Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે જામનગર તાલુકાના વિવિધ ગામોમાં સ્લેબ ડ્રેઈન તેમજ સ્ટેટ હાઇવેથી જોડતા રસ્તાઓનું ખાતમૂહર્ત કરાયું

રૂ. ૧.૮૮ કરોડના ખર્ચે રસ્તાઓનું નવનિર્માણ કરવામાં આવશે

જામનગર:રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના વિજરખી, મિયાત્રા અને નાના થાવરિયા ગામોને જોડતા રસ્તા પર ૭ મીટરનો સ્લેબ દ્રેઈન અને માઈનોર બ્રીજનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. ૮૬ લાખના ખર્ચે સ્લેબ ડ્રેઈન અને ૪ ગાળાનો માઇનોર બ્રિજનું વિકાસકામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત કૃષિમંત્રીના હસ્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સપડા ગણપતિ મંદિર ખાતે સ્ટેટ હાઇવેને જોડતા રસ્તા અને મંદિર સુધીના પાકા રસ્તાના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. સપડા ગામના આ ૧.૮ કિમી રસ્તાના રૂ. ૧ કરોડથી પણ વધુના ખર્ચે માટી કામ, નાળા પુલિયા સમારકામ અને ડામરકામ હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ આજે અનેક ખેતીલક્ષી સહાયોના જૂના ધોરણમાં સુધારા આવ્યા છે. પ્રજાના સતત સાથ, સહકાર અને વિકાસ એ જ તેમનો મહામંત્ર છે. 'આઝાદી કા અમૃત મહોત્સવ' ૧ વર્ષથી ચાલતાં રાષ્ટ્રભાવનના આ મહાન પર્વની જ્યારે પૂર્ણાહૂતિ થવા જઈ રહી છે ત્યારે આ પ્રસંગે દરેક ગ્રામજન પોતાના ઘરે તિરંગો ફરકાવે. મિયાત્રા ગામમાં ચોમાસાની ઋતુમાં પાણી વારંવાર ભરાઈ જવાની સમસ્યા હતી. આ નવો રસ્તો બનવાથી આજુબાજુના વિજરખી, નાના થાવરિયા ગામોના લોકોને ચોમાસામાં અવર જવર કરવામાં પડતી મુશ્કેલીઓથી રાહત મળશે. સુપ્રસિદ્ધ સપડા ગણપતિદાદા તીર્થધામમાં અનેક દર્શનાર્થીઓ મુલાકાત લેતા હોય છે. સ્ટેટ હાઇવે સાથે પાકો રસ્તો જોડાવાથી લોકોને કોઇપણ સમસ્યા નડશે નહિ.
આ વિવિધ ખાતમુહર્ત પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા, ડો. વિનુભાઇ ભંડેરી, કાર્યપાલક ઇજનેર છૈયાભાઈ, મિયાત્રા ગ્રામ સરપંચ ભરતસિંહ કંચવા, મિયાત્રા ગ્રામ ઉપ સરપંચ દેવર્ષિભાઈ, માજી સરપંચ  લખુભા, સપડા ગ્રામ સરપંચ  નિલેશસિંહ, સપડા ગ્રામ ઉપ સરપંચ  અનિરુદ્ધસિંહ, માજી સરપંચ મનુભા જાડેજા, ચેલા ગ્રામ સરપંચ રાજભા ભટ્ટી, મિયાત્રા ગ્રામ આગેવાન અરજણભાઇ, ભરતભાઈ ગાગિયા, પરબતભાઇ સભાયા, દાદુભાઈ ગાગીયા, રમેશભાઈ, સપડા ગ્રામ આગેવાન  દિલીપસિંહ, બળવંતસિંહ જાડેજા,કરશનભાઈ, હેમંતસિંહ જાડેજા, બેરાજા ગ્રામ સરપંચ શૈલેષભાઈ સાવલિયા, મોડા ગ્રામ ઉપ સરપંચ  રઘુભા, આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચઓ, આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(5:54 pm IST)