Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

વાસી ઈદની ઉજવણી માટે માંડવી બીચ ગયેલા બે યુવાનો દરિયામાં ડૂબ્યા બાદ ગંભીરઃ એક યુવતીના મોતની આશંકા

ભુજ તા.૧૪ : કચ્છમાં પાણીમાં ડૂબવાની દુર્ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધી રહી છે. દરમ્યાન આજે વાસી ઈદની ઉજવણી કરવા માટે માંડવી બીચ ગયેલા યુવા વર્ગના માં ડૂબવાની ઘટનાએ બીચ ઉપર દોડધામ સાથે ચિંતા સર્જી હતી. દરિયામાં ડૂબેલા યુવાનોમાં બે યુવાનો અને એક યુવતીનો સમાવેશ થાય છે. આ બનાવમાં માંડવીના બાગ ગામના ૧૬ વર્ષીય યુવાન અમેશ રમજાન હિંગોરજા અને ભુજના ૨૬ વર્ષીય શબ્બીર ઇબ્રાહિમ નોડે દરિયામાં ડૂબી ગયા હતા. જોકે, આ બન્ને યુવાનોને માંડવી બીચ ઉપર લોકોએ બચાવીને તેમને સીધા ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં મોકલી દીધા હતા. આ બન્ને યુવાનો વિશે  માહિતી આપતા યુવા સામાજિક કાર્યકર અનવર નોડે એ જણાવ્યું હતું કે, અત્યારે આ બન્ને યુવાનો શબ્બીર ઈબ્રાહિમ નોડે અને અમેશ હિંગોરજા બન્નેની સારવાર ચાલી રહી છે, અને તબિયત ધીરે ધીરે સુધરી રહી છે. દરમ્યાન આ જ સમયે એક યુવતી પણ ડૂબી હતી. જે ભુજના અજરખપુરની મુસ્લિમ ખત્રી યુવતી હોવાનું જાણવા મળે છે. જોકે, તેની માંડવીના દરિયામાં થઈ રહેલ શોધખોળ વચ્ચે તે આજ સવાર સુધી લાપત્તા છે અને તેના મોતની આશંકા દર્શાવાઇ રહી છે.

(11:39 am IST)