Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

કાલે વિજયભાઈ કચ્છમાં: ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુને સફેદરણમાં આવકાર આપશે

ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયાજી કચ્છના ગ્રામીણ રહેવાસીઓને મળશે, સફેદરણમાં સનસેટ નિહાળશે, ચાંદની રાત્રે કચ્છી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી સફેદરણનું ગીત લોન્ચ કરશે, શાહી ટેન્ટમાં રાત રોકાશે

ભુજ, તા.૧૪: ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુ પોતાના બે દિવસના ગુજરાતના રોકાણ દરમ્યાન કચ્છની મુલાકાત લેશે. જોકે તેઓ દેશ વિદેશમાં પ્રખ્યાત કચ્છનું સફેદરણ નિહાળવા આવી રહ્યા છે. આવતીકાલે રવિવારે સાંજે પાંચ વાગ્યે ઉપરાષ્ટ્રપતિ સીધા જ કચ્છના સફેદરણ ધોરડો મધ્યે હેલિપેડ ઉપર ઉતરાણ કરશે. તેમને આવકારવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે ખાસ કચ્છ આવી રહ્યા છે. તેઓ ધોરડો હેલિપેડ ખાતે ઉપરાષ્ટ્રપતિને આવકારી તેમની સાથે સફેદરણના પ્રવાસમાં જોડાશે. ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયાજી સફેદરણ મધ્યે કચ્છના ગ્રામીણ લોકોને મળી તેમની સાથે સંવાદ કરશે. ત્યારબાદ કચ્છી હસ્તકલાના સ્ટોલ્સની મુલાકાત લઈ કચ્છી હસ્તકલા કારીગરોને મળશે. ત્યાંથી તેઓ સફેદરણમાં સનસેટ (સૂર્યાસ્ત) નો નઝારો માણશે. ચાંદની રાત્રે કચ્છી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી તેઓ સફેદરણ અંગેનું ગીત લોન્ચ કરશે. ત્યાંથી તેઓ પરત ટેન્ટ સીટી ફરશે. ટેન્ટસીટીના શાહી તંબુમાં તેઓ રાત્રી ભોજન લઈ રાત્રી રોકાણ કરશે. સોમવારે સવારે તેઓ પરત દિલ્હી જવા રવાના થશે. ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને પગલે સલામતી વ્યવસ્થા ચુસ્ત બનાવાઈ છે. કચ્છનું વહીવટીતંત્ર ખડે પગે છે. ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયાજીના આ પ્રવાસ દરમ્યાન કચ્છના સાંસદ વિનોદ ચાવડા, પ્રભારી મંત્રી દિલીપ ઠાકોર, રાજયમંત્રી વાસણભાઈ આહીર તેમની સાથે રહેશે.

(12:05 pm IST)