Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

કચ્છમાં ઉદ્યોગપતિની હત્યા પ્રકરણમાં કડાકા-ભડાકાઃ સચિન ધવનના ખૂન પાછળ ધંધાકીય સ્પર્ધા કારણભુત

૩ વર્ષ જુના કેસમાં હરિયાણાના શાર્પશૂટરોને સોપારી આપનારનુ નામ ખુલતા ચકચાર

ભુજ, તા.૧૪: ગત ઓગસ્ટ ૨૦૧૬ માં ગાંધીધામના યુવાન ઉદ્યોગપતિ સચિન ધવન હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગાંધીધામમાં જીઆઇડીસીમાં યુઝડ કલોથ અને સ્ક્રેપની ફેકટરી ધરાવતા સચિન ધવનની બંદૂકના ભડાકે હત્યા થઈ હતી. જે તે સમયે ખંડણી માટે હરિયાણાના શાર્પશૂટરો અફરોઝ અન્સારી અને બશીરે કરી હતી. અફરોઝ અન્સારીનો ઉદ્દેશ્ય ગાંધીધામમાં ધાક જમાવીને ખંડણી વસુલવાનો હતો. જોકે, આ બન્ને આરોપીઓ ઝડપાઇ ગયા બાદ અફરોઝને ગાંધીધામની કોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી. દરમ્યાન આ હત્યા પ્રકરણમાં અન્ય ત્રણ આરોપીઓ સન્ની, રીંકુ અને અલી ફરાર હતા. જેમાંથી પોલીસે હમણાં સન્ની રામપાલને હરિયાણાથી ઝડપી લીધો હતો. દરમ્યાન સન્નીની પૂછપરછમાં ધડાકો થયો છે અને આ હત્યા ખંડણી માટે નહીં પણ ધંધાકીય સ્પર્ધા માટે થઈ હોવાનું અને તેમાં કંડલા ફ્રી ટ્રેડ ઝોનના બહુ ચર્ચિત એવા રફીક બારાનું નામ ખુલ્યું છે. કંડલા ફ્રી ટ્રેડ ઝોન જે હવે કાસેઝના નામે ઓળખાય છે, તેમાં થઈ રહેલા ગોરખધંધાઓ માં રફીક બારાનું નામ ખરડાયેલું છે અને તેના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોવાની પણ ચર્ચા છે. યુઝડ કલોથના આયાતના ધંધામા રફીક બારા પોતાનું વર્ચસ્વ જાળવવા માંગતો હતો. એટલે સચિન ધવનની હત્યા કરવામાં તેની ભૂમિકા મુખ્ય હતી. જોકે, તેનું નામ ખુલ્યા બાદ રફીક બારા ફરાર છે.

(11:47 am IST)