Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મોરબીના વેપારી સહિત ૪નું અમૃતસરમાં અપહરણ કરી ખંડણી મંગાઇઃ પંજાબ પોલીસે મુકત કરાવ્યા

મોરબી પોલીસે જાણ કરતા પંજાબ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગૃપે વેપારી મિનલભાઇ સહિત ૪ ને છોડાવ્યાઃ ૧૫ લાખની ખંડણી માંગનાર લવદીપસિંઘ અને તેના બે સાગ્રીતોની ધરપકડ

રાજકોટ, તા., ૧૪: મોરબીના કોલસાના વેપારી સહિત ૪ નું અમૃતસરમાં અપહરણ કરી ખંડણી માંગનાર અપહરણકાર સહિત ત્રણ શખ્સોને પંજાબ પોલીસે  ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગત મુજબ મોરબીના કોલસાના વેપારી મિનલભાઇ પંજાબમાં લવદીપસિંઘને કોલસાનો જથ્થો સપ્લાય કરતા હતા. ઇંટોના ભઠ્ઠા ચલાવતા લવદીપસિંઘે મોરબીના વેપારી  મિનલભાઇને વધુ કોલસાનો જથ્થો જોઇતો હોવાનું જણાવી રૂબરૂ મીટીંગ માટેે બોલાવતા ગત ૧૧ મીએ મિનલભાઇ તેમના મિત્ર દિપક,  બીપીન તથા ડ્રાઇવર મણીલાલ સાથે અમૃતસર પહોંચ્યા હતા. જયાં લવદીપસિંઘ તેના બે સાગ્રીતો સાથે મળતા લવદીપસિંઘે ચારેયને ગન બતાવી અમૃતસર નજીક આવેલા પોતાના ગામ સારંગવાલ લઇ જઇ હાથ-પગ બાંધીને માર માર્યો હતો અને બાદમાં   અપહરણકારોએ મોરબીના વેપારી મિનલના પરીવારજનોને  ફોન કરી ૧પ લાખની ખંડણી માંગી હતી. અન્યથા પેટ્રોલ છાંટીને ચારેયને જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી.

ખંડણીનો ફોન આવતા મોરબીના વેપારી  મિનલના પરીવારજનો ગભરાઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. અપહરણકારો ખંડણીની રકમ આઇસીઆઇસીઆઇ બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનું કહેતા એકસનમાં આવેલ મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.ટી. વ્યાસની  ટીમે આ બેંક એકાઉન્ટ અંગે પંજાબ પોલીસને જાણ કરતા અમૃતસરના એએસપી પરમપાલ સિંહ તથા ટીમે બેંક એકાઉન્ટના નંબરના આધારે અપહરણકાર લવદીપસિંઘનું એડ્ેસ જાણી   અને તેના મોબાઇલ ફોનના આધારે લોકેશન શોધી કાઢી મોરબીના વેપારી મિનલભાઇ સહીત ચારેયને મુકત કરાવ્યા હતા.

પંજાબ પોલીસે અપહરણકાર લવદીપસિંઘ તથા તેના બે સાગ્રીતોને દબોચી લઇ તેની સામે ગુન્હો દાખલ કર્યો હતો. (૪.૧૧)

(3:33 pm IST)