે. હજુ અનેક દીપડાઓ આ વિસ્તારોમાં દ્યૂમે છે. ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાઓના ખેડૂતોમાં દીપડાને લઈને ભય નો માહોલ છે, દીપડાઓ માટે વેન વિભાગ એક અલગ અભ્યારણ બનાવે તેવી માંગણી આજે કેન્દ્ર સમક્ષ ગુજરાતના ધારાસભ્યોએ કરી છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી દીપડાની રંજાડ હોવા છતાં વન વિભાગ દ્વારા કોઈ ઠોસ કદમ ઉઠાવતા નથી, ધારાસભ્ય હર્ષદ રીબડીયા વાત કરતા કહે છે કે, એક બે દીપડાને પાંજરે પુરવાથી આ સમસ્યા હાલ થાય તેમ નથી,લાંબા ગાળાનું આયોજન જરૂરી છે કારણ કે દીપડાઓની સંખ્યા સતત વધી રહી છે.

(12:06 pm IST)