Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ધોરાજીમાં પૈગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિતે 'આમદે મુસ્તફા કોન્ફરન્સ' તથા કન્યાઓનો પદવીદાન સમારંભ

ધોરાજી, તા. ૧૪ : ઇસ્લામ ધર્મના સંસ્થાપક મહંમદ પૈગંબર સાહેબના જન્મદિન પ્રસંગે યોજાનાર મુસ્લિમોના તહેવાર 'ઇદે મિલાદ'ની ઉજવણી આગામી ર૧ નવેમ્બરના રોજ થનાર છે. જેની ખુશીના ભાગરૂપે હાલથી જ મુસ્લિમ બિરાદરોએ પોતાના મકાનો, બિલ્ડીંગો, મસ્જીદોને રંગબેરંગી લાઇટની રોશનીથી શણગારેલ છે. મુસ્લિમ બાળાઓને ધાર્મિક શિક્ષણ આપતા સંસ્થા 'મદ્રેસા-એ-ફાતીમુત ઝોહરા' દ્વારા 'આમદે મુસ્તુફા કોન્ફરન્સ' તથા ઇસ્લામ ધર્મનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓને સનદ (ડીગ્રી) એનાયત કરવા, પદવીદાન સમારંભ તા. ૧૮ રવિવારના બપોરે ર-૩૦ વાગ્યે શાહીગરા-મંઝીલ, જુનાગઢ રોડ ખાતે યોજાનાર છે.

સેમિનારમાં મહંમદ પૈગંબર સાહેબની જીવન શૈલી કન્યા કેળવણી તથા સ્વચ્છતા અભિયાન વિગેરે વિષયો અંગે શિક્ષણવિદ્દ શહેનાઝ બીબી રઝવી સંબોધન કરશે. કાર્યક્રમના પ્રમુખ સ્થાને આલેમા સલમા આબેદી હાજર રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા સૈરાની અજયુકેશન વેલ્ફેર ટ્રસ્ટ તથા હાજી અમીન ગાડાવાલા ફાઉન્ડેશન (મુંબઇ) ટ્રસ્ટના અગ્રણીઓ તથા મદ્રેસા-એ-ફાતેમાના ચેરમેન હાજી ઇમ્તીયાઝ બરકાતી તથા સલીમભાઇ પાનવાલા (એન્જી.) વિગેરે કાર્યરત છે. આ સેમિનારમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મુસિલમ મહિલાઓ ઉપસ્થિત રહેનાર છે.

(12:24 pm IST)