Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

પડધરીના હડમતીયામાં ટ્રેકટર ચલાવવા મુદ્દે નિવૃત આર્મીમેન સહદેવસિંહે ફાયરીંગ કર્યુઃ બેને ઇજા

ઇજાગ્રસ્ત કૌટુંબીક ભાઇના પત્ની ભકિતબા સિધ્ધરાજસિંહ જાડેજા તથા કૌટુંબીક ભાઇ દિગ્વીજયસિંહને રાજકોટ ખાનગી હોસ્પીટલમાં ખસેડાયાઃ હત્યાનો પ્રયાસ કરનાર નિવૃત આર્મીમેન સહદેવસિંહ પોલીસના સકંજામાં

રાજકોટ, તા., ૧૪: પડધરીના હડમતીયા ગામે ટ્રેકટર ચલાવવામુદ્દે થયેલ ઝઘડામાં નિવૃત આર્મીમેન ગરાસીયા યુવાને ફાયરીંગ કરતા કૌટુંબીક ભાઇના પત્ની અને કૌટુંબીક ભાઇને ઇજા થતા સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના હડમતીયા ગામે રહેતા નિવૃત આર્મીમેન સહદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા અને તેના કૌટુંબીક ભાઇઓએ ખેતી કામ માટે ભાગમાં ટ્રેકટર લીધું હતું અને વારા મુજબ આ ટ્રેકટરથી ખેતી કામ કરતા હતા ગઇકાલે  બપોરે તેના કૌટુંબીક ભાઇ સિધ્ધરાજસિંહ જાડેજાએ  તેના ખેતરમાં ટ્રેકટર ચલાવ્યું હોય બપોર પછી પોતે તેના ખેતરમાં ટ્રેકટર ચલાવશે તેવું  સહદેવસિંહે કહેતા બંન્ને કૌટુંબીક ભાઇઓ વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો.

ત્યાર બાદ આ ઝઘડાનો ખાર રાખી નિવૃત આર્મીમેન સહદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા બાજુમાં જ રહેતા કૌટુંબીક ભાઇ સિધ્ધરાજસિંહ સાથે ઝઘડો કરી ફડાકા ઝીંકી દેતા પરીવારજનો એકત્ર થઇ ગયા હતા અને સહદેવસિંહને ઉપરના રૂમમાં પુરી દીધા હતા. સહદેવસિંહે ઉપરના રૂમમાંથી પોતાના પરવાનાવાળા હથીયારથી બારીમાંથી નીચે ઉભેલા પરીવારજનો પર ફાયરીંગ કરતા તેના કૌટુંબીક ભાઇના પત્ની ભકિતબા સિધ્ધરાજસિંહ જાડેજા (ઉ.વ.ર૮) તથા તેના કૌટુંબીક ભાઇ દિગ્વીજયસિંહને ઇજા થતા સારવાર અર્થે રાજકોટ વોકહાર્ટ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

બનાવની જાણ થતા પડધરીના પીએસઆઇ જે.વી.વાઢીયા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફાયરીંગ કરનાર નિવૃત આર્મીમેન સહદેવસિંહ પ્રવીણસિંહ જાડેજાને ઝડપી લીધા હતા. પકડાયેલ નિવૃત આર્મીમેન દારૂ પીધેલ હાલતમાં ફાયરીંગ કર્યુ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

પડધરી પોલીસે ઇજાગ્રસ્ત ભકિતબા સિધ્ધરાજસિંહ જાડેજાની ફરીયાદ પરથી નિવૃત આર્મીમેન સહદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા સામે હત્યાની કોશીષ સહીતની કલમો તળે ગુન્હો દાખલ તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)