Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ગીર સોમનાથના ભાલકા તિર્થમાં આહિર સમાજ આયોજીત ધર્મોત્સવમાં રાજભા ગઢવીના લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયોઃ નોટો ગણવા મશીન લાવવા પડ્યા

વેરાવળ :ગીર સોમનાથના વેરાવળમાં આવેલ પ્રસિદ્ઘ ભાલકા તીર્થમાં આહીર સમુદાય દ્વારા સુવર્ણશીખર અને ધર્મધજા મહોત્સવ યોજાયો હતો. જેમાં ગઈકાલે રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. આ લોકડાયરામાં રાજભા ગઢવી સહિતના નામાંકિત કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેને પગલે લોકડાયરામાં લાખોની મેદની ઉમટી પડી હતી. ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો. નોટોનો વરસાદ એટલો થયો કે, નોટો ગણવા માટે મશીન લાવવા પડ્યા હતા. ઉલ્લેનનીય છે કે, પ્રભાસતીર્થમાં ભગવાન શ્રીકૃષ્ણએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના અંતિમ લીલાના સ્થાન એવા ભાલકા તીર્થનું 12 કરોડના ખર્ચે નૂતન મંદિરનું નિર્માણ કરાયું છે. નૂતન મંદિર પર પ્રથમ ધ્વજારોહણ આહીર સમુદાય દ્વારા કરાયું હતું.

શ્રીકૃષ્ણની પવિત્ર ભૂમિ છે ભાલકા તીર્થ

ગીર સોમનાથના ભાલકા તીર્થમાં આવેલા ભગવાન કૃષ્ણની મોક્ષ ભૂમિ પર અનેરો ધર્મોત્સવ ઉજવાયો હતો. ભાલકા તીર્થમાં ગુજરાત ભરના અહીર સમુદાયનો માનવ મહાસાગર છલકાયો. ગુજરાત આહીર સમાજ, સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણિમા સમિતિના સંયુકત ઉપક્રમે તા.૧૦ થી ૧૩ ઓકટોમ્બર સુધી ત્રિદિવસીય ભાલકેશ્વર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભાલકા તીર્થના નૂતન મંદિર પર આહીર સમાજે પ્રથમ ધવજારોહણ સાથે સુવર્ણશિખર ચઢાવાયું હતું. જેમાં આહીર સમાજે પ્રથમ ધ્વજારોહણ, ધર્મધ્વજ રથયાત્રા, નારાયણયાગ, સત્યનારાયણ પૂજન, ભજન-સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા.

રથયાત્રાએ રેકોર્ડ સર્જ્યો

ધર્મધ્વજ રથયાત્રામાં 1198 ફોર વહીલર અને 3811 બાઇક સાથે 310 કિમીની વિશ્વની પ્રથમ ધાર્મિક રથયાત્રા નીળી હતી. જેમાં આહીર સમાજે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. આહિર સમાજે આ રથયાત્રા માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. ધર્મધ્વજ અને સુવર્ણશિખર રથયાત્રામાં અસંખ્ય મોટરકાર અને મોટરસાયકલ સાથે હજારો લોકો જોડાયા હતા. રથયાત્રાને ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. ધ્વજા શોભાયાત્રા સાથે નીકળી દ્વારકા જિલ્લાના ભોગાત-લાંબા -દેવળીયા- સણોસરી-ટંકારીયા રાજપરા ભાડથર ભાણવડથી જામજોધપુર થઈ સીદસર થઈ ઉપલેટા નાઈટ હોલ્ટ કરી જૂનાગઢ કેશોદ વેરાવળ અને અંતે ભાલકા તીર્થ ખાતે પહોંચી હતી.

રથયાત્રાના આખા રુટ પર સફાઈ કરાઈ

આહિર સમાજની રથયાત્રામાં સ્વાછતાનો સંદેશ પણ આપવામાં આવ્યો. રથયાત્રા જે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાંથી પસાર થયો, તે તમામ રૂટ પર પાછળ સફાઈ કર્મચારીઓની ટીમ તુરંત સફાઈ હાથ ધરાઈ હતી. સફાઈ કર્મચારીઓએ પણ અનેરા ઉસ્તાહ સાથે સુપેરે કાર્ય કર્યું અને ભગવાનની રજ સફાઈનો અનેરો લ્હાવો મળ્યાનો ભાવ વ્યક્ત કર્યો. આ રથયાત્રામાં આહીર સમાજના અનેક અગ્રણીઓ હાજર રહ્યા.

(5:52 pm IST)