Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

વેરાવળના પોર્ટ રોડ ટ્રાફીક રેલ્વે અને ભૂગર્ભ ગટર સહિત અણઉકેલ પ્રશ્નો ઉકેલવા મુખ્યમંત્રીને રજૂઆત

વેરાવળ, તા. ૧૪ : ચીમનભાઈ વી. અઢીયા (પ્રમુખશ્રી જથ્થાબંધ અનાજ કિરાણા મંડળ)એ મુખ્યમંત્રીને રજૂઆતમાં પોર્ટ, રોડ ટ્રાફીક રેલ્વે અને ભૂગર્ભ ગટર સહિત પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવેલ કે વેરાવળ પાટણના પ્રશ્નો અંગે અવાર નવાર રજૂઆત કરેલ પરંતુ પ્રશ્નોનો કોઈ ઉકેલ આવતો નથી. શ્રાવણ માસ શરૂ થઈ ગયેલ હોય સોમનાથ મંદિરે યાત્રાળુઓનો ધસારો ખૂબ જ રહે છે. પોર્ટના ગોડાઉનમાં વેપારીઓના ચાલીસેક ગોડાઉન આવેલ હોય, નિયમિત ભાડા ભરાતા હોય આમ છતા ૪૦ થી ૫૦ વર્ષથી કયારેય પણ ગોડાઉન રીપેરીંગ થયા હોય તેવુ ધ્યાનમાં નથી. બંદર અધિકારીએ પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડને આ અંગે જાણ કરેલ છે. આમ છતા ઉકેલ માટે સરકાર તરફથી તત્પરતા દેખાડવામાં આવતી નથી. છેલ્લે વાયુ વાવાઝોડા વખતે પાંચ થી છ વેપારીઓને છપરા ઉડી જતા પારાવાર નુકશાન થયેલ છે. તે અંગે મેરીટાઈમ બોર્ડને તેમજ આપને પણ અવાર નવાર જાણ કરેલ છે.

નગરપાલિકાનું તંત્ર તદન ખાડે ગયેલ છે. સમગ્ર વેરાવળના ગટરના ઢાંકણા ખુલ્લા દેખાય છે. વરસાદી પાણી આવશે તો રોડ રસ્તા પર માનવહાનીની શકયતા દેખાય છે. વેરાવળના ઘણા વિસ્તારોમાં ગટરનું પાણી નળ લાઈનના પાણીની સાથે મીક્ષ આવે છે. અનેક વખત રજૂઆત કરેલ છે આમ છતા પરિસ્થિતિમાં કોઈ સુધારો થતો નથી.

ભૂર્ગભ ગટર યોજનાનું છેલ્લા ચાર વર્ષથી કામકાજ ચાલુ છે સરકારે ભુગર્ભ ગટરની ગ્રાન્ટ પણ ફાળવેલ છે. આમ છતાં હજુ ભુગર્ભ ગટરના કોઈ ઠેકાણા નથી. નગરપાલિકાની શાક માર્કેટ ૩ થી ૪ વર્ષથી તૈયાર છે પરંતુ શાકવાળા ભાઈ, બહેનો ત્યાં બેસતા નથી અને રોડ ઉપર દબાણ કરીને બેસે છે. ટ્રાફીકને અડચણ થાય છે. વેરાવળને સ્વીમીંગ પુલ અને તેને લગતી અન્ય સુવિધાઓ આપેલ છે. પરંતુ નગરપાલિકાએ જે શોપીંગ સેન્ટર બનાવેલ છે તે બંધ પડેલ છે તે જ રીતે વેરાવળમાં એક બગીચા ઉપરાંત ત્રણ બગીચાનું આયોજન થયેલ છે. પરંતુ ફરવાલાયક સ્થળ બની શકે તેવુ કોઈ આયોજન થતુ નથી.

સ્મશાન પ્રશ્ન અંગે અવાર નવાર રજૂઆત કરેલ છે. જેમાં આંશિક સફળતા મળી હોય તેવુ લાગે છે પરંતુ ગેસ આધારીત સ્મશાન અવાર નવાર બંધ હાલતમાં જોવા મળે છે. સાથે ઈલેકટ્રીક આધારીત સ્મશાન બનાવવુ જરૂરી છે. એક જમાનામાં આજથી ૪૦ કે ૪૫ વર્ષ પહેલા વેરાવળ બંદરનો દાયકો હતો. ૭૦૦ કામદારોને રોજીરોટી મળતી હતી. આયાત નિકાસને કારણે વિદેશી હુંડીયામણ પણ મળતુ હતુ જેની પરિસ્થિતિ હાલ ખરાબ છે. બંદર વિસ્તારમાં  દરિયા કિનારે ડ્રનેજનો પ્રશ્ન પણ હાથ ઉપર લઈ યોગ્ય કરવાની રજૂઆત છે. વેરાવળ બંદર હાલ ફીશીંગ હાર્બર બંદર તરીકે ઓળખાય છે. વેરાવળ બંદરને કોમર્શીયલ હાર્બર તરીકે વિકસાવવાની અવાર નવાર વાતો થતી હતી. અગાઉ દરીયાની અંદરથી વિમાની સેવા મળશે તેવી વાતો થતી હતી પરંતુ બધુ કાગળ ઉપર જ છે. કેશોદ એરપોર્ટ ચાલુ કરવા અનેક વખત રજૂઆત કરેલ છે. થોડા દિવસ પહેલા પેપર્સ દ્વારા જાણવા મળ્યુ હતું કે ૧૫ દિવસમાં કેશોદ એરપોર્ટ ચાલુ થશે તેવી વાતો વહેતી થઈ છે. પરંતુ કયારે સુવિધા મળશે તે પ્રજાને આમલા આમલી બતાવ્યા જેવુ લાગ્યા કરે છે. ગુજરાતની ૧૬૦૦ કિલોમીટરનો દરીયા કિનારો ધમધમતો થાય, વેરાવળનો વિકાસ થાય અને કામદારોને રોજીરોટી મળે તેવુ આયોજન થાય તે જરૂરી છે.

રેલ્વેની વાત કરૂ તો ધીમે ધીમે ટ્રેનોની સંખ્યા વધતી જાય છે. હજુ પણ જો મીટરગેજ લાઈન અન્ય જગ્યાએ ફેરવવામાં આવે તો બ્રોડગેજ લાઈનમાં ઘણો વિકાસ થઈ શકે તેમ છે. સોમનાથથી તમામ યાત્રાસ્થળોએ સીધી ટ્રેન મળે તેવી વ્યવસ્થા જરૂરી છે. એક જમાનામાં ગુડસ સ્ટેશન ધમધમતો હતો દરરોજ માલગાડી બે થી ત્રણ આવતી હતી. બ્રોડગેજ લાઈન થયા પછી આમા પણ સુધારો થાય તો વેરાવળના વિકાસની ઘણી તકો છે. તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(11:43 am IST)
  • મમતાના ગઢમાં વધુ એક ગાબડું : તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સોવન ચેટરજી ભાજપમાં જોડાઈ ગયા access_time 11:54 pm IST

  • પાકિસ્તાનના કરાંચીમાં જન્મેલી તથા શ્રી નરેન્દ્ર મોદીને ભાઈ ગણતી મહિલા કમર મોહસીન હસન રાખડી બાંધવા દિલ્હી પહોંચી : છેલ્લા 24 વર્ષથી રાખડી બાંધવાનો ક્રમ ચાલુ છે access_time 12:40 pm IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST