Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ઝાલાવાડમાં બેવડી ઋતુથી દર્દીઓમાં વધારો : ધ્રાંગધ્રામાં ડેન્ગયૂ ફેલાયો

વઢવાણ,તા.૧૪ : ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વાઈરલ ઇન્ફેકશનના દર્દીઓનો વધારો થઇ રહ્યો છે. દિવસે ગરમી અને વહેલી સવારે ઠંડી પડતા બેવડી ઋતુને લઈને દર્દીઓની સંખ્યા વધતા દવાખાનામાં સારવાર માટે આવતા લોકોની ભીડ જોવા મળી રહી છે. ધ્રાંગધ્રા વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી બેવડી ઋતુનો અહેસાસ થાય છે. દિવસે ભારે ગરમી અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આમ બેવડી ઋતુને લઈને શરદી, ઉધરસ અને તાવ એમ વાઈરલ ઇન્ફેકશનના દર્દીનો વધારો જોવા મળી રહ્યો છે.

 સરકારી દવાખાના થોડા સમય રોજના ૨૦૦થી ૩૦૦ દર્દીઓની ઓપીડી પહોંચી ગઈ છે. ડો.એસ.ડી. ઝાલાએ જણાવ્યું કે બેવડી ઋતુને લઈને શરદી, ખાસી અને તેને લઈને સામાન્ય તાવના દર્દીઓ વધે છે.  ધ્રાંગધ્રામાં ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા ધ્રાંગધ્રા શહેરમાં ભાગવી સોસાયટી, હળવદ દરવાજા પાસે પુનીત નગર સહત નદી કાંઠાના વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે અગાઉ ડેન્ગ્યુને લઈને એક દર્દીનું મોત થયું છે. ત્યારે નગરપાલિકા દ્વારા મચ્છરનો ઉપદ્રવ ડામવા માટે ફોગીંગ મશીનનો ધુમાડો અને ડીડીટીનો છંટકાવ કરવામાં આવે છે.

કટારીયા ગામે મારામારી

લીંબડીના કટારિયા ગામે હર્ષદવિનુભાઈ જાપડીયા તેમની  પોતાની પાન મસાલાની દુકાને બેઠા હતાં ત્યારે કુષણપાલ ઉફ લાલો બળદેવભાઈ કાઠીયા, બળદેવ વજાભાઈ કાઠીયા, ઘનશ્યામ ઉફ લાલો ભરતભાઇ કાઠીયા, ચંદ્રસિંહ પ્રવિણભાઈ કાઠીયા એમ ચારેય શખ્સોએ દુકાન બંધ કર એમ કહીને  ગાળો બોલી લાકડી અને ઢીકા પાટુ વડે માર માર્યો હતો. ત્યારે બીજી તરફ પ્રભાતસિહ ઉર્ફે મુનાભાઈ ભીખુભાઈ કાઠીયાએ જણાવ્યું હતું કે તેમનાં ઘરની બાજુમાં વિનુ કમાભાઈ જાપડીયાની પાનમાવાની દુકાને બોલાચાલી થતાં બોલી ગાળો બોલવાની ના પાડતાં હિતેશ કાળુભાઈ જાપડીયા, ગજુ કૈલાસભાઈ જાપડીયા,હર્ષદ વિનુભાઈ જાપડીયા ચારેય શખ્સોએ પ્રતાપસિંહ ઉફ મુનાભાઈને  લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી ઈજા પહોંચાડી હતી.ત્યારે આઠેય શખ્સો વિરૂધ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાટડી ખાતે તસ્કરગેંગ સક્રિય

પાટડીમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પચાસથી વધારે બંધ મકાનોમાં તસ્કરોએ હાથફેરો કરીને લાખ્ખોની મતાની ચોરી કરી છે પરંતુ પોલીસતંત્ર હજુ સુધી તસ્કરોને પકડીને એક પણ ચોરીનો ભેદ ઉકેલી શકયું નથી. તસ્કરો બંધ ઘરો સાથે મંદિરોને પણ નિશાન બનાવી રહ્યા છે હાલમાં લોકો રાત્રે ગરબીએ જતા હોવાથી તસ્કરો દ્વારા ચોરીના -યાસો વધી ગયા છે ગત રાત્રે પાટડીની ત્રણ સોસાયટીઓ માતૃવંદના સોસાયટી, શ્રીનાથજીધામ સોસાયટી, અને ઉમીયા સોસાયટીઓના બંધ ઘરોમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકો જાગી જતા અને દેકારો થતા તસ્કરોને ભાગવુ પડયુ હતું. આ બનાવથી લોકોમાં ચિંતાની લાગણી ફેલાવા પામેલ છે પાટડી પંથકમાં તસ્કરોની રંજાડ અટકાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.

(11:42 am IST)