Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

વાંકાનેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ, ઠેર ઠેર ખાડા, કચરાના ઢગલાઓ, લોકો પરેશાન છતાં પાલીકાનું તંત્ર મૌન

વાંકાનેર તા ૧૪  :  વાંકાનેર નગરપાલીકાની છેલ્લી સામાન્યસભા તા.૩૧/૭/૧૯ ના રોજ મળેલ, જે સામાન્યસભામાં કુલ ૨૬ સભ્યોમાંથી ૧૬ સભ્યોની હાજરીમાં અને ૧૨ સભ્યોની ગેરહાજરીમાં વિકાસના અનેક કામોને મંજુરી આપવામાં આવેલ. અને શહેરભરની  વિકાસની કામગીરી માટે જુદી જુદી ૧૬ સમિતીઓની રચના કરવામાં આવી હતી.

જેમાં મહત્વની હેલ્થ અને સેનીટેશન કમીટી અને વિજળી સમીતી તથા પબ્લીક વર્કસ કમીટી આ ત્રણેય સમીતીઓની વાંકાનેર શહેરની સફાઇ, હેલ્થ તથા વિજળી સમીતીની સ્ટ્રીટ લાઇટો તથા બાંધકામ એટલે પબ્લિક વર્કસની કામગીરી રસ્તા અને માર્ગ મરામતની હોય છે. પરંતુ ઉપરોકત નીમાયેલી એક પણ સમીતીની કામગીરી ન થતા વાંકાનેર શહેરના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

કારણકે મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો છેલ્લા ૧૩ દિવસથી બંધ છે, શેરીઓ-ગલીઓમાં ખાડા ટેકરા અને કચરાના ઢગલાઓથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ભારે વરસાદના કારણે શહેરની અનેક ગલીઓમાં પાણી ભરાયા હતા, જેના કારણે ખાડાઓ પડી ગયા છે. નગરપાલીકાના વહીવટદારોને આ બાબતની રજુઆતો કરવા છતાં હજુ સુધી ઠેક ઠેકાણે પડી ગયેલા ખાડાઓ યથાવત છે. સ્ટ્રીટ લાઇટો બંધ છે. લોકો નગરપાલીકાનો વહીવટ નિષ્ફળ ગયાની ચર્ચાઓ ઠેર ઠેર કરી રહ્યા છે.

ઉપરોકત પ્રશ્નોએ નગરપાલીકા તાત્કાલીક કામગીરી આરંભે તેવી લોક માગણી ઉઠી છે.

(11:43 am IST)