Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાતંત્ર્ય પર્વ અને રક્ષાબંધનની ઉજવણી

જીલ્લા-તાલુકા મથકો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધ્વજવંદન : બહેન પોતાના ભાઇને રાખડી બાંધીને ભાઇ-બહેનના પવિત્ર સંબંધને વધુ ગાઢ બનાવશે : સમૂહ જનોઇ બદલવા માટે 'શ્રાવણ પર્વ' ઉજવાશે

રાજકોટ, તા. ૧૪ : કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાતંત્ર્ય પર્વની અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે.

કાલે તા. ૧પ ઓગસ્ટ-સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત જીલ્લા-તાલુકા મથકો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારતના રાષ્ટ્રધ્વજને સલામી આપીને ધ્વજવંદન કરવામાં આવશે.

સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત સમૂહ રાષ્ટ્રીયગાન, દેશભકિત ગીતોનું ગાન સહિત અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત કાલે ગુરૂવારે ભાઇ-બહેનના પવિત્ર સંબંધને વધુ ગાઢ બનાવતા પર્વ 'રક્ષાબંધન'ની પણ ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. બહેન પોતાના ભાઇની રક્ષા માટે રાખડી બાંધીને આશિર્વાદ આપશે.

આ ઉપરાંત સમુહમાં જનોઇ બદલવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે 'શ્રાવણ પર્વ' ઉજવવા માટે તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે.

જુનાગઢ

જુનાગઢ : જુનાગઢમાં વસતા ઔદીચ્ય ઝાલાવડી પરિવારને સમાજના યુવક મંડળના પ્રમુખશ્રીની યાદીમાં જણાવે છે કે હર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણી બળેવ નિમિતે ઔદીચ્ય ઝાલાવડી બ્રહ્મસમાજનો યજ્ઞોપવિત બદલાવવાનો એક સામૂહિક કાર્યક્રમ ખાખચોર, દામોદર કુંડની બાજુમાં, જુનાગઢ ખાતે સવારે ૭-૩૦ વાગ્યે રાખેલ છે. પૂજાપો તથા ફરાળની વ્યવસ્થા સ્થળ ઉપર રાખેલ છે. વિશેષ માહિતી માટે ભાવિક જોશીપ્રમુખ અથવા પી.સી. ભટ્ટ મહામંત્રીનો સંપર્ક કરવા જણાવાયું છે.

જ્ઞાતિજનોને તા.૧પને ગુરૂવારે સવારે ૭-૩૦ વાગ્યે ખાખ ચોક, દામોદર કુંડની બાજુમાં, ભવનાથ રોડ, જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહેવા ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળ અને ઔદિચ્ય ઝાલાવડી બ્રહ્મ સમાજ જૂનાગઢ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

ઉપલેટા

ઉપલેટા : સૌરાષ્ટ્રના ખ્યાતનામ શૈક્ષણિક સંકુલ પીપલ્સ વેલ્ફેર સોસાયટી સંચાલીત વૃજભૂમિ આશ્રમ ડુમિયાણી મુકામે આઝાદીના રાષ્ટ્ર પર્વ ૧પ ઓગસ્ટની ભારે ઉત્સાહ સાથે શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સંસ્થાની જુદી જુદી સાત કોલેજો ઉપરાંત કે.જી.થી માધ્યમિક શાળાના ૩૦૦૦થી વધુ વિદ્યાર્થી ભાઇ-બહેનો પ્રોફેસરો, શિક્ષકો સહિતના સ્ટાફ દ્વારા સવારે ૬ વાગ્યે પ્રભાતફેરી સંસ્થાના વિશાળ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન સ્થળે શાળા કોલેજના જુદા જુદા યુનિફોર્મમાં માર્ચ પરેડ અને ત્યારબાદ સવારે ૯ ટીવી સંવાદદાતા અમદાવાદ અને ખેડૂત એકતા મંચ ગુજરાતના પ્રમુખ સાગરભાઇ રબારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.

ત્યાર બાદ સવારે ૧૦ વાગ્યે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવશે તેના વકતા તરીકે પ.પૂ.શ્રી બ્રહ્માકુમારી રેખાબેન રહેશે. ત્યારબાદ ૧૦:૩૦ કલાકે વાલી સંમેલન યોજવામાં આવશે જેના પ્રમુખ સ્થાને રાજકોટ મ્યુ. કોર્પોરેટર ડો. ઉર્વેશીબેન પટેલ રહેશે.

આ કાર્યક્રમમાં શાંતિભાઇ બાવરીયા, કાનજીભાઇ છૈયા સહિત સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનો યુવાનો રાજકીય સામાજીક સેવાકીય આગેવાનો ગામડાના સરપંચો સહકારી મંડળીના પ્રમુખો વિગેરે વિશાળ સંખ્યામાં હાજર રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી શ્રીમતી સવિતાબેન મણવરના માર્ગદર્શન નીચે વૃજભૂમિ આશ્રમ પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે.

મોરબી

મોરબી : મોરબી શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના ઉપક્રમે શાસ્ત્રીજી શ્રી વિપુલકમાર પી. શકુલના આચાર્યપદે સવંત ર૦૭પ શ્રાવણ શુકલ પૂર્ણિમા, ગુરૂવાર ને તા. ૧પના સવારે ૮-૩૦ કલાકે શ્રી મોરબી ઔદિચ્ય જ્ઞાતિની વાડી, વાંકાનેર દરવાજા બહાર, ભૂદેવો સમૂહમાં નૂતન યજ્ઞોપવિત ધારણ કરશે. સર્વે ભૂદેવોને યજ્ઞોપવિત ધારણવિધિમાં પધારવા વિપુલભાઇ શાસ્ત્રીએ ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.

વાંકાનેર

વાંકાનેર : મોરબી જીલ્લાના ૭૩માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી જીલ્લા કક્ષાએ હળવદ સરકીટ હાઉસની બાજુમાં આવતીકાલે યોજાશે. જેમાં મોરબી જીલ્લા કલેકટર આર.જે. માકડીયા (આઇએએસ) ના વરદ હસ્તે ધ્વજવંદન થશે. જયારે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વાંકાનેર તાલુકાના જોધપર ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાશે. આ પ્રસંગે પ્રાંત અધિકારી એન.એફ. વસાવાના વરદ હસ્તે ધ્વજવંદન થશે. ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમ એક પ્રેસ યાદીમાં ઇન્ચાર્જ મામલતદાર એ.બી. પરમારે જણાવેલ છે.

અમરેલી

 અમરેલી : જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૧પમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કેન્દ્રીય રાજય કૃષિમંત્રી અને અમરેલીના શ્રી પુરૂષોતમભાઇ રૂપાલાના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાની જનતાને પધારવા સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, ઇફકોના વાઇસ ચેરમેન શ્રી દીલીપભાઇ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરા, મહામંત્રીશ્રી રવુભાઇ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશિક વેકરીયા તથા જિલ્લા ભાજપ ટીમ દ્વારા તમામ કાર્યકર્તાશ્રીઓ, અગ્રણીશ્રીઓ, પાર્ટીના શુભેચ્છકશ્રીઓ તથા સૌ કોઇ કાર્યકર્તાઓને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમ જિલ્લા ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

જામનગર

જામનગર : ભારતીય સ્વાતંત્ર્ય દિન નિમિતે તા. ૧પમી ઓગસ્ટ-ર૦૧૯ ગુરૂવારના રોજ સવારે ૯ કલાકે વનકુટીર મેદાન, જામનગર રોડ, કુન્નડ તા. જોડીયા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજારોહણ સમારંભમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવાયું છે.

આ પ્રસંગે શ્રી જયેશ રાદડીયા, મંત્રી, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, કુટીર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી સલામી લેશે તેમ રવિશંકર કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની યાદીમાં જણાવાયું છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર : જિલ્લાના ચુડા ખાતે કાલે ૧પમી ઓગષ્ટની ગૌરવભેર ઉજવણી કરાશે. સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ૧પમી ઓગસ્ટની ઉજવણી ચુડા ખાતે ગૌરવભેર કરવામાં આવશે. પ્રવાસન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહર ચાવડાના હસ્તે સવારે ૯ વાગ્યે ધ્વજવંદન કરવામાં આવનાર છે.

શંકર સ્ટેડીયમ, છતરીયાળા રોડ, ચુડા ખાતે યોજાનાર જિલ્લાકક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લામાં વિશેષ યોગદાન આપનાર કે કોઇપણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળનાર અથવા નોંધનીય કામગીરી કરનાર વ્યકિત અથવા તો કર્મચારીનું સન્માન પણ કરવામાં આવનાર છે.

૧પમી ઓગષ્ટની ઉજવણીના ભાગરૂપે મુખ્ય સરકારી કચેરીઓને રોશનીથી સજાવવામાં આવશે તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

જામકંડોરણા

જામકંડોરણા : તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી તાલુકાના સોડવદર ખાતે તાલુકા શાળામાં થશે. તા. ૧પમી ઓગસ્ટને ગુરૂવારે સવારે ૯ કલાકે નાયબ કલેકટરશ્રીના હસ્તે ધ્વજવંદન થશે. આ પર્વની ઉજવણી પ્રસંગે પ્રભાત ફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે.

ટંકારા

 ટંકારા : ટંકારા તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ જબલપુર ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાશે.

ટંકારાના પ્રાંત અધિકારીશ્રી ગોસ્વામીના હસ્તે ધ્વજવંદન થશે.

મામલતદાર બી.કે. પંડયા, તાલુકા વિકાસ અધિકારી એન.એમ. તરખાલા, નાયબ મામલતદાર એમ.જે. પટેલ, એ.ટી.ડી.ઓ ભીમાણી, ટંકારાના મહિલા પી.એસ.આઇ. એલ.એચ. બગડા, સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ, ટંકારા પોલીસ સ્ટાફ, હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના જવાનો વિગેરે ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. પ્રાંત અધિકારીશ્રી ગોસ્વામી દ્વારા શુભેચ્છા પાઠવાશે.  તાલુકા કક્ષાના કાર્યક્રમમાં જબલપુરના ગ્રામજનો બહોળી સંખ્યામાં ભાગ લેશે.

(12:19 pm IST)