Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

જામનગરમાં વિશ્વકક્ષાની હાફ મેરેથોન યોજનારા ધર્મરાજસિંહ જાડેજાની ''પેફી''ના ચેરમેનપદે વરણી

જામનગર તા.૧૪: વિશ્વકક્ષાની હાફ મેરેથોનનું જાજરમાન આયોજન કરી જામનગરને રાષ્ટ્રકક્ષાએ ઝળહળતુ કરનાર જામનગરના રાજકીય અગ્રણી શ્રી ધર્મરાજસિંહ એસ.જાડેજાની 'ફિઝીકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા'ના ગુજરાતના ચેરમેન પદે સર્વાનુમતે વરણી થયાનું સેક્રેટરી ડો.પિયુષ જૈનની યાદીમાં જણાવાયું છે.

'પેફી'દ્વારા જામનગરમાં સૌ પ્રથમ વખત વિશ્વકક્ષાની હાફ મેરેથોન-૨૦૧૭ ગત તા.૨-૪-૨૦૧૭ યોજાઇ હતી જેના પ્રોજેકટ ચેરમેન તરીકેની ફરજ જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા, જામનગર શહેર ભાજપ સંગઠનના સતત ત્રણ ટર્મથી મહામંત્રી, ક્ષત્રિય અગ્રણી એવા યુવા નેતા શ્રી ધર્મરાજસિંહ જાડેજાએ સળફતાપૂર્વક બજાવી છે. જામનગર હાફ મેરેથોન-૨૦૧૭ની મેગા ઇવેન્ટને જામનગરમાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. જેમાં બાળકોથી માંડી વૃધ્ધ સુધી તથા જામનગર-સૌરાષ્ટ્ર સહિત રાજય અને દેશ-વિદેશમાંથી દોડવીરોએ હર્ષભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત જામનગર જીલ્લાના વહિવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ આ મેગા ઇવેન્ટને ઐતિહાસિક આયોજન ગણાવી તેને બિરદાવ્યું હતું.

'પેફી'એ જામનગર હાફ મેરેથોન-૨૦૧૭ને ખૂબ જ સફળ આયોજન ગણી તેની નોંધ લીધી અને ગત તા.૧ ડીસેમ્બરના રોજ 'પેફી'ની મહત્વની મીટીંગ મળી જેમાં સ્ટેટ ચેપ્ટરની રાજકોટ ખાતે મળેલી મીટીંગમાં શ્રી ધર્મરાજસિંહ એસ.જાડેજાને ગુજરાત ચેપ્ટરના 'પેફી'ના ચેરમેન તરીકે વરણી કરતો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે.

'પેફી'ના રાષ્ટ્રીય હોદ્દેદારોના જણાવ્યા મુજબ તેમના માટે આ ગૌરવની બાબત છે કે આવા યુવા નેતાની ચેરમેન પદે વરણી કરાઇ છે. જેઓ સમગ્ર રાજયમાં રમત-ગમત, ફીઝીકલ એજ્યુકેશન અને શરીર સૌષ્ઠવ ક્ષેત્રમાં ખુબ મહત્વના કાર્યો કરશે. રાજયભરમાં 'પેફી'ના હોદ્દેદારોએ આ વરણીને ઉમળકાથી આવકારી છે.

શ્રી ધર્મરાજસિંહ એસ.જાડેજાની આ વરણીને 'પેફી'ના સ્ટેટ પ્રતિનિધિ ડો.આકાશ ગોહિલ, પ્રેસીડેન્ટ-ડો.જે.કે. સાવલીયા, સેક્રેટરી- ડો.ગાપાલ જોષી તેમજ જામનગર ડીસ્ટ્રીકટ પ્રેસીડેન્ટ-શ્રીમતી અનિતા રાણાએ આવકારી તેમને અભિનંદન પાઠવ્યા છે.

આ બિનસરકારી સંગઠન દેશના ૨૨ રાજયોમાં કાર્યરત છે અને દેશભરમાં આ સંસ્થાના કુલ ૧૫.૦૦૦ થી વધારે સક્રિય સભ્યો છે. આ ઉપરાત રમત-ગમત તેમજ શારિરીક શિક્ષણ ક્ષેત્રે સતત કાર્યરત છે. તેમજ રાજય અને દેશના શ્રેષ્ઠ રમતવીરો, ફીઝીકલ એજ્યુકેશનના નિષ્ણાંતો તેના પ્રત્યક્ષ અને પરોક્ષ સભ્યો અને સપોર્ટર છે.

(12:48 pm IST)