Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વિરનગરની આંખની હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં કુંવરજીભાઇના હસ્તે ૭૦ બેડની કોવિડ હોસ્પિટલનો પ્રારંભ

બે-ત્રણ દિવસમાં જસદણમાં પણ રપ બેડની કોવિડ હોસ્પિટલ કાર્યરત થઇ જશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૪ : જસદણ-વિંછીયા પંથકમાં કોરોનાના દર્દીઓમાં થોડા દિવસથી વધારો થતા તેમજ રાજકોટ ખાતે પણ હોસ્પિટલમાં જગ્યાઓ ન હોય તંત્ર દ્વારા વિરનગર ખાતે ૭૦ બેડની કોવિડ હોસ્પિટલનો ગઇકાલે પ્રારંભ કર્યો હતો.

રાજયમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો બહાર આવી રહ્યા છે ત્યારે જીલ્લાની મુખ્ય હોસ્પિટલોમાં જગ્યા પણ ન રહેતા તાલુકા મથકે કે બીજા ગામોમાં સુવિધા ધરાવતી હોસ્પિટલમાં રાજય સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી રહી છે. ત્યારે જસદણના વિરનગર ગામે પણ ગઇકાલે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ૭૦ બેડની કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી.

વિરનગરની પુખ્યાત શિવાનંદ મિશન સંચાલીત આંખની હોસ્પિટલમાં તાજેતરમાં બનાવવામાં આવેલ નવી બિલ્ડીંગ સવિતા સદનમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવશે.

કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, આગામી બે-ત્રણ દિવસમાં જસદણ સરકારી દવાખાને પણ રપ બેડની કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવશે જયાં હાલ ઓકિસજનની લાઇન નાંખવાનું કામ પૂર્ણતાને આરે હોય ત્યાં વધુ લક્ષણો ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે.

આ પ્રસંગે કુંવરજીભાઇ બાવળીયા, વિરનગર હોસ્પિટલના ટ્રસ્ટી અને જસદણના રાજવી સત્યજીતકુમાર ખાચર, વિરનગર સરપંચ પ્રતિનિધિ પરેશભાઇ રાદડીયા, જસદણ પ્રાંત અધિકારી ગલ્ચર, તાલુકા પંચાયતના બેલીમભાઇ, આરોગ્ય ખાતાના જીલ્લા એપેડેમીક અધિકારી રાઠોડ, તાલુકા આરોગ્ય અધિકારી ડો રામ, આટકોટ પી.એચ.સી.ના ડો. ચૌધરી, ડો. હેતલબેન વિરગનર હોસ્પિટલના ડો. વર્મા, ડો. બુચ, નર્સીંગ સ્ટાફ સ્થાનિક આશા વર્કર બહેનો, આટકોટના પી.એસ.આઇ. મેતા, મનસુખભાઇ જાદવ, જસદણ પાલિકાના ચીફ ઓફીસર સહિત પાલિકાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમનું સંચાલન બ્લોક ઓફીસ જસદણના શુકલાએ કર્યું હતું.

વિરનગરની કોવિડ હોસ્પિટલમાં ર૪ કલાક પોલીસ બંદોબસ્ત પણ રહેશે તેવું આટકોટ પી.એસ.આઇ. મેતાએ જણાવ્યું હતું.

(11:57 am IST)