Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

કચ્છમાં ભીમાસરમાં એક સાથે ૫૪ જાનૈયાઓ કપાયા' તા

રણ મેદાનમાં ઘર્મ અને બહેનોની રક્ષા માટે બલીદાન આપનારાના ''પાળીયા''નું પૂજન કરવાની પરંપરા

ભુજઃ તસ્વીરમા પાળીયા તથા યુવકો દ્વારા પાળીયાનું પૂજન થતુ નજરે પડે છે.(તસ્વીરઃ વિનોદ ગાલા ભુજ)

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૧૪: વિક્રમ સવંત ૨૦૭૫ના પ્રારંભે રાપર તાલુકાના ભીમાસર ગામના યુવાનોએ વિશિષ્ટ રીતે ઉજવણી કરીને પોતાના ગામના અને વાગડ પંથકના ઇતિહાસને જીવંત કર્યો હતો. ભીમાસરના યુવાનોએ નવા વર્ષ ની શરુઆત પાળીયા પુજન દ્વારા કરી હતી. અહીં પાળીયાઓની આજુબાજુ રહેલા ઝાડી ઝાંખરા દૂર કરીને પાળીયાઓની સિંદૂર લગાવીને પૂજા કરાઈ હતી. આમ તો ઇતિહાસ પણ એવું કહે છે કે, દરેક પાળીયા સાથે ભૂતકાળની કોઈને કોઈ શૌર્ય, વીરગતિ, સાહસ, દાનવીરતા, શીલ ના રક્ષણ માટે સ્ત્રીઓ દ્વારા ચિતામાં બળીને ભસ્મ થવાની ઘટના છુપાયેલી છે. એટલે જ,તો એવું કહેવાય છે ને કે પાળીયા બોલે છે.ભીમાસર ખાતે ૫૪ જેટલા પાળીયા એક જગ્યા એ અડીખમ ઉભા છે જેમા એવી લોક વાયકા છે કે અહીયા આખી જાન કપાઈ ગઈ હતી. ભૂતકાળમાં જે તે સમયે બનેલી આ ઘટના પાછળ પણ કોઈ શૌર્ય કથા જ રહેલી હશે. નહીં તો એક સાથે ૫૪ -૫૪ ખાંભીઓ થોડી ખોડાય!! આ બધા જ ૫૪ પાળીયાઓનુ ભીમાસર ના યુવા મિત્રો દ્વારા પાળીયા પુજન કરવામા આવ્યુ હતુ.

આ છે,પાળીયાઓ પાછળનો ઇતિહાસ...

પાળીયા એટલે રણ મેદાન મા યુદ્ઘ મા જેમણે પોતાનુ શુરાતન બતાવીને ધર્મ અને બહેન દિકરીઓ કે ગામની રક્ષા માટે પોતાનુ બલિદાન આપી દીધુ હોય તેમની યાદ મા પાળીયા ઉભા કરવા મા આવે છે, તેમજ સ્ત્રી ઓ જેમણે પોતાના શુરવીર પતિ પાછળ સતિ થઈ હોય તે સતિ માતાજીના પાળીયા જોવા મળે છે. તેમજ અધર્મીઓ સામે લડાઈ દરમ્યાન જયારે નરબંકાઓ પોતાના શરીરે ડગલો પહેરીને તેમા ઘી લગાવીને અંગુઠા આગળથી આગ લગાવે અને ચાલતા થાય અને જયા દેહ પડે ત્યા ત્રાગાનો પાળીયો ખોડાય અને સામે અધર્મિઓનુ ખેદાન મેદાન થઈ જાય. આવા પહેલાના સમયમા ત્રાગા કરવામા આવતા હતા તેમના પાળીયા પણ વાગડમા ઘણા જોવા મળે છે તેમજ ગોચર માટે જમીન દાનમા આપી હોય તેના પાળીયા પણ વાગડમા ઘણા જોવા મળે આમ પાળીયા એ શોર્યનુ પ્રતિક ગણવામાં આવે છે અને અધર્મીઓ સામે ધર્મના વિજય માટે તેમજ ગામ અને બહેન દિકરીઓ ની રક્ષા માટે કરવામા આવતા યુદ્ઘ મા જયારે વિરગતી પામે ત્યારે પાળીયા ખોડાય છે અને તેમના વંશજો અને ગામ લોકો દ્વારા તેમનુ પુજન કરવામા આવે છે અને આવા પાળીયા આજેય વાગડ મા ગામે ગામ અને ગામના જાપે તેમજ તળાવની પાળ ઉપર તેમજ ગામને ગોદરે આજેય અડીખમ પોતાનો ઈતિહાસ સાચવીને ઉભા છે ત્યારે હિન્દુ નવા વર્ષની શરુઆત મા તેમને યાદ કરવામા આવે છે અને તેમનુ સિંદૂર લગાવીને પુજન કરવામાં આવે છે.

(12:12 pm IST)