Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

કોલસાની અછતે મોરબીના પેપરમિલ ઉદ્યોગની દશા બગાડી

જરૂરિયાતના ૨૦ ટકા જ કોલસો મળે છે આગામી દિવસોમાં ૮૦ ટકા સુધી ઉત્પાદન કાપ મુકવો પડશે.

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૪, હાલ સમગ્ર દેશમાં કોલસાની અછતથી વીજ સંકટ ઝળુંબી રહ્યું છે ત્યારે મોરબીના ઉદ્યોગ પર પણ કોલસાની અછતે માઠી અસર કરી છે અને મોરબીના પેપરમિલ ઉદ્યોગને સરકાર તરફથી મળતા કોલસામાં કાપ મુકવામાં આવતા કોલસાની તંગીને પગલે પેપરમિલ ઉદ્યોગને આગામી દિવસોમાં ૮૦ ટકા સુધી ઉત્પાદન કાપ મુકવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે
કોલસાની અછતથી મોરબીના પેપરમિલ ઉદ્યોગની દશા બગડી છે જે મામલે મોરબી પેપરમિલ એસો પ્રમુખ વિપુલભાઈ કોરડીયા જણાવે છે કે મોરબી આસપાસના વિસ્તારમાં ૪૫ થી વધુ પેપરમિલ યુનિટો ધમધમે છે હાલ કોલસાની અછત છે અને સરકાર દ્વારા જીએમડીસી મારફત જે કોલસો ફાળવાય છે તે હાલ ૨૦ ટકા જ મળે છે અને GMDC મારફત મળતા કોલસાના ૨૭૦૦ થી ૩૦૦૦ રૂ પ્રતિ ટનના ભાવ સામે પેપરમિલ ઉધોગપતિઓએ ઈન્ડોનેશીયન કોલ ૧૨ હજાર રૂપિયા પ્રતિ ટનના ભાવથી ખરીદવો પડે છે જોકે પેપરમિલ બોઈલર ડીઝાઇન માટે લિગ્નાઈટ કોલસો જ ઉત્તમ રહે છે જે ભાવમાં સસ્તો છે અને ગુણવત્તાની દ્રષ્ટીએ પણ ઉત્તમ છે હાલ મોરબીમાં પ્રતિદિન ૮૦૦૦ થી ૮૫૦૦ ટન પ્રોડકશન પેપરમિલ ઉદ્યોગ કરે છે જેના માટે દૈનિક ૨૨૦૦ થી ૨૫૦૦ ટન કોલસાની જરૂરત રહે છે જોકે GMDC દ્વારા ૨૦ ટકા જ મળે છે જેથી ઉદ્યોગપતિઓએ પ્રાઈવેટ ઈમ્પોર્ટરો પાસેથી ખરીદવાની ફરજ પડે છે
આગામી દિવસોમાં ૭૦ થી ૮૦ ટકા પ્રોડકશન કાપ મુકવો પડશે
મોરબી પેપરમિલ એસો પ્રમુખ વિપુલભાઈ કોરડીયા જણાવે છે કે જો આવી જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં ૭૦ થી ૮૦ ટકા ઉત્પાદન કાપ મુકવો પડશે અને સ્થિતિ લાંબી ખેચાશે તો પેપરમિલ બંધ કરવાનો વારો આવશે તો સરકાર પાસે માંગ કરી હતી કે ૩ મહિના પહેલા ડીઓ સેન્કશન કરેલ હોય તે પ્રમાણે ૧૦૦ ટકા ડીઓ ફાળવવામાં આવે. (
 પરશુરામધામ ખાતે શનિવારે  મેરજાનો સન્માન સમારોહ
 શ્રી પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૧૬ ને શનિવારે ૬ કલાકે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય જેથી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજવામાં આવશે.
મંત્રી બ્રિજેશભાઈ મેરજાના સન્માન સમારોહમાં મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદજી, સાંસદસભ્ય રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહેશે જે સન્માન સમારોહમાં ભૂદેવોએ પધારવા પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાની યાદી જણાવે છે.
  શુક્રવારે વિજયોત્સવ ઉજવાશે
 વિદ્યાભરતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર મોરબી દ્વારા તા. ૧૫ને શુક્રવારે રાત્રે ૮: ૪૫ કલાકે શિશુમંદિર શાળા, શકત શનાળા ખાતે વિજયોત્સવ ઉજવાશે. નવરાત્રીના નવ દિવસ શકિતની ઉપાસના કરીને અંતે વિજયોત્સવ મનાવવો આપણી પ્રાચીન પરંપરા રહી છે ત્યારે શિશુ મંદિર ખાતે શુક્રવારે રાત્રે વિજયોત્સવની ઉજવણી કરાશે તેમ શાળાના નિયામકની યાદી જણાવે છે.

 

(11:56 am IST)