Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મોરબીના મહેન્દ્રનગરમાં વિજળી પડવાના ભયથી પડી જતા મહિલાને ઇજા

મોરબી, તા. ૧૪ : રાજયના હવામાન વિભાગ દ્વારા તા. ૧૩ થી ૧૫ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ગત સાંજના સુમારે ઓચિંતા હવામાનમાં પલટો આવ્યા બાદ મોડી સાંજે મોરબીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

 મોરબી જીલ્લામાં ગત સાંજે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ અને કરા પડ્યા હતા તો માળિયામાં પણ અનેક સ્થળે વરસાદી ઝાપટા પડ્યા હતા જયારે મોરબી શહેરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ શરુ થયો હતો અને મોરબીમાં ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ થતા પાણીના ખાબોચિયા ઠેર ઠેર ભરાયા હતા તો મોરબી જીલ્લામાં ગત સાંજના ૬ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધીમાં મોરબીમાં ૮ એમએમ અને હળવદમાં ૬ એમએમ વરસાદ નોંધાયો હતો.મોરબી જીલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતોના ઉભા પાકને નુકશાની પહોચે તેવી શકયતા જોવાઈ રહી છે.

તેમજ મોરબીમાં વીજળીના કડાકા સાથે  વરસાદ શરુ થયો હતો અને થોડા જ સમયમાં મોરબીમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા તો મોરબી પંથકમાં વીજળી પાડવાનો બનાવ પણ સામે આવ્યો છે જેમાં મોરબીના રેલ્વે સ્ટેશન નજીક વીજળી પડી હોય દરમિયાન મોરબીના મહેન્દ્રનગરના રહેવાસી રસીદાબેન મોરબીથી વાંકાનેર ડેમુ ટ્રેનમાં જતા હોય દરમિયાન નજીકમાં જ વીજળી પડતા વીજળીના ભયથી પડી જતા તેને ગંભીર ઈજા પહોચતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે રેલ્વે પોલીસના રતિલાલ પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

(12:49 pm IST)