Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ગીર સોમનાથ જિલ્લામાં મહેસુલી કર્મચારી હડતાળથી પારાવાર મુશ્કેલીઃ વાળા

તંત્ર દ્વારા અરજદારોની હાલાકી ધ્યાને લઈ સત્વરે યોગ્ય ઉકેલ લાવવા માંગણી

સુત્રાપાડા,તા.૧૪:  મહેસુલી કર્મચારીઓની પડતર અને વ્યાજબી માંગણીઓ સંતોષવામાં ન આવતા ગત તા.૯ થી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી આવતા ગીર-સોમનાથ જિલ્લામાં આમઆદમી, ખેડૂતો તેમજ અન્ય અરજદારોને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહેલ હોય રોષની લાગણી જન્મેલ છે તેવા સમયે રાજય સરકાર દ્વારા સત્વરે યોગ્ય ઉકેલ લાવવા જિલ્લા કોગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળા દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.

આ તકે વાળાએ વધુમાં જણાવેલ કે એક બાજુ દ્યટતા સ્ટાફના  કારણે રેવન્યુ કામે અરજદારોને અવાર-નવાર ધક્કા ખાવા છતાં મામૂલી એન્ટ્રીઓ ૯૦ દિવસે પણ પડતી ન હોય અન્ય પ્રકરણો ની કામગીરી પણ સમય મર્યાદામાં પૂર્ણ થતી ન હોય જેના કારણે સમય, શકિત અને નાણાંનો ખોટો વ્યયની સાથે સાથે અરજદારો પરેશાન થઇ રહેલ છે.

આ ઉપરાંત ઈ-ધરા, દાખલાઓ, પુરવઠા, જનસેવા જેવા જરૂરી કામો અટવાઈ જવા પામેલ છે. તેવા સંજોગોમાં અચાનક હડતાલનાં કારણે હાલાકીમાં ખુબજ વધારો જોવા મળી રહેલ છે ત્યારે આવી હાલાકી દૂર કરવા અને મહેકમ મુજબ પૂરો સ્ટાફ નિમવા રજુઆત કરવામાં આવેલ છે.

(10:16 am IST)