Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભાવનગરમાં રવિવારે પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૮૧ દિકરીઓના લગ્ન

૧૦ મુસ્લિમ સમાજનાં દિકરીઓના પણ નિકાહ : રાસ-ગરબાની રમઝટ પણ જામશે : વિજયભાઇ રૂપાણી, નિતીનભાઇ પટેલ, જીતુભાઇ વાઘાણી, સ્મૃતિ ઇરાની સહિતના ઉપસ્થિત રહેશે

ભાવનગર : પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૮૧ દિકરીઓનો ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાશે. જે અંગેની માહિતી મારૂતી ઇમ્પેક્ષ લાખાણી પરિવારના દિનેશભાઇ અને સુરેશભાઇએ આપી હતી. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)(૪૫.૯)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૪ : ભાવનગરની પ્રતિષ્ઠિત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મારૂતી ઇમ્પેક્ષ અને લાખાણી પરિવાર દ્વારા ગૌ.વા.મુકતાબેન દિનેશભાઇ લાખાણીની પ્રેરણાથી આ પરિવાર દ્વારા ભાવનગરની પિતાની છત્રછાયા ગુમાવનાર હિન્દુ, મુસ્લિમ સહિત સર્વ જ્ઞાતિઓની દિકરીઓ માટે કંઇક એવું ઉમદા કાર્ય કરીએ કે જેનાથી આ દિકરીઓને પિતાની પડેલી ખોટ પુરી શકાય એવો વિચાર આવેલો. આ વિચારના અંતે સર્વજ્ઞાતીઓની આવી દિકરીઓ માટે તેના જીવનની અણમોલ ઘડી ગણાય એવી લગ્નવિધિનું કાર્ય અને તે સમયે આ દિકરીઓને તેના પિતાની ખોટ ના દેખાય તે રીતે ધામધૂમથી અને ભવ્ય લગ્ન સમારોહ નિમિતમાત્ર બનીને કરીએ એવુ નકકી કરેલ.

જેમ દરેક પિતાને પોતાની દિકરી લાડકડી હોય અને લગ્ન પ્રસંગે અપાર લાડ પ્યારથી દાંપત્ય જીવનમાં પ્રવેશ આપવા માટે આનંદ ઉત્સાહ અને ધામધૂમથી વિદાય આપવા માંગતા હોય એવા જ સંપુર્ણ ભાવથી આ પ્રસંગનું આયોજન કરેલ છે. જેમ ભાવનગરના નેકનામદાર પ્રાતઃસ્મરણીય શ્રી કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબના 'મારી પ્રજાનુ કલ્યાણ થજો' તેવી ભાવના સાથે જે રીતે ભાવનગરની પ્રજા માટે ઉમદા કાર્યો કરેલ છે. તેમાંથી પ્રેરણા લઇ ભાવનગરના ગૌરવવંતા ઇતિહાસને ધ્યાનમાં લઇને આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે અને તેને લાડકડી જેવુ પ્રેમથી અને પિતાના વહાલ સરખુ નામ અપાયેલ છે.

ગત વર્ષે સુરત ખાતે થયેલ સમુહ લગ્ન બાદ ભાવનગરમાં દિવાળી પછી આ પ્રકારના સમુહલગ્નનું આયોજન કરવુ તેવુ નકકી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સૌપ્રથમ ૧૦૮ દિકરીઓના લગ્ન કરવાનો લક્ષ્યાંક નકકી કરવામાં આવેલો અને ત્યારબાદ આ અંગેના ફોર્મનુ વિતરણ કરવામાં આવતા ૨૮૧ જેટલી દિકરીઓની સંખ્યા થતા  આ લક્ષ્યાંકમાં મોટા ભાગની દિકરીઓને આવરી લેતા નકકી કરેલા લક્ષ્યાંક કરતા અઢી ગણાથી વધારે સંખ્યા સુધી પહોચીને ૨૮૧ જેટલી દિકરીઓના સમુહ લગ્નોત્સવનો લાભ મળી રહ્યો છે જે પૈકી ૧૦ મુસ્લિમ સમાજની દિકરીઓ પણ જોડાયેલ છે.

આ ભવ્ય સમારોહ તા.૧૮ રવિવારે સાંજે ગૌધુલિક સમયે રાખવામાં આવેલ છે. જે ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન ભવ્ય રોશની પણ કરી શકીએ તે માટે પણ આ સમય નકકી કરવામાં આવ્યો અને આતશબાજીનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ ઉપરાંત લગ્નગીતોનું આયોજન પણ હાથ ધરેલ છે. આ ઉપરાંત તમામ લાડકડી દિકરીઓ માટે તા.૧૬ને શુક્રવારે સવારે ૮ કલાકે ઁ પાર્ટી પ્લોટ, ચિત્રા ખાતે મહેંદી રસમનું આયોજન કરવામાં આવેલ છે તથા તે જ સ્થળે તા.૧૭ના રોજ લાડકડીઓના પરિવાર માટે દાંડીયારાસનુ પણ આયોજન કરાયેલ છે.

દિકરીઓના નવવધુ શણગાર માટે તા.૧૮ ના રોજ સવારથી આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ ઉપરાંત લાડકડી દિકરીઓને કરિયાવરમાં વિવિધ જીવનજરૂરી વસ્તુઓ આપવામાં આવનાર છે. આ ઉપરાંત આ દિકરીઓને સરકારી યોજનાનો સપ્તપદીના સાત ફેરા સમુહ લગ્ન યોજના અને કુંવરબાઇના મામેરૂનો લાભ મળે તે માટેની વ્યવસ્થા છે.

આ સમગ્ર કાર્યક્રમમાં પોલીસ ડીપાર્ટમેન્ટ, ટ્રાફીક નિયમન વ્યવસ્થા તેમજ સિકયુરીટી ગાર્ડસ તેમજ સ્વયંસેવકો દ્વારા પણ ચુસ્ત સિકયુરીટી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ ભવ્ય લગ્ન સમારોહમાં મહાનુભાવો, આમંત્રીત મહેમાનો, નવદંપતીના પરિવાર માટે અલગ અલગ ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જેમાં અંદાજીત ૮૦૦૦૦ થી વધુ લોકો લાભ લેશે એમ જણાવાઇ રહ્યુ છે. આ સમગ્ર ભોજન વિતરણ વ્યવસ્થામાં સંતશ્રી બજરંગદાસબાપાનો સેવક સમુદાય સેવા આપી રહ્યો છે.

આ પ્રસંગે આકર્ષક પ્રવેશદ્વાર જવાહર મેદાનમાં ગુરૂદ્વારાની સામે ઉભો કરવામાં આવનાર છે. આ ઉપરાંત સમગ્ર આયોજન અંગે કંટ્રોલ રૂમ, વોકીટોકીની વ્યવસ્થા સાથે કરવામાં આવેલ છે. આ ભવ્ય સમારોહમા નવદંપતીઓને આશિર્વાદ આપવા પૂજય સંતો, રાજકીય મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ વિશેષ ઉપસ્થિત રહેનાર છે. જેમાં મુખ્યત્વે કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, ગુજરાત ભાજપાના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી તથા હિરા ઉદ્યોગના અગ્રણીઓ ભાવનગરના વિવિધક્ષેત્રના ઉદ્યોગપતિઓ, વેપારીઓ ઉપસ્થિત રહેનાર છે. તેમજ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા અને સ્મૃતિ ઇરાની પણ વિશેષ ઉપસ્થિત રહેનાર છે. વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સાંસદસભ્યો, ધારાસભ્યો, મેયરશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે.

આ સમુહલગ્ન સમારોહનું આયોજન સર્વે સમાજને સાથે લઇને કરવામાં આવ્યુ છે અને આ અંગે વિવિધ સમાજના આગેવાનો સાથે સમયાંતરે બેઠક યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમ ભાવનગરની સર્વજ્ઞાતિઓ અને સહકાર માટે નમ્ર અપીલ આયોજકો દ્વારા કરવામાં આવે છે. આ આયોજનને ભાવનગરનો પોતાનો ગૌરવવંતો કાર્યક્રમ સમજીને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા પણ નમ્ર અપીલ કરવામાં આવે છે.

ભાવનગરના ભવ્ય સમુહ લગ્ન સમારોહ જે લાડકડી દિકરીઓએ પોતાના પિતાની છત્રછાયા કે પરિવારના આપ્તજનની છત્રછાયા ગુમાવેલ છે તેવા પરિવારની દિકરીઓને તેમની ઉણપ ન દેખાય એ માટે ગૌ.વા. મુકતાબેન દિનેશભાઇ લાખાણીની દિવ્યપ્રેરણાથી અને દિનેશભાઇ માવજીભાઇ લાખાણી તથા સુરેશભાઇ માવજીભાઇ લાખાણી, મારૂતી ઇમ્પેક્ષ લાખાણી પરિવાર તરફથી નિમીત માત્ર બનીને આ ઉમદા અને પવિત્ર અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યુ છે.

(12:30 pm IST)