Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ફેસબુકમાં લાઇવ વિડીયો કરતા'તાને કાર પલ્ટી ખાઇ જતા ૩ યુવાનોએ જિંદગી ગૂમાવી

ચાલુ ડ્રાઇવીંગમાં મોબાઇલનો ઉપયોગ કરવાનો કરૂણ અંજામઃ લાલબત્તીરૂપ કિસ્સોઃ માળીયા મિંયાણા પાસે દર્શનાર્થે જતા મોરબીના ત્રણ મિત્રોના એક સાથે મોતથી મુસ્લિમ પરિવારોમાં માતમ

તસ્વીરમાં અકસ્માતમાં મોતને ભેટેલ ત્રણ યુવાનોની ફાઇલ તસ્વીર. બીજી તસ્વીરમાં હોસ્પિટલે ઉમટેલ ટોળુ દ્રશ્યમાન થાય છે. (તસ્વીર : રજાક બુખારી, માળીયા મિંયાણા)

માળીયા મિંયાણા તા. ૧૪ : માળીયા મિંયાણા પાસે અકસ્માતમાં મોતને ભેટેલ મોરબીના ત્રણ મુસ્લિમ યુવાનો ચાલુ કારે ફેસબુકમાં લાઇવ વિડીયો કરવા જતાં કાર પલ્ટી ખાઇ જતાં જિંદગી ગૂમાવી હતી. ચાલુ ડ્રાઇવીંગમાં મોબાઇલનો ઉપયોગ કરવાનો કરૂણ અંજામ આવ્યો હતો અને આજના યુવાનો માટે આ કિસ્સો લાલબત્તીરૂપ છે.

માળીયા મિંયાણાના વર્ષામેડી અને ખીરસરા વચ્ચે મોરબી જોન્શનગરના મુસ્લિમ સમાજના યુવાનો મિત્રો સાથે ઝીંઝુડા કોઠાવાળા પીરના દર્શન કરવા નિકળ્યા હતા પણ કહેવાય છેને ન જાણ્યું ન જોયુ કાલે શુ થવાનુ છે તે ઉકિત મુજબ મોરબી જોન્શનગરથી નિકળેલા મુસ્લિમ સમાજના યુવાનો એસેન્ટકાર સાથે રવાના થયા હતા. જેમા કારમાં બેઠેલા યુવાનો લાઈવ ફેસબુક વિડીયો કરતા હોય તે સમયે ડ્રાઈવરે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઉપરાઉપરી પલ્ટી મારી ઝાડ સાથે ધડાકાભેર અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમા બેઠેલા પાંચ યુવાનો પૈકી બે ના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. જયારે ૩ને ગંભીર ઈજાઓ સાથે મોરબી હોસ્પિટલ ખસેડાયા હતા જેમા એક નુ સારવાર દરમ્યાન મોત થતા મોત નો આંકડો ત્રણ પર પહોચતા મુસ્લિમ સમાજ માં ગમગીની છવાઈ હતી.

 આ ઈજાગ્રસ્તો અને ત્રણ પૈકી ના એક ને મોરબી સીવિલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડાતા મુસ્લિમ સમાજ ટોળેટાળા સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા જયારે અન્ય બે ના મૃતદેહો ને માળીયા પી.એમ માટે ખસેડાયા હતા. આ ગંભીર અકસ્માતમાં મહેમુદ હુસેન ભટ્ટી તથા સીદીક ઉર્ફે ડાડો હુસેનભાઈ ખોડ મિંયાણા અને અકબરખાન નાસીરખાન પઠાણના મોત નિપજયા હતા. જયારે ભાવેશ નારાયણભાઈ કોળી અને રીયાઝ ઈબ્રાહીમભાઈ ઘાંચીને ઈજાઓ પહોંચી હતી જેને સારવાર અર્થે મોરબી ખસેડાયા હતા.

ત્રણ મુસ્લિમ યુવાનોના મોતથી મોરબીના જોન્સનગર વિસ્તારના મુસ્લિમ પરિવારમાં માતમ છવાયો છે.

(11:35 am IST)