Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ખારવા ગામે બાવની બ્રિજનું લોકાર્પણ તેમજ મોડપરના મેજર બ્રિજનું ભૂમિપૂજન

જામનગર તા.૧૪: : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામ ખાતે વર્ષોથી ચોમાસા દરમિયાન વરસાદના કારણે કોઝવે પર આવી જતા પાણીથી તાલુકા મથકથી ૧૦ થી ૧૨ ગામો વિખૂટા પડી જતા હતા. તે પ્રશ્ન વણઉકલ્યો હતો, જેનો આજ રોજ હલ આવી ગયો છે. ખારવા ગામ ખાતે ધ્રોલ, ખારવા, બીજલકા, ઈટાળા રોડ ઉપર હયાત બાવની નદી પર આ પ્રશ્નના નિવારણ રૂપ બાવની બ્રિજનું  આજરોજ રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં  રાજ્યના ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોડપર ગામે આજી નદી પર મેજર બ્રિજની જરૂરિયાત જણાતા ઉર્જા મંત્રીશ્રી દ્વારા મેજર બ્રિજનું ખાતમુર્હત  કરાયું હતું.

  ૫૪૩ લાખના ખર્ચે બનેલા બાવની બ્રિજની આવતા ગામો ખારવા, જાલીયા, માનસર, ખીજડીયા, પીપરટોડા, ખેંગારકા, ડાંગરા, ખાખરા, બીજલકા, ઈટાળા, રાજપર અને સુમરા ગામોને તાલુકા મથકે આવવા માટે બારમાસી રસ્તાની સુવિધા મળશે.

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપતા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદ્રેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખારવાથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સમયે વિખૂટા પડી જવાની સ્થિતિ નિવારવા આ બાવની બ્રિજ બન્યો છે તેના થકી લોકોના સ્વાસ્થ્ય, શિક્ષણ વગેરે બાબતે હંમેશાથી પડતી મુશ્કેલીઓને નિવારી શકાશે.

  આ સમયે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષા મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વિકાસના કામને અને હકારાત્મક વિચારસરણી સાથેની રાજ્ય સરકારની લોક વિકાસ માટેની વિવિધ યોજનાઓની માહિતી આપતા અને તેની કામગીરીઓની સરાહના સાથે જણાવતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા લોક વિકાસના આશરે ૬૦૦ નિર્ણય લેવાયા છે કે જેના થકી લોકો માટે આંતરમાળખાકીય સુવિધાઓ તેમના  આરોગ્ય અને શિક્ષણ જેવા સર્વાંગી વિકાસના પાયા ભૂત અંગોને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી છે. આ બ્રિજથી આજુબાજુના ગામના લોકોની અનેક મુશ્કેલીઓનો અંત આવશે અને આ જ ગ્રામ વિકાસનો પાયો છે જેને રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધ રહીને આગળ વધારવા કટિબધ્ધ  છે.

   આ તકે શહેરમાં જે સુવિધાઓ મળે તેવી જ સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારમાં મળે તેને વિકાસ કહેવાય એવી વિકાસની સંકલ્પનાને દર્શાવીને ઉર્જા મંત્રી અને જામનગરના પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે બ્રિજના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે સંબોધન કર્યું હતું કે, ગ્રામીણ જરૂરીયાતો અને તેની આંતરમાળખાકીય સુવિધાઓ પણ શહેર જેટલી જ મહત્વની છે. શિક્ષણ, વીજળી, પીવાનું પાણી, આરોગ્યલક્ષી સુવિધાઓ દરેક સ્તરે દરેક નાગરિકને મળે તે દ્વારા જ રાજ્ય સરકાર સતત સર્વાંગી વિકાસના સંકલ્પને સાકાર કરવાનું કાર્ય કરી રહી છે. પરંતુ વિકાસ માટે લોક ભાગીદારી અને લોક સમજદારીની પણ એટલી જ આવશ્યકતા છે એવું જણાવીને મંત્રીશ્રીએ લોકોને પાણી બચાવવાની અને ખેડૂતોને ખેતી માટે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ જેવી સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી આધુનિક ખેતી તરફ વળવાની અપીલ કરી હતી અને સાથે જ આગામી દિવસોમાં ખેડૂતોની બાકી રહેલી વીજ કનેકશન અરજી પણ મંજૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ વર્ષમાં ૧૩૦ સબસ્ટેશનો બનાવીને સંપૂર્ણ ગુજરાતમાં ગુણવત્તાયુકત વીજળી આપવાની નેમ સાથે સવા લાખ કનેકશન સંપૂર્ણ ગુજરાતના ખેડૂતોને અપાશે તેવી માહિતી આપી હતી. સાથે નવી યોજનાઓ સાથે જોડાઈને વિકાસની કેડી પર સતત આગળ વધવામાં લોકો પણ આગળ આવે તેવી અભ્યર્થના દર્શાવી હતી. સૌર ઉર્જાને પ્રાધાન્ય આપી પ્રદૂષણમુકત ઊર્જાનું નિર્માણ થાય તે માટે પણ ગુજરાતના લોકો પહેલ કરે તેવી ઈચ્છા પણ દર્શાવી હતી.

આ  પ્રસંગે  જામનગર જિલ્લા પંચાયત -મુખશ્રી નયનાબેન માધાણી, પૂર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખશ્રી મગનભાઈ ભોજાણી,ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી રસિકભાઈ ભંડેરી, માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખશ્રી દિલીપસિંહ જાડેજા, ધ્રોલ નગરપાલિકા પ્રમુખશ્રી નરેન્દ્ર સિંહ ચુડાસમા, સરપંચશ્રી ખારવા ગામ વિજયાબેન, જિલ્લા પંચાયતના સભ્યશ્રી માલતીબેન ભાલોડીયા, કિસાન મોરચા પ્રદેશ કારોબારી સભ્યશ્રી લખધીરસિંહ જાડેજા,તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભીમજીભાઈ મકવાણા તેમજ ખારવા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(1:02 pm IST)