Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રજીસ્ટર્ડ દસ્તાવેજ જુનો હોય તો પણ રેવન્યુ ડીપાર્ટમેન્ટે એન્ટ્રી પાડવી જ પડેઃ પોરબંદર કોર્ટનો મહત્વનો ચુકાદો

પોરબંદર, તા.૧૪: રજીસ્ટર દસ્તાવેજ જુનુ હોય તો પણ રેવન્યુ ડીપાર્ટમેન્ટ દ્વારા તેની એન્ટ્રી પાડવી જ પડે. તેમ ઠરાવીને ૫૦ વર્ષ પહેલા થયેલા દસ્તાવેજમાં એન્ટ્રી પાડવાનો પોરબંદરની કોર્ટે મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની વિગત મુજબ. પોરબંદર તાલુકાના કુછડી ગામના લાખાભાઈ દેવશીભાઈ ઓડેદરા દ્વારા જુના રૈવન્યુ સર્વે નં.૭૭૨ પૈકીની જગ્યા તાઃ- ૧૮/૧/૧૯૭૧ નાંરોજ અઘાટ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ હતી. અને જે તે વખતે બે અલગ અલગ વ્યકિતઓ દ્વારા પોતાની જમીન ખરીદ કરંલી હોય અને ત્યારબાદ તેઓએ જમીનના ભાગ પાડી લીધા હોય અલગ અલગ કબજા હોય અને તેથી તે વખતે એટલે કે, ૧૯૭૧માં જમીનની કોઈ કિંમત ન હોય અને તેથી જ લાખાભાઈ દેવશીભાઈ ઓડેદરા દ્વારા જમીનનો એક ટુકડો કે જેના માલીક મેર ભોજા ગીગા પાસેથી ખરીદ કરેલી હતી. અને તે જમીનના બીજા માલીક વિકમ કુછડીયા દ્વારા સાક્ષીમાં સહી કરી આપેલી હતી. ને સબ-૨જી. કચેરીમાં જાતે હાજર રહેલા હતાં. અને તે રીતે બંને માલીકોએ દસ્તાવેજમાં સહી કરેલી હોવા છતાં જે તે વખતે રેવન્યુ અધિકારી દ્વારા એન્ટ્રી પાડેલ નહીં. ત્યારબાદ જમીનની કોઈ કિંમત ન હોવાના કારણે ખરીદનાર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરેલ નહીં, પરંતુ ત્યારબાદ જમીનના મુળ માલીકોના વારસો દ્વારા વારસાઈ એન્ટ્રી પડાવતા અને તેથી જમીનના માલીક લાખાભાઈ ઓડેદરા દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની કોર્ટમાં, દાવો કરેલ હતો. અને તે દાવો કોર્ટમાં ચાલી જતા અને રેકર્ડ ઉપરના પુરાવા  તથા તલાટી મંત્રીની જુબાની તથા કબજા સંબંધેના રોજકામ તથા સબ-રજી.ની જુબાની તથા રેકર્ડ ઉપર દસતાવેજ નોધણી થયેલ હોવાનુ અને વાદીનો જ કબ્જો હોવાનું પ્રસ્થાપીત થતા અને એડવોકેટ દ્વારા ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરતા, જયારે કોઈ અઘાટ વેચાણ દસ્તાવેજ થયેલુ હોય ત્યારે રેવન્યુ ડીપાર્ટમેન્ટ તેની એન્ટ્રી પાડવી જ પડે અને જેને કાંઈ વાંધો હોય તો કોર્ટમાંથી દસ્તાવેજ રદ કરાવવાનો હુકમ મેળવવો પડે અને જયાં સુધી કોર્ટ દસ્તાવેજ રદ ન કરે ત્યાં સુધી રેવન્યુ ડીપાર્ટમેન્ટ દસ્તાવેજ સાચુ છે કે ખોટુ તે નક્કી કરી શકે નહી. અને તે રીતે એડવોકેટની વિગતવાર દલીલ ધ્યાને લઇ કોર્ટ દ્વારા વાદીનો દાવો મંજુર કરી મામલતદારશ્રી દ્વારા ૬૦ દિવસમાં દસ્તાવેજ મુજબ વાદીના નામની એન્ટ્રી પાડવાનો હુકમ કરેલ છે. અને તે રીતે તા.૧૮-૧-૧૯૭૧નાં રોજ લીધેલી જમીન એટલે કે, યુવાનીમાં લીધેલી જમીનની એન્ટ્રી ૫૦ વર્ષ પછી એટલે કે, વૃધ્ધા અવસ્થામાં લાખાભાઈ ઓડેદરા પડાવી શકેલ છે.

આ કામમાં વાદી વતી પોરબંદરના એડવોકેટ શ્રી દિપકભાઇ બી લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી,જયેશ, બારોટ, જીતેન સોનીગ્રા તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.

(12:49 pm IST)