Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઉનામાં આધુનિક પદ્ધતિથી શિક્ષણ અંગે આઇસીટી વર્કશોપ યોજાયો

ઉના, તા. ૧૪ : આજની પેઢી સ્‍માર્ટફોન સાથે રમીને મોટી થઇ રહી છે ત્‍યારે તેને આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપવા માટે ગુરૂઓએ પણ સતત અપડેટ થતાં રહેવું પડશે તે વાતને ધ્‍યાને રાખીને ઉનામાં શિક્ષકો માટે આઇસીટી વર્કશોપ યોજાયો હતો જેમાં ગુરૂઓ અપગ્રેડ થયા હતા.

ઉના શિક્ષકોનું ‘સ્‍માર્ટ' બનવા સ્‍વ-અપગ્રેડેશનના યોજાયેલા અનોખા આ વર્કશોપમાં ડેપ્‍યુટી કલેકટર મહેન્‍દ્રભાઇ પ્રજાપતિ તેમજ પત્રકારો જીતેન્‍દ્રભાઇ ઠાકર તથા કમલેશભાઇ જુમાણી ઉપસ્‍થિત રહી શિક્ષકો માટે પ્રેરણાદાયી બન્‍યા હતા.

રાષ્‍ટ્રીય શ્રેષ્‍ઠ શિક્ષક જૂનાગઢના બળદેવપરી અને પોરબંદરના ઇનોવેટીવ શિક્ષક પૂરણ ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ ઉનાના ૬૯ જેટલા શિક્ષકોએ સ્‍વખર્ચે વર્કશોપમાં ભાગ લીધો. ઇન્‍ટરનેટના ઉપયોગથી શિક્ષણ કઇ રીતે આપી શકાય અને ઇન્‍ટરનેટ પર ઉપલબ્‍ધ વિવિધ વેબસાઇટસ અને અવનવી એપ્‍લિીકેશન્‍સનો કવોલિટી એજયુકેશન માટે કઇ રીતે ઉપયોગ કરવો તે વિશે બન્ને તજજ્ઞ મિત્રોએ વાકેફ કર્યા.

વર્કશોપ દરમ્‍યાન જીઓજીબ્રાની પ્રાયોગિક સમજ, બ્‍લોગીંગ પ્રોસેસ, ઓનલાઇન કિવઝ, યુ-ટયુબ, અનેક એપ્‍લિકેશનના એજયુકેશનલ ઉપયોગની સમજ શિક્ષકોએ સાંજના પાંચ વાગ્‍યા સુધી મેળવી હતી. જેમાંથી ૩૬ જેટલા શિક્ષકોએ તો સ્‍થળ પર જ બ્‍લોગ બનાવ્‍યો હતો.

પરીક્ષા, બાહ્મમૂલ્‍યાંકન વગેરે જેવી વિવિધ કામગીરી વચ્‍ચે શિક્ષકોએ પોતાની જાતને શીખતી રાખવાની ધગશ જોવા મળી એ જ બતાવે છે કે સરકાર કે પરિપત્રો દ્વારા લદાતા ભારથી નહીં પણ કેળવણીનું વાતાવરણ ઉભું કરવાથી જ શિક્ષણની પદ્ધતિઓમાં આમૂલ પરિવર્તન આવશે.

શિક્ષક સજ્જતાના આ કાર્યક્રમને સફળ બનાવવા નીતિનભાઇ ઓઝા, નરેશભાઇ ગુંદરણિયા, વિજયભાઇ કોટડિયા, રાહુલભાઇ ઉપાધ્‍યાય, ધર્મેન્‍દ્રભાઇ પોપટ, જયેન્‍દ્રભાઇ ચૌહાણ, ધર્મેશભાઇ જોશી, વિમલભાઇ પટેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

 

(10:18 am IST)