Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

મોરબી ક્યુટોન સિરામિક માંથી 350 કરોડનું કાળુંનાણું મળી આવ્‍યું

બેનામી વ્યવહારો મોરબી ઉપરાંત રાજકોટમાં ડી.એસ. ફાઇનાન્સ, બિલ્ડકોન ગેલેરી, પટેલ ગ્રેનાઇટ, ઓસ્કાર સેનેટરી વેર્સ, ડેસ્ટિની વિટ્રિફાઈડ સહિતના સ્થળોએથી મળી આવ્યા

મોરબીઃ   સિરામિક એકમમાં શરૂ થયેલી તપાસ શનિવારે સતત ચાલુ રહી હતી. અત્યાર સુધીની તપાસમાં રૂ. 350 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. આ સિવાય રૂ.1 કરોડ રોકડા, રૂ. 2 કરોડની જ્વેલરી ઝડપાઈ છે. જોકે આવકવેરા વિભાગે સત્તાવાર રીતે હજુ તપાસ ચાલુ હોય બેનામી વ્યવહારો વધુ ઝડપાઈ તેવી સંભાવના વ્યક્ત કરી છે.

આ બેનામી વ્યવહારો મોરબી ઉપરાંત રાજકોટમાં ડી.એસ. ફાઇનાન્સ, બિલ્ડકોન ગેલેરી, પટેલ ગ્રેનાઇટ, ઓસ્કાર સેનેટરી વેર્સ, ડેસ્ટિની વિટ્રિફાઈડ સહિતના સ્થળોએથી મળી આવ્યા છે. રાજકોટ, મોરબી મળી કુલ 25 સ્થળે તપાસ કરવામાં આવી હતી. જ્યારે તપાસ માટે મુંબઇ ગયેલી ટીમ હજુ પરત ફરી નથી. રાયપુરમાં પણ સરવે માટે ધમધમાટ કરવામાં આવ્યો હતો. ક્યુટોન સિરામિક છેલ્લા કેટલાય સમયથી અંડર બિલિંગ કરીને ટેક્સચોરી કરતું હતું. આવકવેરા વિભાગને આ અંગેની બાતમી 6 મહિના પહેલા થઈ હતી.

બાતમી મળ્યા બાદ આવકવેરા વિભાગે ખરાઈ કરી હતી. જેમાં ટેક્સચોરી માલૂમ પડતા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોરબીની આ મોટી રેડ હોવાનું જાણવા મળે છે. તપાસમાં 200 અધિકારી જોડાયા હતા. રેડ પૂર્વે બધા અધિકારીઓને અમદાવાદ લઈ જવાયા હતા. એવું અનુમાન હતું કે, સર્ચ ઓપરેશન અમદાવાદમાં કરવામાં આવશે પરંતુ તમામ અધિકારીને રાજકોટ પરત લાવવામાં આવ્યા હતા. વહેલી સવારથી સર્ચ ઓપરેશન કર્યું હતું. સર્ચ ઓપરેશનના 5 કલાક બાદ બેનામી વ્યવહારો મળવાનું શરૂ થયું હતું. જપ્ત કરાયેલા દસ્તાવેજોની ચકાસણી કરવા માટે ખાસ ટીમ બનાવાઇ છે. અત્યાર સુધીની તપાસમાં દેશભરમાં વ્યવહારો થયાનું ખૂલ્યું છે.

(2:42 pm IST)