Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જૂનાગઢમાં ૨૧૯ દિવડાની આરતી-નાત જમણ સાથે જૂનાગઢમાં જલારામ જયંતિની ઉજવણી અન્નકુટ દર્શન અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો

 જૂનાગઢ તા.૧૪: સંત શિરોમણી પૂ. શ્રી જલારામ બાપાની આજે ૨૧૯ મી જન્મ જયંતિ હોય જેને લઇ રઘુવંશી પરિવારો સહિત ભાવિકોમાં ઉત્સાહ ઉમંગ પ્રવર્તે છે.

જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ રોડ સ્થિત શ્રી જલારામ મંદિરે સવારે ૨૧૯ દિવડાની  આરતી સાથે જલારામ જયંતિની ઉજવણી ની શરૂઆત થઇ હતી.

મહાઆરતીની સાથે અન્નકુટ દર્શન પણ ખુલ્લા મુકવામાં આવેલ.

અજાના જલારામ જયંતિના પાવન દિવસની ઉજવણીનાં ભાગરૂપે જૂનાગઢમાં જલિયાણ નગરી, માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે લોહાણા મહાજનના ઉપક્રમે પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂનાં માર્ગદર્શન હેઠળ રઘુવંશી પરિવારો માટે સમુહ નાત-ભોજનનું આયોજન કરવામાં આવેલ છે.

નાત જમણ પહેલા ૨૧૯ દિવડાની આરતી કરવામાં આવેલ. જેમાં પ્રમુખશ્રી મશરૂ ઉપરાંત ડે. મેયર ગિરીશભાઇ કોટેચા, જયેન્દ્રભાઇ જોબનપુત્રા, નંદલાલ ભાઇ ચોૈલેરા સહિત રઘુવંશીઓએ  લાભ લીધો હતો.

આ પછી જ્ઞાતિ ગોર સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનાં ભુદેવોએ પ્રસાદ ગ્રહણ કરેલ અને બાદમાં લોહાણા પરિવારોએ મિષ્ટાન, ફરસાણ સહિતની વાનગીઓ સાથેનું ભોજન લઇ ધન્યતા અનુભવી હતી.

આ તકે માંગલ્ય પાર્ટીપ્લોટ ખાતે બ્લ્ડ ગૃપીંગ અને ડોનેશન કેમ્પ પણ યોજાયેલ જેની સાથે સાથે દેહદાન ચક્ષુદાન વગેરે સંકલ્પ કરવામાં આવ્યા હતા.

જૂનાગઢમાં ઝાંઝરડા  ચોકડી સ્થિત શ્રી જલારામ ભકિત ધામ તેમજ ટીંબાવાડીનાં મધુરમ ખાતે પણ જલારામ જયંતિ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે.

આ ઉપરાંત જૂનાગઢમાં વણઝારી ચોક ખાતે ખીચડી કઢીનો પ્રસાદ રાખવામાં આવેલ.

તેમજ જૂનાગઢમાં સાંજે ૪ કલાકે પોસ્ટ ઓફિસ રોડ ખાતેનાં શ્રી જલારામ મંદિરથી અન્નકોટ, શ્રી જલારામ બાપાના જીવન ચરિત્ર દર્શાવતા સજાવટ સાથે વિવિધ ફલોટ્સની શોભાયાત્રાનું શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

(1:47 pm IST)