Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

જામનગરમાં ૭ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લેનાર ફ્રુટના વેપારી સારવારમાં : વ્યાજખોરોની શોધખોળ

જામનગર તા.૧૪: જામનગરમાં ફ્રુટનો ધંધો કરતો વેપારીએ ગઇકાલે કંટાળીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા  પીતા પહેલા વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ પગલુ ભર્યાની ચીઠ્ઠી  પણ લખી હતી. હાલ ફ્રુટનો વેપારી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં ફ્રુટનો વ્યવસાય કરતા અને પત્રકાર કોલોની સોસાયટી પાસે રહેતો ૩૭ વર્ષનો રાજેશ શ્યામલાલ નાગપાલે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.  જેને બેભાન હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેની ખીસ્સામાંથી એક ચીઠ્ઠી પણ મળી આવી હતી. જેમા પોતે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી  આત્મ હત્યા કર્યાઅંગેનુ લખી વ્યાજખોરો તેના પરિવારને હેરાન  ન કરે તે માટે ધ્યાન રાખવા પોલીસને વિનંતી કરી હતી.

આ ચીઠ્ઠીમાં વ્યાજખોરોએ તેની પાસેથી કોરો ચેક પણ લઇ લીધાનુ ચીઠ્ઠીમાં લખ્યુ હતુ. દવા પીતા પહેલા લખેલ આ ચીઠ્ઠીમાં સાત વ્યાજખોરોના નામ પણ લખ્યા છે. જેમાં લોકુભાઇ, મહેશભાઇ, મનોજભાઇ, મહેશભાઇ લુહાર, મુકેશભાઇ જંડી, સુંદર બજાજ, જગદીશ(જેડી) સહિતનો ઉલ્લેખ કરાયો છે. આ વ્યાજખોરોમાંથી લોકુભાઇ તથા મહેશ લુહાર કોરા ચેકો લઇ લીધા છે. જેથી આ ઘટના બાદ વ્યાજખોરોના જે નામનો ઉલ્લેખ છે જેને પોલીસ શોધી લેવા ચક્ર ગતિમાન કર્યા છે. હાલ વધી રહેલા વ્યાજખોરોના ત્રાસને લઇને આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે.

(11:57 am IST)