Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મોરબી પતિને પતાવી દેનાર પત્નીના રીમાન્ડ મંગાયાઃ પ્રેમીની શોધખોળ

પતિ સરખી રીતે રાખતો ન હોય અને સુખરામ સાથે પ્રેમસંબંધ બંધાતા કાંટારૂપ પતિને પતાવી દીધાની વજાબેનની કબુલાત

મોરબી તા.૧૪: મોરબી પાસે આદિવાસી યુવાનને પ્રેમી સાથે મળી પતાવી દેનાર પત્નીની પોલીસે ધરપકડ કરી રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે જયારે તેના પ્રેમીની શોધખોળ કરાઇ છે.

મોરબીના લખધીરપુર રોડ પર સીવન સિરામિક ફેકટરીમાં લેબર કવાર્ટરના ધાબા પરથી વિજય ખીમજીભાઇ ગણાવા નામના યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યા બાદ મોરબી તાલુકા પીએસઆઇ આર.એ જાડેજા સહિતની ટીમે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી.

આ હત્યાના બનાવમાં મોરબી તાલુકા પોલીસ અને એલસીબી ટીમના ઇશ્વરભાઇ કલોતરાની બાતમીને આધારે મૃતકની પત્ની વજાબેને તેના પ્રેમી સુખરામ સાથે મળી વિજયભાઇનું ખાટલામાં સુતેલી અવસ્થામાં જ માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નીપજાવ્યુ હોવાનુ મળતા આરોપી પત્ની વજાબેનની સઘન પુછપરછ કરતા તેને વટાણા વેરી નાખ્યા હતા અને પોલીસને કબુલાત આપી હતી કે મૃતક પત્ની વજાબેનને સારી રીતે રાખતો ના હોય અને વજાબેનને સુખરામ સાથે પ્રેમસંબંધ થતા તેની સાથે રહેવા વિજયનું કાસળ કાઢી નાખ્યું હતું.

મોરબી તાલુકા પોલીસે આરોપી પત્ની વજાબેનની ધરપકડ કરી હતી આજે તેને રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાનાર છે જયારે નાસી છુટેલ પ્રેમી સુખરામ  મેડા રે. એમ.પી.ની શોધખોળ હાથ ધરાઇ છે.(૪૨.૪)     

(12:49 pm IST)