Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ભાવનગર જિલ્લામાં યુધ્ધના ધોરણે બચાવ-રાહત કામગીરી

ભાવનગર તા.૧૪:ભાવનગર જિલ્લામાં શુક્રવારે પડેલા ભારે વરસાદને કારણે ભાવનગર,ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું. સમગ્ર જિલ્લામાં એક જ દિવસમાં ૧૦ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ હતી. જિલ્લા પ્રશાસનની સર્તકર્તાને કારણે ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતમાં યુધ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતા જિલ્લામાંથી કુલ –૧૨૦ લોકોનું કાચા મકાનો માંથી પાક્કા મકાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું કલેકટરશ્રી હર્ષદ પટેલે જણાવ્યું છે. ભાવનગર તાલુકામાં વરસેલ ભારે વરસાદના પગલે તાલુકાના અનેક ગામોમાં પાણી ભરાઈ જવાના કારણે જન જીવન ને અસર પહોંચી હતી.આથી તંત્ર દ્વારા ભાવનગર તાલુકાના વેળાવદર, સનેસ,માઢિયા તેમજ મીઠાપુર ખાતે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી.જયારે કાનાતળાવ ગામે લોકભાગીદારી થકી ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરાઈ હતી.ઉપરોકત ગામોમાં આશરે ૧૫૫૦ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે.જયારે હજુ ૫૦૦ ફૂડ પેકેટ મોકલવાની વ્યવસ્થા તંત્ર દ્વારા થઈ રહી છે. તેમજ સલામત સ્થળે અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ તમામ નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પીવાનું પાણી, ભોજન તેમજ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

કલેકટરશ્રીએ જણાવ્યું છે કે ભાવનગર તાલુકામાં પણ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતાં બચાવ – રાહત કામગીરી માટે એસ.ડી.આર.એફની ટીમ કાર્યરત કરવામાં આવી છે.હાલ વરસાદનું પ્રમાણ દ્યટતાં સમગ્ર જિલ્લામાં જનજીવન પૂર્વવત થઇ રહ્યું છે.ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે રોડ સાઇડના ૮ જેટલા વૃક્ષો પડી ગયા હતા. આ તમામ વૃક્ષો વન વિભાગ દ્વારા દૂર કરી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે.માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ગામડાઓમાં વરસાદી પાણીના કારણે તૂટી ગયેલા રસ્તાઓનું પણ સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.ભાવનગર તાલુકામાંથી પસાર થતી નદી કાંઠાના તમામ ગામોની સંબંધિત નાયબ કલેકટર,મામલતદાર તાલુકા વિકાસ અધિકારીઓની ટીમો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે.

તેમજ જિલ્લાના તમામ ગામોમાં પી.જી.વી.સી.એલ દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી હાથ ધરાઈ છે.

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સતર્કતા સાથે કાર્યરત છે. હાલની પરિસ્થિતિમાં તમામ પંચાયતો દ્વારા પૂરતું કલોરીનેશન કરીને પીવાનું પાણી પુરૃં પાડવામાં આવે એની તકેદારી લેવામાં આવી રહી છે. જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા સાથે નાગરિકોને આરોગ્યની કાળજી લેવામાં આવી રહી છે.

(11:41 am IST)