Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ભુજના યુવાન વ્યાપારી સાથે તેના રાજકોટના મિત્રનું અપહરણ કરીને ૨૫ લાખ ખંડણી માંગનાર ૧૦ આરોપીઓ ઝડપાયા

ક્રિકેટના સટ્ટાના ૧૭ લાખ સાથે ૮ લાખની ખંડણી માંગનારને પીઆઇ જે.જી. રાણાએ રૂપિયા લેતી વખતે છટકું ગોઠવીને બન્ને અપહૃત યુવાનો સુધી પહોંચી ૧૦ અપહરણકારોને ઝડપ્યા

ભુજ તા.૧૪ :  સમગ્ર ભુજ અને પટેલ ચોવીસીમાં છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહેલા અપહરણ અને ખંડણી પ્રકરણમાં માનકુવા પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને બન્ને અપહૃત યુવાનોને છોડાવ્યા હતા. જોકે, આ પ્રકરણમાં ખંડણીની સાથે ક્રિકેટના સટ્ટાની લાખોની હારજીતનો મામલો હોવાનું પણ ખુલ્યું છે. માનકુવા પોલીસ સ્ટેશનનાના પીઆઇ જે.જી. રાણાની કુનેહ અને કાબેલિતને પગલે બન્ને યુવાનોના જાન બચી ગયા હતા. આ અંગે પોલીસે આપેલી વિગતો અનુસાર ભુજની ભાગોળે આવેલા સુરજપર ગામમાં મિનરલ વોટરનો ધંધો કરતા યુવાન લોહાણા વ્યાપારી લખન શંકરલાલ ઠકકર અને તેનો ભાગીદાર રાજકોટનો યુવાન જીજ્ઞેશ ઠકકર બન્ને તેમની દુકાને હતા ત્યારે બે અલગ અલગ કાર માં આવેલ ૧૦ જેટલા યુવાનોએ તેમની સાથે મારકુટ કરીને તેમનું અપહરણ કર્યું હતું. આ બનાવ સમયે હાજર લખન ના માતા ભારતીબેનને આવેલા યુવાનોએ ૧૭ લાખ રૂપિયા તેઓ લખન પાસે માંગતા હોવાનું જણાવીને વધારાના ૮ લાખ સહિત કુલ ૨૫ લાખ રૂપિયા ચુકાવીને પોતે લખનને છોડશે એવી ધમકી આપી હતી. ડરી ગયેલા ભારતીબેને માનકુવા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. દરમ્યાન અપહરણકારોએ લખન અને જીજ્ઞેશના ફોનમાંથી તેના ભાઈ રામને ફોન કરીને પૈસા સાથે મિરઝાપર પાસે બાઈકસવારને મળીને રૂબરૂ આપવાનું જણાવ્યું હતું. જોકે, પીઆઇ રાણાએ સાદા વેશમાં સંબંધી તરીકે એક પોલીસવાળાને બાઇક ઉપર બેસાડી રામની સાથે મોકલ્યો હતો. પોલીસની બીજી ટીમ ખાનગી વાહનમાં સાદા કપડામાં તેમની પાછળ હતી. બાઈકસવાર ૧૫ કિમિ દૂર આવેલ નાગીયારી ગામની વાડીએ પહોંચ્યા હતા. જ્યાં પોલીસે ત્રાટકીને ૧૦ અપહરણકારોની ચુંગાલમાંથી લખન અને તેના મિત્ર જીજ્ઞેશને છોડાવ્યા હતા. પોલીસે અપહરણ કરનાર ૧૦ યુવાનો મૂળ તૂંબડી (મુન્દ્રા) હાલે ભુજના વિરેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા, મિરઝાપર ભુજના પૃથ્વીરાજસિંહ શકિતસિંહ જાડેજા, સુરેન્દ્રનગરના ભગીરથસિંહ પ્રતાપસિંહ ઝાલા, પાટણના પ્રદીપસિંહ અભાસિંહ સોલંકી, ભુજના વિશાલ પ્રદીપ સોની, સરલી ભુજના ભરત વાલજી હીરાણી, ભુજના પ્રદીપ જયશંકર ઠકકર, મિરઝાપરના રાજેન્દ્રસિંહ શકિતસિંહ જાડેજા અને અજિતદાન રામદાન ગઢવીની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદાકીય કલમો તળે ગુનો દાખલ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.(૧૭.૪)

(12:21 pm IST)