Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ભાણવડ મગફળી ખરીદ કેન્દ્રના વજનકાંટાની ખોલી નાખી પોલઃ ત્રણ કિલો જેટલું ઓછુ થયુ વજન!

ધારાસભ્ય વિક્રમભાઇ માડમે જનતા રેડ કરી : ર૭ કાંટાઓ પર ધારાસભ્યએ પોતાનું વજન કરી ખાતરી કરીઃ એક કાંટામાં ઘટ્ટ!

ભાણવડ તા. ૧૪ :.. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર માટે ભાણવડ માર્કેટીંગ યાર્ડમાં વ્યવસ્થા કરી છે જેમાં તોલમાપને લઇને ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયેલો હતો જેને પગલે ધારાસભ્ય વિક્રમભાઇ માડમે જનતાને સાથે રાખીને રેડ કરતા કુલ ર૭ વજન કાંટાઓની ચકાસણી કરતા પોતે જ પોતાનું વજન કરેલ જેમાં ર૩ કાંટાઓમાં તેમનું વજન એકસરખુ ૬પ કિલો આવ્યું હતું જયારે ૩ કાંટાઓ બંધ મળી આવ્યા હતા અને ૧ કાંટામાં ૩ કિલો ઓછું વજન આવી ૬ર કિલો બતાવતા ધારાસભ્ય સહિત તમામ ચોંકી ઉઠયા હતાં.

ધારાસભ્ય વિક્રમભાઇ માડમે સવાલ ઉઠાવેલ કે, જે કાંટામાં ઓછું વજન આવ્યું એ કાંટા પર જેટલા ખેડૂતોની  મગફળીનું તોલ કરવામાં આવ્યું હશે તેમને તો એક ગુણીએ ૩ કિલોની નુકશાની વેઠવી પડી હશે ને ? મગફળી ખરીદ કેન્દ્રના સ્ટાફ દ્વારા કોના કહેવાથી આ કાંટામાં ગોલમાલ કરવામાં આવ્યંુ છે એ સવાલ સાથે જનતાની હાજરીમાં જ કલેકટરને ટેલીફોનીક રજૂઆત કરી આ ઘટના અંગે તાત્કાલીક ઘટતું કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે એ મુજબની માગણી કરી હતી. આ ઉપરાંત ખેડૂતોએ મગફળી ખરીદ કેન્દ્રના સ્ટાફ દ્વારા વ્યવસ્થિત જવાબ આપવામાં પણ નહી આવતો હોવાની ધારાસભ્ય સમક્ષ રાવ કરી હતી. આ  જનતા રેડમાં ધારાસભ્યની સાથે ભાણવડ કોંગ્રેસ સમિતિના ગીરધરભાઇ વાઘેલા, મુકેશભાઇ કરમુર, ભીમભાઇ વાવણોટીયા તેમજ પાલિકા વિપક્ષી નેતા ભરતભાઇ વારોતરીયા અને સભ્યો જોડાયા હતાં.

(11:57 am IST)