Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

મોરબીમાં બેકરીમાં ખરીદેલ પાઉંના પેકેટમાં ઉંદરરનું મરેલુ બચ્ચુ નીકળ્યું: સેમ્પલની ચકાસણી

મોરબી,તા.૧૪: બેકરીના પેકિંગના પાઉમાંથી ઉંદરનું મરેલું બચ્ચું નીકળ્યું હોય અને ખાદ્ય પદાર્થમાં આવડી દ્યોર બેદરકારીનો મામલો ગાજયા બાદ આખરે હમેશા સુતું રહેતું મોરબીનું ફૂડ વિભાગ જાગ્યું છે અને સેમ્પલ લેવાની તસ્દી તંત્રએ લીધી હતી જોકે આવી ફરિયાદની હજુ અરજી પણ મળી ના હોય તેવો રાગ આલાપવામાં આવ્યો હતો

મોરબીના દીપકભાઈ હડીયલ નામના ગ્રાહકે બેકરીની પાઉં ખરીદી કરી હોય જે પેકેટ દ્યરે ખોલતા પાઉં વચ્ચેથી ઉંદરનું મૃતક બચ્ચું નીકળ્યું હતું અને આ અંગે ફરિયાદ કરવા જાતે બેકરી સંચાલકે તેને સંતોષકારક જવાબ ના આપ્યો હોય તેવા આક્ષેપો સાથે ગ્રાહકે જીલ્લા કલેકટરને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી જેને પગલે આખરે કાયમી સુષુપ્ત અવસ્થામાં જ જોવા મળતું ફૂડ વિભાગ ઓચિંતું જાગ્યું હતું અને બેકરીની બનાવટના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા અને તપાસ ચલાવવામાં આવી રહી છે જોકે આ સમગ્ર કવાયત અને કામગીરી પણ માત્ર દેખાડા પુરતી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે કારણકે જયારે ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવાની તંત્રની કાર્યવાહી અંગે મીડીયાએ સંપર્ક કરતા ફૂડ વિભાગ મીડિયા સામે કશું બોલવા તૈયાર ના હતું એટલું જ નહિ પરંતુ જે ગ્રાહકની પાઉંમાંથી મરેલું ઉંદર નીકળ્યું છે તેના સેમ્પલ જ લેવાયા નથી એટલું જ નહિ પરંતુ આ મામલે મોરબી ફૂડ વિભાગની કચેરીમાં સંપર્ક કરતા તેઓએ આવી કોઈ અરજી જ મળી નથી તેવો જવાબ આપ્યો હતો જોકે અહી ધ્યાન આપવા જેવી એ બાબત છે કે ગ્રાહકે જીલ્લા કલેકટરને આ મામલે રજૂઆત કરેલી છે.

પાઉંમાંથી મરેલું ઉંદરનું બચ્ચું નીકળ્યા બાદ ફૂડ વિભાગ સફાળું જાગી સેમ્પ્લ લેવાની કાર્યવાહી કરી હતી જોકે આવા કોઈ બનાવ સમયે જ તંત્ર જાગતું હોય છે અને રૂટીન પ્રક્રિયામાં કયારેય તહેવારો દરમિયાન મોરબીમાં ચેકિંગ કર્યું હોય તેવું નાગરિકોને યાદ નથી જેથી ખાદ્ય ચીજના વેપારીઓ, મીઠાઈના વેપારીઓને પણ ફૂડ વિભાગનો કેટલો ડર હોઈ હશે તે પણ સમજી સકાય તેવી વાત છે.

(10:18 am IST)