Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ખંભાળીયામાં ૩પ વર્ષ પૂર્વે માત્ર ફોટાનું સ્થાપન કરાયેલ તે સ્થળે આજે ભવ્ય જલારામ મંદિર

આજે જલારામ જયંતી પ્રસંગે મંદિરને રોશની શણગાર-શોભાયાત્રા-મહાઆરતી મહાપ્રસાદનાં કાર્યક્રમો

ખંભાળીયા તા. ૧૪ :.. ખંભાળીયા ખાતે રઘુવંશી (લોહાણા) સમાજની આસ્થાનું મંદિર ગણાતા જલારામ મંદિર ખાતે આજે જલીયાણ જોગીની ર૧૯ મી જન્મ જયંતિની ઉજવણી ભકિતભાવ સાથે ઉજવવામાં આવી રહી છે. ત્યારે આ પાવન પ્રસંગે શહેરના એકમાત્ર જલારામ મંદિરના ભવ્ય ઇતિહાસ તરફની પણ એક ઝાંખી કરી લઇએ.

વિરપુર સહિત સૌરાષ્ટ્રભરમાં પ.પૂ. સંત શિરોમણી શ્રી જલીયાણ જોગીની ર૧૯ મી જન્મ જયંતિનો રઘુવંશી સમાજમાં ભારે ઉત્સાહ છે ત્યારે ખંભાળીયામાં આજથી ૩પ પૂર્વે હાલનું સુપ્રસિધ્ધ જલારામ મંદિર છે. ત્યાં ૧૯૮૪ ની સાલમાં શહેરના લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા આસ્થાની સાથે શ્રધ્ધાની જયોત પ્રગટાવી જલારામ બાપાના એક ફોટાનું સ્થાપન કર્યુ હતું. જે બાદ માત્ર ચાર વર્ષમાં એટલે કે ૧૯૮૮ ની સાલમાં જલીયાણ જોગીની કૃપા થતાં અહીં મંદિર બનાવવા માટે દાતાઓનો અખૂટ આર્થિક સહયોગ સાંપડતા વિશાળ જગ્યામાં મંદિરનું નિર્માણ કરવામાં કરી બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને વિશાળ મંદિરને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ દિવસથી જ લોહાણા સમાજમાં હરખના તેડા થતાં આજ સુધી મંદિરનું ટ્રસ્ટીઓ દ્વારા આયોજન પુર્વક નિર્માણાધિન થઇ રહ્યું છે. વિશાળ મંદિરના પટાંગણમાં સુવિધાઓ તરફ નજર કરીએ તો મહિલાઓ અને પુરૂષો માટે એમ બે અલગ અલગ પ્રાર્થના હોલ બનાવવામાં આવ્યા છે. બહારથી આવતા મહેમાન ગણ માટે ૬ જેટલા રૂમો બાંધવામાં આવ્યા છે. વધુમાં પૂ. બાપાને પ્રિય અને અંત સુધી તેમનું સદાવ્રત રહ્યું તેવા ભુખ્યાને ભોજન માટે અહીં સર્વધર્મ અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યો છે. જેમાં દરરોજ અંદાજીત પ૦ થી વધુ લોકો દ્વારા પ્રસાદીનો લાભ લે છે. જલારામ મંદિરની સાથે અહીં શિવ શંકર પણ બીરાજમાન છે.

ભકિતભાવની સાથે મંદિરમાં સામાજીક કાર્યોને પણ મહત્વતા આપવામાં આવી રહી છે. અહીં એનઆરઆઇ દાતાશ્રીઓ તથા સહયોગી સંસ્થાના માધ્યમથી સામુહિક આરોગ્ય કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, આયુર્વેદીક કેમ્પ સહિતના સેવાકાર્યો કરવામાં આવે છે. આગામી સમયમાં મંદિરના નિર્માણ કાર્યોને વધુમાં વધુ આગળ ધપાવવામાં આવશે તેમ જણાવાયું હતું.

ત્યારે આજે જલારામ જયંતિના પાવન અવસરે જલારામ મંદિર ખાતે વહેલી સવારે પૂ. બાપાને નવા જરકશી વાઘા પહેરાવી, પૂજન - અર્ચન સાથે મહાઆરતી કરવામાં આવશે જે બાદ નૂતન ધ્વજાજી, અન્નકોર્ટ દર્શન, અને સાંજે જલારામ મંદિરથી વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરશે અને રાત્રીના નવી લોહાણા મહાજનવાડી ખાતે સમુહ પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

(1:44 pm IST)