Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

જસદણ-વિંછીયા તાલુકામાં ભાજપ-કોંગ્રેસ ભાઇ-ભાઇ!

કેબીનેટ મંત્રીના પ્રવાસ દરમિયાન ભાજપ-કોંગ્રેસના આગેવાનો એક મંચ ઉપર જોવા મળે છેઃ કોંગ્રેસમાં લડાયક સેનાપતિનો અભાવ

આટકોટ તા. ૧૪ :... જસદણ-વિંછીયા તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું દીધા બાદ ભાજપમાં જોડાઇ હાલ કેબીનેટ મંત્રી છે ત્યારે જસદણ-વિંછીયા તાલુકામાં ભાજપ - કોંગ્રેસના આગેવાનો મતભેદો ભુલી ભાઇ-ભાઇ બની ગયા હોય તેવો નજારો જોવા મળે છે.

કુંવરજીભાઇ બાવળીયા ભાજપમાં જોડાયા બાદ એવુ લાગતુ હતું કે જસદણ-વિંછીયા તાલુકાનાં કોંગ્રેસના અનેક આગેવાનો પણ રાજીનામા આપી ભાજપમાં જોડાશે પરંતુ આ આગેવાનો કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા વગર હાલ તો કુંવરજીભાઇ સાથે જ છે તેવું દેખાય છે. જો કે અમુક સંગઠનના હોદેદારો, જીલ્લા પંચાયતનાં સભ્યો કે તાલુકા પંચાયતના સભ્યો હજુ કોંગ્રેસને જ વફાદાર રહી તેલ અને તેલની ધાર જાુએ છે.

કુંવરજીભાઇ કેબીનેટ મંત્રી બન્યા બાદ શનિ-રવિની રજામાં પેટા ચૂંટણીમાં વિજય મેળવવા જસદણ-વિંછીયા પંથકમાં સન્માનના ભાગ રૂપે કે વિકાસનાં કામોના ખાત-મુહૂર્ત કે લોકાર્પણના કાર્યક્રમોના બહાને ગામે - ગામ પ્રવાસ કરી રહ્યા છે ત્યારે સ્થાનીક ભાજપ અને કોંગ્રેસનાં આગેવાનો મંચ ઉપર અગાઉના બધા વિરોધો ભૂલી સાથે જ બેઠા હોય ભાજપ-કોંગ્રેસના આગેવાનો હાલ ભાઇ-ભાઇ બની ગયા છે.

હાલ જસદણ-તાલુકામાં તો મુળ કોંગ્રેસી અને હાલ ભાજપમાં રહેલા આગેવાનો પાસે જ તાલુકાની મોટા ભાગની જવાબદારી કે સંગઠનનું સુકાન છે ત્યારે જૂના જનસંઘી અને ભાજપનાં વર્ષો જુના સંગઠનના પાયાના કાર્યકરોને તો કયારેક વાર-તહેવારે યાદ કરાતા હોય તેઓ નારાજ જરૂર હોય છે. પરંતુ તેમની વફાદારી ભાજપ સાથે જ હોય તેઓ પાર્ટીનું કામ સ્વમાનના ભોગે પણ કરતા હોય છે.

કુંવરજીભાઇના વિંછીયા-જસદણના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સતત  તેમની સાથે જ હોય છે કોંગ્રેસનાં સંગઠનના આવા હોદેદારો સામે હાલ કોંગ્રેસ પણ કોઇ કાર્યવાહી કરી શકે તેવી સ્થિતમાં ન હોય કોંગ્રેસનાં મોટાભાગના આગેવાનો કોંગ્રેસમાં જ રહી ભાજપના કુંવરજીભાઇ સાથે જોડાયેલા છે.

જો કે આમ છતાં કુંવરજીભાઇના જસદણ-વિંછીયા તાલુકાનાં પ્રવાસ દરમિયાન સ્થાનીક ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે સંકલનનાં અભાવે કયાંક કયાંક ભાજપનાં આગેવાનોને મનદુઃખ જરૂર થાય છે.

તાજેતરમાં આટકોટ ખાતે કુંવરજીભાઇ બાવળીયાના કાર્યક્રમ દરમિયાન અમુક સ્થાનીક આગેવાનોને ભાજપનાં બદલે કોંગ્રેસનાં આગેવાનો દ્વારા આમંત્રણ અપાતા અમુક સ્થાનીક આગેવાનો અને કાર્યકરો ગેરહાજર પણ રહ્યા હતાં.

જો કે સંકલનની આ ભુલ આગેવાનોને સમજાતા તેમણે આ કાર્યકરોની મનાવી આવનારા દિવસોમાં આવુ નહી થાય તેવી વાત કરતાં હાલ તો વિવાદ સમી ગયો છે.

જો કે તાલુકામાં ગામે-ગામ અમુક કોંગ્રેસનાં આગેવાનો આગુડા થઇ કાર્યક્રમનું આમંત્રણ આપતા હોય તેઓને પણ સંકલનમાં રહી કામ કરવાની મૌખીક સુચનાઓ આપવામાં આવી છે.

આમ તો કુંવરજીભાઇ જુના રાજકારણી હોય જસદણ-વિંછીયા પંથકનાં ગામે-ગામના ભાજપ-કોંગ્રેસના દરેક આગેવાનો અને કાર્યકરો સાથે અંગત પરિચયનાં લીધે અને કયારેય ભાજપનાં આગેવાન કે કોઇ કાર્યકર કામ લઇ કુંવરજીભાઇ પાસે ગયા હોય તો તેમનાથી બનતી મદદ કરી હોય તેઓ કોંગ્રેસમાં હોવા છતાં ભાજપનાં આગેવાનો અને કાર્યકરો સાથે લાગણી ભર્યા સબંધો કાયમ રાખ્યા હતાં. જેથી ભાજપનાં આગેવાનો તો બેવડા ઉત્સાહમાં આવી જઇ પેટા ચૂંટણી જીતવા કામે લાગી ગયા છે.

હાલ જસદણ-વિંછીયા વિસ્તારમાં કોંગ્રેસ પાસે કોઇ યોગ્ય અને લડાયક સેનાપતિ ન રહ્યા હોય ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા છે. (પ-૧૭)

(12:31 pm IST)