Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

જામનગરના વિવિધ વિકાસ કાર્યો માટે કુલ ૧૯૬૨.૩૦ લાખના વર્ક ઓર્ડર અને ચેક વિતરણ કરાયા

જામનગર તા.૧૪ : ધનવંતરી ઓડિટોરિયમ ખાતે વર્ષ ૨૦૧૯ના આયોજન મંડળ તથા એ.ટી.વી.ટી જોગવાઈના કામોનો વર્ક ઓર્ડર અને ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ઉર્જા મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના હસ્તે ૧૯૬૨.૩૦ લાખના વર્કઓર્ડર અને ચેક વિતરણ કરાયા હતા.

 આ પસંગે  પૂનમબેન માડમે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના મિનિમમ ગવર્નમેન્ટ મેકિસમમ ગવર્નન્સના સૂત્રને યાદ કરી કહ્યું હતું કે દરેક યોજના, તેના દ્વારા મળતો એક રૂપિયો પણ લોકો માટે લાભાન્વિત બને તે દિશામાં પ્રધાનમંત્રીશ્રી એ જે પહેલ કરી તેમાં જામનગર જિલ્લો પણ ખૂબ મજબૂતીથી આગળ વધી રહ્યો છે. દેશની સંપત્તિ દેશના નાગરિકોનો અધિકાર છે તેવું જણાવી સાંસદશ્રીએ જામનગર વહીવટીતંત્રને તેમની કામગીરી માટે બિરદાવ્યા હતા અને સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી લોક વિકાસના કાર્યોને ઓળખી તંત્ર દ્વારા જામનગરના વિકાસને વેગવંતો બનાવવા બદલ વહિવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે રાજ્ય સરકારના વિકાસલક્ષી પરિમાણને દર્શાવીને કહ્યું હતું કે જે વર્ષમાં ગ્રાન્ટ મંજૂર થઇ છે તે જ વર્ષમાં તે ગ્રાન્ટના કામો પણ મંજુર થાય અને તે કાર્ય પૂર્ણ થાય તેવા દિવસો હવે આવ્યા છે. જે પહેલાના વર્ષોમાં ગ્રાન્ટ જતી રહેતી હતી અને તેના કાર્યો પૂર્ણ ન થતાં તેવું હવે આ સરકારમાં નહીં થાય. સમયમર્યાદામાં વહીવટી કાર્ય પૂર્ણ થાય અને તેની સંતોષપૂર્ણ કામગીરી કરી લોકોને તેનો લાભ મળે તેના માટે લોકશાહીમાં પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી બધાની જવાબદારી છે. નેતૃત્વ નેતાઓ કરે અને તે સારી રીતે કરી સરકાર દ્વારા જે નીતિઓ લાવવામાં આવી છે તેને ગુણવત્તા સાથે લોકોના વિકાસમાં ઉપયોગી પણ બનાવવામાં આવે તે જરૂરી છે. આ સાથે જ મંત્રીશ્રીએ સરકારની અનેક યોજનાઓ જેમાં સોલાર રૂફ ટોપ, બિનપરંપરાગત સ્ત્રોતો દ્વારા વીજળી ઉત્પન્ન વગેરે  બાબતો પર ભાર મુકી લોકોને તેનો ફાયદો લેવા માટે અપીલ કરી હતી.

 સમારંભમાં સંસદ સભ્ય ફંડમાંથી રૂ.૨૫ લાખ ફીટ ઇન્ડિયા ઝુંબેશમાં અને અન્ય બાર કામ માટે  ૨૯ લાખ ૫૫ હજાર રૂપિયા જામનગર મહાનગરપાલિકાને ફાળવવામાં આવ્યા હતા, તો આરોગ્યની સુખાકારી વધે, જામનગર જિલ્લામાં હજુ પણ સુવિધાઓ વધે તે આશયથી ૫૦ લાખ જી.જી.હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે. તદુપરાંત જામનગર ગ્રામ્યના વિકાસાર્થે  પ્રાંત અધિકારીશ્રી જામનગર ગ્રામ્યને ૩૦૦ લાખની રકમ ફાળવવામાં આવી હતી.

કાર્યક્રમ સ્થળે કુલ ૪૯ વિવિધ વહીવટી ખાતાઓ, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતોના વિકાસ માટે કુલ ૧૯૬૨.૩૦ લાખના વર્ક ઓર્ડર અને ચેક વિતરણ કરાયું હતું, જેમાં વિવેકાધીન ૧૫્રુ જોગવાઈ હેઠળ ૫૦૬ કામ માટે ૧૧ કરોડ ૭૭ લાખ ૪ હજાર રૂપિયા અને એટીવીટીની જોગવાઈ અંતર્ગતના કામો માટે ૭ કરોડ ૫૫ લાખ ૨૬ હજાર રૂપિયાની ફાળવણી કરાઈ હતી.

  આ પ્રસંગે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયરશ્રી હસમુખ જેઠવા, ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદ્રેશ પટેલ, ધારાસભ્યશ્રી ચિરાગ કાલાવડિયા, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખ હિંડોચા, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોશી, કલેકટરશ્રી રવિશંકર, એસપીશ્રી શરદ સિંઘલ, જામનગર મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાની, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, પ્રેબેશનરી કલેકટરશ્રી સ્નોહલ બહેન તેમજ વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:02 pm IST)