Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

મતદાતા તો આઇના હૈ, 'દાગ' દિખાયૈગે ચહેરે કે, જીસે બુરા લગે વહ સામને સે હટ જાઓ....

કેબીનેટ મંત્રી જોઇએ કે વિપક્ષી ધારાસભ્ય ? વફાદાર ગમે કે વિશ્વાસઘાતી ? પ્રચારની ધૂમ

જસદણની પેટાચૂંટણીમાં ઉમેદવારને 'નિશાન' બનાવી પ્રચાર : જાહેર પ્રચારના છેલ્લા પાંચ દિવસમાં રાજકીય ગરમાવો ઉતરોત્તર વધવામાં

રાજકોટ તા. ૧૪ : સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચનાર જસદણ વિધાનસભાની પેટા ચુંટણી માટે તા. ૨૦મીએ મતદાન થનાર છે. હવે જાહેર પ્રચાર આડે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે પ્રચારમાં ગરમાવો આવી રહ્યો છે. કુલ ૮ ઉમેદવારો પૈકી મુખ્ય સ્પર્ધા ભાજપના કુંવરજીભાઇ બાવળીયા અને કોંગ્રેસના અવસરભાઇ નાકિયા વચ્ચે છે. બંને કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. કેબિનેટ મંત્રી જોઇએ કે વિપક્ષી ધારાસભ્ય? વફાદાર જોઇએ કે વિશ્વાસઘાતી? તેવા પ્રચારે ધૂમ મચાવી છે. કુંવરજીભાઇની ઉચ્ચ શિક્ષણ અને અવસરભાઇનું ઓછું ભણતર પણ પ્રચારના મુદ્દામાં આવી ગયું છે.

 

કોંગ્રેસમાંથી ૫ વખત ધારાસભ્ય અને બે વખત લોકસભાની ચૂંટણી લડેલા કુંવરજીભાઇ બાવળિયાને ગયા જુલાઇમાં ભાજપે પક્ષ પલ્ટો કરાવી કેબિનેટ મંત્રી બનાવેલ. તેમનું મંત્રી પદ ટકાવવા તેમણે ધારાસભામાં ચુંટાવવું જરૂરી છે. જસદણ પંથકના વિકાસ માટે પક્ષ પલ્ટો કર્યાનો તેમનો દાવો છે. ભાજપે કેબિનેટ મંત્રી કે વિપક્ષી ધારાસભ્ય તેવો પ્રચાર કરી કુંવરજીભાઇને જીતાડવા પ્રયાસ કર્યો છે.

બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઇ મૂળ કુંવરજીભાઇના રાજકીય શિષ્ય ગણાય છે. તેઓ જિલ્લા પંચાયતના સભ્ય છે. બાવળિયાના પક્ષ પલ્ટા વખતે તેમણે કોંગ્રેસનો નિભાવ્યો છે. કુંવરજીભાઇએ વિસ્તારના વિકાસ માટે નહિ પરંતુ પોતાના વિકાસ માટે કોંગ્રેસ સાથે દગો કર્યો છે તેવો કોંગ્રેસનો ખુલ્લો આક્ષેપ છે. કુંવરજીભાઇના પક્ષ પલ્ટાને ગદ્દારીનું લેબલ લગાડવા માટે વફાદાર ગમે કે વિશ્વાસઘાતી તે મુદ્દા પર કોંગ્રેસે ભાર મુકયો છે.

બંને ઉમેદવારોને લાગુ પડતા મુદ્દા ઉપરાંત ભાજપે વિકાસનો મુદ્દો ઉછાળ્યો છે. કોંગ્રેસે કુંવરજીભાઇના પક્ષ પલ્ટા ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, કાયદો - વ્યવસ્થા, ખેડૂતોના પ્રશ્નો વગેરે પ્રચારમાં આવરી લીધા છે. પાંચ રાજ્યોના પરિણામની જસદણમાં અસર થવાનું ભાજપ નકારે છે. જ્યારે કોંગ્રેસ અસર થવાનું નિશ્ચિત માને છે. મતદારો કોને સાથ આપે છે તે તા. ૨૩મીએ મત મશીન ખુલે ત્યારે જ ખબર પડશે.(૨૧.૧૪)

(11:56 am IST)