Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

શાપર-વેરાવળના એએસઆઇ પર હુમલો કરી રિવોલ્વર લુંટી લેનાર હરેશ બગડા સહિત ચાર શખ્સો પકડાયા

પોલીસ પર ધાક જમાવવાની કોશીષ કરનાર લુખ્ખાઓને રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ સીન વિખી નાંખ્યા : એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટુકડીઓએ કોમ્બીંગ કરી મોડી રાત્રે હરેશ કાળુભાઇ બગડા, બિરેન્દ્ર ઉર્ફે કાળુ, ગૌતમ ભીમજી રાઠોડ તથા ગૌરાંગ રણછોડભાઇ જોષીને લુંટાયેલ રિવોલ્વર-મોબાઇલ સાથે ઝડપી લીધા : મુખ્ય સુત્રધાર હરેશ બગડા ર૦૦૮ માં અમરેલી જીલ્લામાં બળાત્કારના ગુન્હામાં પકડાયો'તોઃ શાપર-વેરાવળમાં ગાંજો વેચ્યાની શંકાએ તેના સાગ્રીતનેે પોલીસે પકડતા હુમલો કર્યો હતો

તસ્વીરમાં રૂરલ એસપી બલરામ મીણા પત્રકાર પરીષદમાં માહીતી આપતા નજરે પડે છે. બાજુમાં ગોંડલના ડીવાયએસપી હરપાલસિંહ જાડેજા,  પાછળ રૂરલ એલસીબી  તથા શાપર પોલીસનો કાફલો દેખાય છે. નીચેની તસ્વીરમાં પકડાયેલ ચારેય શખ્સો, અને કબ્જે કરાયેલ  રીવોલ્વર દ્રશ્યમાન થાય છે. ઇન્સેટ તસ્વસીરમાં ઇજાગ્રસ્ત એએસઆઇ બકુલભાઇની છે. ( તસ્વીર સંદીપ બગથરીયા- કમલેશ વાસાણી)

રાજકોટ, તા., ૧૪: શાપર-વેરાવળમાં  ગઇકાલે મોડી સાંજે એએસઆઇ પર હુમલો કરી સરકારી રિવોલ્વર અને મોબાઇલ લુંટી ભાગી છુટેલ હરેશ બગડા સહિત ચાર શખ્સોને રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ પોલીસ પર ધાક જમાવવાની કોશીષ કરનાર આ ચારેય શખ્સોના  સીન વિખી નાખ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં  એએસઆઇ તરીકે ફરજ બજાવતા બકુલભાઇ એમ. વાવેચા ગત સાંજે જીઆરડીના બે જવાનો સાથે પેટ્રોલીંગમાં નિકળેલ ત્યારે  શીતળા માંના મંદિર પાસે કિસાન ગેઇટ નજીક પુર્વ બાતમીના આધારે બાઇક પર  શંકાસ્પદ હાલતમાં નિકળેલ બિરેન્દ્રકુમાર ઉર્ફે કાળુ બાલમુકેશ્વર પ્રધાન (મૂળ રહે. ઓરીસ્સા  હાલ શિતળામાંના મંદિર પાસે મફતીયું પરા)ને અટકાવી તલાશી લેતા તેની પાસેથી કોઇ ગેરકાયદેસર વસ્તુ મળી આવેલ નહી પરંતુ તે કેફી પદાર્થની અસર હેઠળ હોવાનું જણાતા તું ગાંજો કયાંથી લાવે છે?  તેવું પુછતા તેણે કહેલ કે તેનો મિત્ર હરીશ કાળુભાઇ બગડા ગાંજાની વ્યવસ્થા કરી આપે છે તેવું જણાવતા એએસઆઇ બકુલભાઇ  એમ.વાવેચાએ બિરેન્દ્રને હરેશને ફોન કરી પુછપરછ માટે બોલાવવાનું કહેતા હરેશ બગડા ત્યાં આવી ગયો હતો અને પોલીસ પર રોફ જમાવી બિરેન્દ્રને કહેલ કે આજે આ પોલીસવાળાને મારવા જ છે તેવુ કહી ગાળા-ગાળી કરી હતી.

ત્યાર બાદ હરેશ બગડાએ ગૌતમ અને ગૌરવ નામના શખ્સને બોલાવી એએસઆઇ બકુલભાઇ વાવેચા પર હુમલો કર્યો હતો. વચ્ચે પડેલ જીઆરડીના જવાનો પાસેથી લાકડી લઇ આ ચારેય શખ્સો એએસઆઇ બકુલભાઇ પર તુટી પડયા હતા અને તેની પાસે રહેલ સરકારી રિવોલ્વર તથા ૬ જીવતા કાર્ટીસ અને મોબાઇલ લુંટી નાસી છુટયા હતા. બનાવ અંગે શાપર પોલીસમાં જાણ કરાતા પીએસઆઇ ગોંડલીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત એએસઆઇ બકુલભાઇને સારવાર અર્થે શાપર હોસ્પીટલમાં ખસેડયા હતા.

દરમિયાન શાપરમાં એએસઆઇ પર હુમલો કરી સરકારી રિવોલ્વર લુંટી લેવાયાની ઘટનાને પગલે એસપી બલરામ મીણાએ જીલ્લાભરમાં નાકાબંધી કરાવી દીધી હતી. ગોંડલ ડીવાયએસપી હરપાલસિંહ જાડેજા, રૂરલ એસઓજી પીઆઇ એમ.એન.રાણા, પીએસઆઇ વાય.બી.રાણા, એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા, પીએસઆઇ  આર.એ.જાડેજા  તથા શાપર-વેરાવળના પીએસઆઇ ગોંડલીયા સહિતની અલગ-અલગ ટુકડીઓએ રાતભર કોમ્બીંગ કરી ગણતરીના કલાકોમાં જ એએસઆઇ પર હુમલો કરી સરકારી રિવોલ્વર લુંટી લેનાર ગૌરાંગ રણછોડભાઇ જોષી (ઉ.વ.ર૦, રહે. મૂળ ગાવડા ગામ, તા.જી. અમરેલી) તથા ગૌતમ ભીમજીભાઇ રાઠોડ (ઉ.વ.ર૧, રહે. સર્વોદય સોસાયટી, શાપર-વેરાવળ)ને  બાઇક પર જતા હતા ત્યારે દબોચી લઇ તપાસ કરતા ગૌતમ પાસેથી લુંટાયેલ સરકારી રિવોલ્વર તથા ૬ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. ત્યાર બાદ બંન્નેએ પોલીસ પુછતાછમાં તેની સાથેના અન્ય શખ્સો બિરેન્દ્ર ઉર્ફે કાળુ તથા હરેશ બગડા એક ઓરડીમાં છુપાયા હોવાનું કહેતા પોલીસે તુર્ત જ આ બંન્ને શખ્સોને પણ ઝડપી લીધા હતા.

આ અંગે રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરીષદમાં એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે એએસઆઇ પર હુમલો કરી રિવોલ્વર લુંટી લેનાર ટોળકીનો મુખ્ય સુત્રધાર હરેશ બગડા છે તેની સામે અગાઉ અમરેલી જીલ્લામાં ર૦૦૮ માં બળાત્કારનો ગુન્હો નોંધાયેલ અને તેમાં તે સાબરમતી જેલમાં જઇ આવ્યો હતો. હરીશ અને તેની સાથે પકડાયેલ અન્ય ત્રણ શખ્સો ગેરકાયદેસર રીતે ગાંજો વેચતા હતા પોલીસે હરીશના સાગ્રીત બિરેન્દ્રને પકડતા તેના ઉપર આ ચારેય શખ્સોએ હુમલો કરી સરકારી રિવોલ્વરની લુંટ કરી ને નાસી છુટયા હતા અન.ે રૂરલ પોલીસે રાત્રે જ આ ચારેયને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.

પકડાયેલ ઉકત ચારેય શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

એસપી બલરામ મીણાએ પોલીસ પર ધાક જમાવવાની કોશીષ કરનાર લુખ્ખા તત્વોને તાકીદે ઝડપી લેવાની સુચના આપતા રૂરલ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ ચારેય શખ્સોને ઝડપી લઇ આકરી સરભરા કરી હતી.

(3:38 pm IST)