Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

જામનગરમાં વનીકરણ માટે અભિનવ પ્રયોગ

જામનગર : જામનગરમાં વનીકરણ માટે સ્તુત્ય પ્રયાસો આરંભાયા છે. શહેરના ડીકેવી કોલેજ સર્કલ પર આવેલા ગોલ્ડન નેસ્ટ એપા.ના રહેવાસીઓએ ૬૦ જેટલા મોટા વૃક્ષના રોપા એક વર્ષ માટે ઉછેરવાની જવાબદારી ગણેશોત્સવની ઉજવણી અંતર્ગત સ્વીકારી છે. પ્રવર્તમાન સમયમાં જૂદા જૂદા સ્થાનો પર વૃક્ષારોપણના કાર્યક્રમો અલગ અલગ સંસ્થાઓના નેજા હેઠળ થાય છે પરંતુ એક સાથે સેંકડોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે અને તેનો સુવ્યવસ્થિત ઉછેર થાય તે માટે શહેરના પર્યાવરણ પ્રેમી વકીલ કૃણાલ જોષીએ અભિયાન હાથ ધર્યુ છે. આ કાર્યક્રમનો શુભારંભ આ વિસ્તારના ધારાસભ્ય અને રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ સુભાષ જોશી, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, બ્રહ્મસમાજના પ્રમુખ આશીષ જોશી, રાજપુત અગ્રણી પ્રવિણસિંહ જાડેજા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ પર્યાવરણ પ્રેમી વકીલ કૃણાલ જોષી પ્રદૂષણ, પર્યાવરણ અને વૃક્ષ વાવેતર વિશે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્ય માટે ગોલ્ડન નેસ્ટ કોન્ડોમિનીયમના પ્રમુખ રમેશભાઇ ગઢવી, ઉપપ્રમુખ ગીરીશભાઇ ગણાત્રા, મંત્રી પ્રણવસિંહ જાડેજા, ખજાનચી વિપુલભાઇ દુદાણી, હર્ષભાઇ પારેખ, વિશાલભાઇ મહેતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:47 pm IST)