Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સમગ્ર વિરપુર જલારામમયઃ ભાવિકોના ઘોડાપુરઃ દર્શન કરી ધન્‍યતા અનુભવી

વિરપુરમાં પૂ. જલારામ બાપાના દર્શને પોણો લાખ ભાવિકો : પૂ.જલારામ બાપાની જન્‍મજયંતિ નિમિતે પૂ. જલારામ બાપાના પરિવાર દ્વારા પુજન-અર્ચનઃ દેશ-વિદેશથી ભાવિકો-પદયાત્રિકો ઉમટયાઃ રોશની-રંગોળી-આશોપાલવના તોરણનું સુશોભન

વિરપુર(જલારામ)માં આજે પૂ.જલારામ બાપાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે વહેલી સવારથી ભાવિકો ઉમટી રહયા છે અને પૂ. જલારામબાપાનાં મંદિરે પૂજન, અર્ચન, દર્શન, પ્રસાદનો લાભ લઇ રહયા છે. વહેલી સવારથી પૂ. જલારામ મંદિરે પૂ. જલારામ બાપાના દર્શન માટે ભાવિકોની લાઇનો લાગી હતી. અને મોટા પ્રમાણમાં પદયાત્રિકોના સંઘનું પણ આગમન થયું હતુ અને ભજન, સત્‍સંગ, ભોજનનો લાભ લઇને ધન્‍યતા અનુભવી હતી.(તસ્‍વીર-અહેવાલઃ મનીષ ચાંદ્રાણી, કિશન મોરબીયા વિરપુર(જલારામ), ભાવેશ ભોજાણી,ગોંડલ)

 વિરપુર(જલારામ) તા.૧૪ : સંતશ્રી પૂ. જલારામ બાપાની આજે ૨૧૯મી જન્‍મ જયંતિ વિરપુર (જલારામ)માં ધામધૂમથી ઉજવાઇ રહી છે.

આજે બપોરના ૧૧ વાગ્‍યા સુધીમાં પોણો લાખ જેટલા ભાવિકોએ પૂ. જલારામ બાપાના દર્શન કરીને ધન્‍યતા અનુભવી હતી. અને પૂજન-અર્ચન, પ્રસાદનો લાભ લીધો હતો.

દેશ-વિદેશથી મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટયા છે અને પદયાત્રિકોના સંઘમાં પણ મોટી સંખ્‍યામાં પદયાત્રિકોનું આગમન થયું છે.

વિરપુર(જલારામ) માં પૂ. જલારામ બાપાની જન્‍મ જયંતિ નિમિત્તે પૂ.જલારામ બાપા પરિવાર દ્વારા વિશેષ પૂજન, અર્ચનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આજે ઘરે-ઘરે રંગોળી-રોશનીનો ઝગમગાટ અને આશોપાલવના તોરણ બાંધવામાં આવ્‍યા છે.

વિરપુરમાં વેપારીઓ દ્વારા રપ કિલોની કેક પૂ. જલારામ બાપાના ચરણોમાં રપ કિલોની કેક અર્પણ કરીને પ્રસાદીનું વિતરણ કરાયું હતું.

‘જયાં ટુકડો ત્‍યાં હરિ ઢુકડો'ના સૂત્રને સાર્થક કરનાર સંત શિરોમણી પૂજય જલારામ બાપાની ૨૧૯મી જન્‍મજયંતીના પાવન અવસર પર જલારામ બાપાની જન્‍મભુમી અને કર્મભુમી એવા વીરપુર ધામમાં પૂજય બાપાની ૨૧૯મી જન્‍મજયંતિ નિમિત્તે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે જલારામ મંદિર ખાતે બાપાના દર્શનાર્થે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્‍યું છે. બાપાની જન્‍મ જયંતી મનાવવા દેશ વિદેશથી લોકો ઉમટી પડતા હોય તો સ્‍થાનીક ગામવાસીઓ પણ આ નિમીતે પોતાના ઘેર-ઘેર આંગણાઓમાં બાપાનું જીવન કવન ચરિતાર્થ કરતી રંગોળીઓ દોરે છે તેમજ દિવાળી બાદ વીરપુરમાં જાણે બીજીવાર દિવાળી હોય તેમ ગામલોકો ફરી પોતાના ઘરો તેમજ દુકાનોમાં આસોપાલવના તોરણો, રોશનીના શણગારો તેમજ બજારોમાં મંડપ કમાનો નાખીને બજારોને શણગારવામાં આવે છે, યાત્રાળુઓ માટે ઠેરઠેર ફ્રી ચા,પાણી તેમજ છાસ, સરબત વગેરે ઠંડાપીણાની વ્‍યવસ્‍થા વીરપુરના સેવાભાવી યુવાનો તેમજ યુવાગ્રુપ દ્વારા કરવામાં આવે છે તેમજ જલારામબાપાના જીવનચરિત્રના અલગ અલગ ફલોટ્‍સ, ઝુંપડીઓ પણ કરવામાં આવે છે. પૂજય બાપાના ચરણોમાં દેશ-વિદેશના લાખો ભાવિકો પુણ્‍યનું ભાથું બાંધી ધન્‍યતા અનુભવે છે.

પૂજય જલારામ બાપાના જન્‍મભુમી અને કર્મભુમી એવા વીરપુર ધામમાં પૂજય બાપાની ૨૧૯મી જન્‍મજયંતિ નિમિત્તે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જલારામ મંદિર ખાતે બાપાના દર્શનાર્થે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્‍યું છે. બાપાની જન્‍મ જયંતી મનાવવા દેશ વિદેશથી લોકો ઉમટી પડતા હોય છે ત્‍યારે પૂજય બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા સુરત જીલ્લાના ગભેણી ગામનો ૧૦૦ લોકોનો સંઘ કે જે છેલ્લા આઠ વર્ષથી પગપાળા વીરપુર આવે છે તે સંઘ ૧લી તારીખે પગપાળા બાપાની જન્‍મ જયંતી નિમીતે વીરપુર આવવા માટે પગપાળા નીકળ્‍યો હતો જે આજે ૧૩માં દિવસે વીરપુર પહોંચતા ગામના પ્રવેશદ્વારે જ આ સંઘ દ્વારા પુજા અર્ચના કરી ડીજેના સાથે બાપાના ભજન કરતા કરતા બાપાની સમાધિ સ્‍થળે તેમજ મંદિરે પહોંચી દર્શન કર્યા હતા.

આ સંઘ સાથે વિદેશમાં રહેતું એક ગજ્જર કુટુંબ પણ જોડાયું હતું અને તે પણ દરવર્ષેની જેમ આવર્ષે પણ ગભેણી ગામથી પગપાળા વીરપુર જલારામબાપાના દર્શન કરવા આવ્‍યું હતું, સુરતના ગભેણીથી વીરપુર સુધીની પદયાત્રામાં યાત્રાળુઓની રહેવાની વ્‍યવસ્‍થાᅠ વીરપુરના સેવાભાવી યુવાન શક્‍તિ કૃપા ટ્રાવેલ્‍સવાળા દુષ્‍યંતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

(11:34 am IST)