Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

જુનાગઢ પાસે ગોકરણનાં યુવાનની હત્યામાં બે ની ધરપકડઃ ત્રણ હાથવેંતમાં

સસ્તા ભાવે સોનુ વેંચવામાં વચેટની ભૂમિકા ભજવવામાં જીવ ગુમાવ્યો

તસ્વીરમાં ઘટના સ્થળે મૃતદેહ તથા પોલીસની ટીમ તપાસ કરતી નજરે પડે છે. (તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

 જુનાગઢ તા. ૧૪ :.. જૂનાગઢ પાસે ગોકરણનાં યુવાનની હત્યામાં તાલુકા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી બંનેને રીમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરી છે.

આ હત્યામાં અન્ય ત્રણ ઇસમો પણ પોલીસને હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.

કુતીયાણા તાલુકામાં ગોકરણ ગામનો મેણંદ નાથાભાઇ લુવ (ઉ.ર૩) નામનો આહીર યુવાન ૬ ડીસેમ્બરથી ગુમ થયેલ. જે અંગે મેણંદનાં પિતરાઇ ભાઇ રામદે લુવાએ  જાણ કરતાં કુતિયાણાનાં પીએસઆઇ કે. એચ. ગરચરે તપાસ હાથ ધરી હતી.

મૃતકનાં મોબાઇલની કોલ ડીટેઇલના આધારે જુનાગઢમાં શિશુ મંગલ પાસે રહેતો અજય અરજણભાઇ બાટવાની પુછપરછ કરતાં મેણંદની હત્યા કરી તેની લાશ જૂનાગઢ તાલુકાનાં પાસવા ગામ પાસે અવાવરૂ જગ્યાએ દાટી દીધી હોવાનું જણાવેલ.

આથી એસ. પી. સૌરભ સિંઘ, તાલુકા પીએસઆઇ બી. એમ. વાધમસી તથા કુતીયાણા પોલીસે દોડી જઇ મેણંદ લુવાની લાશ બહાર કાઢી પી. એમ. માટે મોકલી આપી હતી.

આ હત્યામાં માધવપુરના એકશનથી પાસે રૂ ૪૦ લાખનું સોનુ હોય  સસ્તા ભાવે વેચવા માટે મરનારે વચેટની ભૂમિકા ભજવતા તેણે જીવ ગુમાવ્યો હોવાનું ખુલ્યુ હતું.

આ બારામાં રાત્રે ૮.૧પ કલાકે જૂનાગઢ તાલુકા પોલીસે ગોકરણનાં રામભાઇ લખમણભાઇ લુવાની ફરીયાદ લઇ અજય અરજણ, જુનાગઢની સીંધી સોસાયટીમાં રહેતો પિન્ટુ યોગેશ બાબરીયા, આશિષ મુંજાભાઇ  ઉર્ફે ભગત વાંદા, બાવન ઉર્ફે નાથો ઉર્ફે ટકો ભીખાભાઇ કોડીયાતર અને જીગ્નેશ ઉર્ફે જગુ ઉર્ફે જગદીશ પબાભાઇ કોડીયાતર સામે મેણંદ લુવાની હત્યાનો ગુનો નોંધી પીએસઆઇ બી.એમ. વાઘમશીએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પોલીસ ફરીયાદ મુજબ મરનાર મેણંદભાઇ લુવાએ અજય અરજણને સોનાના બિસ્કીટ વેંચવાનું જણાવેલ જેથી પિન્ટુ બાબરીયા, આશિષ વાંદા, બાવન કોડીયાતર અને જીગ્નેશ કોડીયાતરને વાત કરેલ.

આથી તમામ આરોપીઓએ કાવતરૂ રચી મેણંદ પાસેથી મોબાઇલ ફોન પર સોનાના બિસ્કીટનો ફોટ મેળવી બાદમાં સોનાનો સોદો કરવા મેણંદભાઇને જૂનાગઢ બોલાવેલ.

પરંતુ સોદો કેન્સલ થતાં આ શખ્સોએ એકત્ર થઇને ધમકી આપતા મેણંદ લુવા જૂનાગઢના એસટી ડેપોએ જતો રહેલ. આથી બસ સ્ટેન્ડ ખાતેથી મૃતકનું અપહરણ કરી તેને પ્લાસવા ગામની સીમમાં આવેલ અવાવરૂ પથ્થરની ખાણમાં લઇ જઇ લાકડી અને પ્લાસ્ટીકના પાઇપ વડે જીવલેણ માર મારી પતાવી દઇ મેણંદની લાશને દાટી દઇને પાંચેય શખ્સો નાસી ગયા હતાં.

ગોકરણમાં યુવાનની હત્યામાં રાત્રે ૪ પોલીસે અરજણ બાટવા અને પિન્ટુ યોગેશ બાબરીયાની ધરપકડ કરી લઇ તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી. આ બંને શખ્સોને આજે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ પર મેળવવામાં આવશે.

જયારે અન્ય ત્રણ ફરાર શખ્સો આશિષ, બાવન, અને જીગ્નેશ પણ તાલુકા પોલીસને હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.

(11:49 am IST)