Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણપતિજીની સ્થાપના સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

ગામે-ગામ ગણપતિ મહારાજની ભકિતમાં ભાવિકો લીન : મહાઆરતી, મહાપૂજન, ધૂન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો

પ્રથમ અને બીજી તસ્વીરમાં મેંદરડામાં બિરાજમાન ગણેશજી, ત્રીજી તસ્વીરમાં ઓખામાં બિરાજમાન ગણેશજી નજરે પડે છે. (તસ્વીર : ગૌતમ શેઠ, મેંદરડા, ભરત બારાઇ, ઓખા)

રાજકોટ તા.૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં સર્વત્ર ગણેશ મહોત્સવનો ગઇકાલથી ધામધૂમપૂર્વક પ્રારંભ થયો છે. ગામે ગામ ગણપતિજીની  મુર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.

જૂદી જૂદી સંસ્થાઓ, મંડળો દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં ભાવિકો પૂજન, અર્ચન, દર્શનનો લાભ લઇ રહ્યા છે.

આ ઉપરાંત અનેક પરિવારો દ્વારા ગણેશજીની મુર્તિઓનું સ્થાપન કરીને પૂજન, અર્ચન કરવામાં આવી રહ્યુ છે.

ગણેશ મહોત્સવ અંતર્ગત મહાઆરતી, મહાપૂજન, ધૂન, ભજન, કીર્તન સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

જોડીયા

જોડીયા : આડઠકકરના દેવસ્થાને શ્રી બાલ વિનાયક બિરાજી રહ્યા છે. શ્રાવણ સુદ ૪ તા.૧૪-૮-૧૯૩૪ના સ્થાનિક આડ ઠકકરના કુટુંબજનો દ્વારા શ્રી બાલવિનાયકની સ્થાપના કરાઇ હતી.

વર્ષો વિત્યા ધંધા અર્થે બહારના રાજયમાં વસતા મૂળ જોડીયાના આડ ઠકકરના કુટુંબજનો પ્રતિવર્ષે ગણેશ ચતુર્થી મનાવા જોડીયા આવે છે અને સહકુટુંબ સાથે શ્રી બાલવિનાયકની પૂજનવિધિ કરે છે. જેને ૮૪ વર્ષ પૂર્ણ થયા છે. પ્રતિદિન દેવસ્થાનના પૂજારી દ્વારા સવારે સાંજે શ્રી બાલ વિનાયકની પૂજન તથા આરતીનો ક્રમ ચાલુ છે.

મેંદરડા

મેંદરડા : પાદર ચોક દરવાજા પાસે હિન્દુસેના રાધે ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરાયુ છે. જેમાં સતત ૪ વર્ષ થયા ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતીની સ્થાપના કરવામાં આવી છે. તેમજ ૩૫ કિલોના લાડુ પ્રસાદ ધરવામાં આવ્યો હતો તેમજ દરરોજ રાસ જેવા અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

ભાવનગર

ભાવનગર : હિન્દુ તહેવારમાં ગણેશજીની પૂજાને ભાદરવા સુદ પક્ષમાં ચોથના દિવસે ભગવાન શિવે તેમના પુત્ર ગણેશના મસ્તક છેદન બાદ હાથીનું મસ્તક લગાડયુ હતુ. જેથી ત્યારથી જ ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે. ગણેશ ઉત્સવ એ દસ દિવસનો તહેવાર છે જેમાં ગણપતિની માટીની મુર્તિ લાવી દસ દિવસ સુધી ઘરમાં સ્થાપન કરીને તેમા પૂજા પાઠ કરી મંત્રોચ્ચાર ફૂલો અને પ્રસાદ  ધરી કરવામાં આવે છે. પ્રસાદીમાં ગોળ, નારિયેળ અને ચોખાના લોટમાંથી બનાવેલા મોદક બનાવવામાં આવે છે. પ્રસાદીમાં પેંડાનો પણ ઉપયોગ કરી શકાય છે. પરંતુ ગણેશજીને મોદક સૌથી પ્રિય હોવાથી પ્રસાદીમાં મોદક વધુ ઉતમ ગણાય છે.

સ્થાપનમાં દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને ૧૦ દિવસ સુધી સ્થાપન કરી શકાય છે અને તેની વિસર્જન યાત્રા કરી તેમને જળમાં પધરાવવામાં આવે છે. આજના સમયમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખી અને જો પાણીમાં ગણપતિજીને ના પધરાવવા હોય તો સ્ફટીકના ગણપતિ, મંગળના ગણપતિ પણ પધરાવી તેમનું સ્થાપન અને પૂજન કરી શકાય છે અને જેને ત્રણ, પાંચ, સાત કે દસ દિવસે તેના ઘરમાં પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. વિનાયક ચતુર્થીને કોંકણી પણ કહેવાય છે. તેમાં શિવ ઉપાસના પણ કરાય છે. વિનાયક ચતુર્થી પ્રમાણે જૈનો પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે. હિન્દુ તહેવારમાં ગણેશ ભગવાનને જીવનમાં આવતા અવરોધ દૂર કરવાની અને ગાણિતીક જ્ઞાન અને બુધ્ધિના ભગવાન તરીકે પણ ઓળખાય છે અને તે લલીત કલાઓના સ્વામી છે. ખાસ નૃત્ય, ગાયન, વાદન તેમને અતિ પ્રિય છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, તેલંગાણા, છત્તીસગઢ અને વિદેશોમાં અમેરિકા અને લંડન જેવા દેશોમાં પણ આ તહેવાર ધામધૂમથી દસ દિવસ માટે ઉજવવામાં આવે છે તેમ ડો.કોશલ્યા દેસાઇએ જણાવ્યું છે.

ઓખા

ઓખા : બેટમાં શ્રાવણ માસે શિવ ૩૦ દિવસની આરાધના કર્યા બાદ ઓખાવાસીઓ શિવપુત્ર ગણેશના સામૈયા કરવા ઉત્સુક બનતા જોવા મળે છે. ઓખામાં દરેક ધાર્મિક ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. તેમાયે ગણેશ ચતુર્થીના ગણેશના જન્મદીનની ઉજવણી તો અગિયાર દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ઓખામાં પ્રથમ તો એક જ ગણેશની સ્થાપના થતી હતી પરંતુ હમણા થોડા વર્ષોથી અહી ગામના દરેક એરિયા વાઇસ નોખા નોખા ગણેશ પંડાલો ઉભા કરાય છે અને ગણેશની જૂદી જૂદી મુર્તિઓની સ્થાપના કરાય છે. આ વર્ષે ઓખામાં ૧૭ અને બેટમાં ત્રણ જેટલી આમ કુલ ૨૦ જેટલા ગણેશ મુર્તિની સ્થાપના થયેલ છે અને દરેક સ્થાનોમાં અગિયાર દિવસ સુધી જૂદા જૂદા ધાર્મિક ઉત્સવો ઉજવી ખૂબ જ ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવાય છે. અહી સમંદર કિનારે સમંદરકા રાજા, ઓખા નવીબજારમાં નવીબજાર કા રાજા અને હાઇસ્કુલ રોડ પર ઓખાના રાજા બિરાજે છે અને સમંદરની વચ્ચે આવેલ બેટ ગામમાં સમંદર કે શહેનશાહ બિરાજશે. અહી ઓખા ગાંધીનગરી ભુંગા વિસ્તારમાં મુસ્લી લોકો પણ ગણેશ પૂજા કરવા તથા મુસ્લીમ મહિલાઓ ગણેશની આરતીમાં ભાગ લેવા બહુજ ઉત્સાહથી આવે છે. અહી કોમી એકતા સાથે આ ઉત્સવ ઉજવવામાં આવે છે.(૪૫.૫)

(12:20 pm IST)