Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

'આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ' નિમિતે ધ્રોલ ખાતે 'વહાલી દીકરી' યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ

જામનગર તા.૧૪: 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત 'આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ'ની ઉજવણી નિમિત્ત્।ે મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ.કચેરી જિલ્લા પંચાયતના સંયુકત ઉપક્રમે ધ્રોલ ખાતે 'વ્હાલી દીકરી' યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

સરકાર દ્વારા 'બેટી બચાઓ બેટી પઢાઓ' યોજનાને વેગ આપવા 'વ્હાલી દીકરી' યોજના અમલમાં છે. જે અન્વયે લાભાર્થી દીકરીને ૧૮ વર્ષ પુરા કરે ત્યાં સુધી તબક્કાવાર રૂપિયા ૧,૧૦,૦૦૦ની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. યોજનાનો મુખ્ય હેતુ દીકરીઓની ઘટતી જતી સંખ્યાને વધારવા અને શિક્ષણમાં આગળ લાવવાનો છે. ધ્રોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કુલ-૧૦ દિકરીઓને યોજનાના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ૫૦ કિશોરીઓને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતાં, ઉપરાંત ગામમાં જન્મતા બાળકોની માહિતી મેળવી તેનું મોનીટરીંગ કરવા દીકરીઓનો ઓછો જન્મદર ધરાવતા ગામોના આંગણવાડી કેન્દ્રોમાં ગુડ્ડા-ગુડ્ડી બોર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને ઈ.ચા. પ્રોગ્રામ ઓફિસર ડો.ચંદ્રેશ ભાંભીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધ્રોલ ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી નર્મદાબેન ઠોરિયા, મહિલા શકિત કેન્દ્રના મહિલા કલ્યાણ અધિકારી રૂકસાદબેન ગજણ, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા, આંગણવાડી કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(12:34 pm IST)