Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

કેશોદમાં કોરોનાના વધુ પાંચ કેસ નોંધાતા ફફડાટ - દોડધામ

ત્રણ દિવસમાં આઠ કેસ આવ્યા : કોરોના સંક્રમણ વધતા લોકોમાં ચિંતા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૪ : જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કોરોનાના વધુ પાંચ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ અને તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

જૂનાગઢ શહેર - જિલ્લામાં કોરોના શાંત રહ્યો હતો પરંતુ કેશોદના મેસવાણ ખાતે પે-સેન્ટર શાળાના ત્રણ વિદ્યાર્થીઓ તાજેતરમાં સંક્રમિત થતા આ શાળામાં આવતીકાલ સુધીની રજા જાહેર કરવાની ફરજ પડી હતી.

મેસવાણના ત્રણ નવા કેસના ત્રણ દિવસ બાદ ગઇકાલે કેશોદમાં વધુ પાંચ કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી.

જો કે, કેશોદમાં કોરોના વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ આરોગ્ય પગલા હાથ ધરવામાં આવ્યા છે.

પરંતુ નવરાત્રી બાદ દિવાળી તહેવાર શરૂ થવાના છે ત્યારે હજુ વધુ સાવચેતી રાખવામાં નહિ આવે તો કોરોના વધુ પંજો ફેલાવી શકે.

દરમિયાન બુધવારે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ૭૦૦ અને ગ્રામ્યમાં ૧૬૨૯૩ મળી કુલ ૧૬૯૯૩ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી.

(12:38 pm IST)