Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

પોરબંદરના રાજપરમાં યોજાયેલ સેવાસેતુમાં વહીવટીતંત્રના ૨૪૧૭ અરજદારોના પ્રશ્નોનો નિકાલ

પોરબંદર તા.૧૪ :   પોરબંદરના રાજપર સ્થિત પ્રા.શાળામાં યોજાયેલ સેવાસેતુમાં ૫ ગામનાં ૨૪૧૭ અરજદારોના પ્રશ્નોનો નિકાલ કરાયો હતો. પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા વહિવટીતંત્ર દ્રારા સેવાસેતુનું સુંદર આયોજન કરાયુ હતું.

આ સેવાસેતુમાં રાજપર ઉપરાંત રતનપર, ઓડદર, ગોસા, અને ટુકડા ગોસા એમ ૫ ગામના અરજદારો સહભાગી થયા હતા.

સેવાસેતુમાં આવક જાતિના દાખલા, આધારકાર્ડ, આરોગ્ય વિષયક યોજનાના કાર્ડ, વિધવા સહાય, મેડિકલ ચેક અપ સહિતની ૫૭ સેવાઓને આવરી લેવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સેવાસેતુમાં પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી, મામલતદારશ્રી અર્જૂન ચાવડા, નાયબ મામલતદારશ્રી ખીમભાઇ મારૂ, તાલુકા વિકાસ અધિકારી રાજુ ઉનડકટ સહિત અન્ય ખાતાનાં કર્મચારી અધિકારીઓએ સેવાસેતુને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

આઠ મહિનાના બાળકોનું કાર્ડ ત્વરીત કાઢી આપ્યુ

પોરબંદર તાલુકાના રાજપર ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં પોતાના આઠ માસનાં પુત્રનું આધાર કાર્ડ કઢાવવા આવેલા શાંતીબેન અરભમ ભાઇ આગઠ સરકારની પ્રજાલક્ષી કામગીરીનો આભાર વ્યકત કરતા જણાવ્યુ કે, આ પ્રકારની કામગીરીથી વૃધ્ધો, બાળકો અને મહિલાઓને પોતાના પ્રશ્નો હલ કરાવવામાં સરળતા રહે છે. સરકાર દ્રારા ૦ થી ૫ વર્ષના બાળકોનાં આધાર કાર્ડ કાઢી આપવામાં આવે છે. તેથી અમારા આઠ માસના પુત્ર હેતનું આધાર કાર્ડ કઢાવવા માટે અમે સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

શાંતીબહેને કહ્યુ કે, ગામમાં જ આ કાર્યક્રમ થતા પૈસા અને સમયની બચત થઇ છે. તથા અમને કે અમારા બાળકને હેરાન પણ થવુ પડતુ નથી. તુરંત અડધી કલાકમાં આધારકાર્ડની સ્લીપ કર્મચારીઓ દ્રારા કાઢી આપવામાં આવી છે. જેથી અમે રાહત અનુભવીએ છીએ.

(11:55 am IST)